થરાદના નારોલીમાં પાંડવોએ રોપેલાં તુલસી બાળકુંવારા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- આજે દેશભરમાં તુલસી વિવાહ યોજાશે
આજે દેવતડી એકાદશી પ્રસંગે રાજ્યભરમાં તુલસી વિવાહના પ્રસંગો યોજાય છે. થરાદ તાલુકાના નારોલી ગામમાં તુલસીના છોડ નહી પણ વિરાટ અને ઐતિહાસિક વૃક્ષ આવેલાં છે.આ તુલસી પાંડવોએ રોપેલાં હોવાની લોકવાયકા સાથે સુદ તિથીઓમાં વર્ષે વ્હોડ ભક્તિ અને શ્રદ્ધાથી પ્રેરાઇને અસંખ્ય લોકો દર્શનાર્થે ઉમટી પડે છે.
થરાદથી ૩૨ કિમીના અંતરે તાલુકાના નારોલી ગામમાં (રાજસ્થાનની સરહદે) તુલસીનો છોડ નહી પણ મોટું વૃક્ષ આવેલું છે.જો કે, આ તુલસી મહાભારત કાળમાં પાંડવોની માતા કુંતિએ રોપ્યાં હોવાની લોકવાયકા છે. આ અંગે તુલસી માતાની છેલ્લા ૬ દાયકાથી પૂજા કરતા પૂજારીએ જણાવ્યું હતું કે, દંતકથા મુજબ અંદાજે પાંચહજાર વર્ષ પૂર્વે જ્યારે આ વિસ્તાર હેડંબાવન તરીકે ઓળખાતો હતો, ત્યારે કુંતા માતાએ તુલસીની એક ડાળી રોપી પાંડવો સુખી હશે તો આ તુલસી લીલા રહેશે જ્યારે દુ:ખી હશે તો સુકા (કરમાઇ) જશે તેમ માની આ તુલસી રોપ્યાં હતાં ત્યારબાદ અંદાજે સવાસો વર્ષ પૂર્વે રાજસ્થાનના શિકારપુરા ધામના રાજારામજી મહારાજ દ્વારકા જતી વખતે આ જગ્યામાં વિશ્રાંતી લેતાં તેમને ચમત્કાર હોવાનો અનુભવ થતાં આ તુલસીના મહત્ત્વ અંગે તેમણે ગ્રામજનોને જણાવ્યું હતું ત્યારથી તુલસીને લોકો શ્રદ્ધાથી પૂજે છે.
એકાદશી અને પૂર્ણિમા સહિ‌તની સુદ પક્ષની અન્ય તિથીઓએ લોકો દૂરદૂરથી દર્શનાર્થે પણ આવે છે તેમાં વિશેષ પ્રમાણમાં આવતી મહિ‌લાઓ સૌભાગ્યની અખંડીતતા માટે પ્રાર્થના કરે છે તો બાળકોને થતો અરેટીયો (એક પ્રકારની ખાંસી)ની બિમારી પણ આ તુલસીના પાનને ઔષધ સ્વરૂપે આપવાથી મટી જાય છે તેવી શ્રદ્ધા પ્રચલિત છે જો કે, આ સ્થળ તુલસીધામ તરીકે વિકસી શકે તેમ હોવા છતાં પણ ગ્રામજનો દ્વારા બનાવવામાં આવેલા ચોતરો અને અન્ય મંદિર સિવાય વહીવટી તંત્ર દ્વારા કોઇ પગલાં ભરવામાં આવ્યા નથી તેમ નારોલીના ડ. મહેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું.નારોલીનાં આ પૌરાણિક તુલસી બાળકુંવારા હોવાનું કહેવાય છે.