ગુંદરી આરટીઓની ગાડી લૂંટ કેસમાં બે આરોપી પોલીસ શરણે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુંદરી આરટીઓની ગાડીના લૂંટ કેસમાં સંડોવાયેલા બે આરોપી પોલીસના શરણે આવતાં પોલીસે ધરપકડ કરી હતી. બુધવારે રાત્રે ગુંદરી આરટીઓ યુ.આર. મહેતા બાપલા-વાછોલ રોડ પર ઓવરલોડ વાહનોના ચેકીંગમાં હતા. ત્યારે ત્રણ શખ્સો બોલાચાલી કરી આરટીઓની સરકારી ગાડીની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. આ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે પાંથાવાડા પીએસઆઇ બી.એલ. વડુકરે સ્ટાફ સાથે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

દરમિયાન ગુરુવારે રાત્રે ૧૦ વાગ્યે આ બંને શખ્સો પાંથાવાડા પોલીસ મથકે હાજર થતાં પોલીસે ધાનેરાનાં કરણાજી પદમાજી રબારી તથા ખિંમત ગામના સુજાભાઇ સામતાજી રબારીની ધરપકડ કરી હતી. શુક્રવારે ધાનેરા કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવા તજવીજ હાથ ધરી હતી. જ્યારે ગુનામાં વપરાયેલી કાર પણ પોલીસે કબજે લીધી હતી. લૂંટ કેસમાં ત્રણ પૈકી હજુ એક શખ્સ પોલીસની પકડથી દૂર છે.