દૂધની ચોરી કરવાનો પ્રયાસ કરતાં ચાલક, હેલ્પર સહિ‌ત ત્રણ ઝડપાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બનાસડેરીના ડેરીના સુપરવાઇઝર તેમજ સ્ટાફે વોચ રાખતા મામલો પ્રકાશમાં આવ્યો

બનાસડેરીમાં ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા દૂધમાં ઘટ થતા ડેરીના સુપરવાઇઝરી સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરાઇ હતી. જેમાં ગુરુવારે રાત્રે એક દૂધના ટેન્કર પાસે પડેલા જીપડાલાની તલાસી લીધી હતી. જેમાંથી કેરબા તેમજ પાઇપો મળી આવી હતી. જેથી ડેરીના સ્ટાફે ટેન્કરના ચાલક,હેલ્પર તેમજ પીકઅપડાલના ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવતા ટેન્કરચાલકોમાં ફફડાટ પ્રસરી ગયો છે.

જિલ્લામાંથી બનાસડેરી દ્વારા જુદાજુદા ગામોમાં આવેલી દૂધ મંડળીઓમાંથી ટેન્કર મારફતે દૂધ મંગાવવામાં આવે છે. આ દૂધનું ટેન્કર બનાસડેરીમાં ખાલી કરવામાં આવે છે. પરંતુ ટેન્કરમાં આવતા દુધના જથ્થામાં ઘટ આવતી હોવાથી ડેરીના કર્મચારીઓએ જુદીજુદી ટીમો બનાવી હતી. અને તપાસ હાથ ધરી હતી. જેમાં ગુરુવારની રાત્રિએ ડેરીના સુપરવાઇઝર દેવજીભાઇ, પરેશભાઇ,હિ‌તેન્દ્રભાઇ દિનેશભાઇ સહિ‌ત ટ્રાન્સપોર્ટ અધિકારી દ્વારા જગાણા રોડ પર તપાસ હાથ ધરી હતી. ત્યારે જગાણા ગામ નજીક જી.જે.ર-ઝેડ-૨૨૨૪ નંબરના દૂધના ટેન્કર પાસે પીકઅપડાલુ નંબર જીજે.ર.વી.વી.-૮૪પ પડેલું હતું. જેમાં દૂધ ભરવા માટેના ચાર કેરબા તેમજ એક પાઇપ પડેલી જોઇ ડેરીના કર્મચારીઓએ પુછપરછ હાથ ધરી હતી. જેથી આ શખ્સોએ ભૂલ થઇ ગઇ હોવાથી માફી માંગી હતી.

પરંતુ કર્મચારીઓએ તાલુકા પોલીસ મથકના પીએસઆઇ વાય.એમ.બહેલીમને જાણ કરી હતી. જેથી પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી હતી. અને ત્રણેય શખ્સોને ઝડપી પોલીસ સ્ટેશન લવાયા હતા. આ અંગે રતનપુરના બનાસડેરીના કર્મચારી રાજેન્દ્રકુમાર ચેલાભાઇ ભટોળેએ ટેન્કર, ડ્રાઇવર, હેલ્પર અને જીપડાલાના ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.