• Gujarati News
  • Now Threaten To Boycott The Election Of The People Of 2 Saktinagara

હવે શક્તિનગર-૨ના લોકોની ચૂંટણી બહિ‌ષ્કારની ચિમકી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુરમાં પગમાં સળીયા વાગતો મલબો ન હટાવાતા ચૂંટણી બહિ‌ષ્કારની ચીમકી : શક્તિનગર ભાગ-ર ના ૪૦ પરિવારો મતદાન કરવા નહીં જાય

પાલનપુર શક્તિનગર ભાગ- ર માં તાજેતરમાં વરસાદી પાણીના નિકાલની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. જેની કામગીરી હલકી ગુણવત્તાવાળી તેમજ કામગીરી બાદ મલબો અન્યત્ર ખસેડવામાં ન આવતા સ્થાનિક રહીશોએ નગરપાલિકા સામે બાંયો ચઢાવી છે. અને પ્રશ્નનો ઉકેલ ન આવે તો સાંસદની ચૂંટણીનો બહિ‌ષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.

પાલનપુર નગરપાલિકા દ્વારા લક્ષ્મણ ટેકરી વિસ્તારમાં આવેલા શક્તિનગર ભાગ- રમાં વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અંગે સ્થાનિક રહીશ દુર્ગેશશંકર શર્માએ જણાવ્યું હતું કે વરસાદી પાણીની નિકાલની કામગીરી દરમિયાન શકિતનગર ભાગ - રમાં આરસીસી રોડને જેસીબી મશીન દ્વારા તોડવામાં આવ્યો હતો. ત્યારબાદ વરસાદી પાણીની પાઇપો નાખવામાં આવી હતી. તેમાં તકલાદી પાઇપો તેમજ પાઇપોનું જોડાણ કરવામાં વેઠ વાળવામાં આવી છે. જેના પગલે સ્થાનિક રહીશોએ નગરપાલિકામાં અવાર-નવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકા આંખ આડા કાન કરે છે. જેના પગલે સ્થાનિક રહીશો અકળાયા છે. જો અમારી માંગણી નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરી ગાંધી ચિંધ્યો માર્ગે અપનાવવાના છીએ.આ અંગે નગરપાલિકા ચીફ ઓફિસર યુ.ડી.સિન્ધાએ જણાવ્યું હતું કે 'સ્થાનિક રહીશોની ચૂંટણી બહિ‌ષ્કારની ચિમકીના પગલે મલબો હટાવવાની સૂચના અપાઇ છે.’

કામ નહીં તો વોટ નહીં
અમારા વિસ્તારમાં એક માસ અગાઉ વરસાદી પાઇપલાઇન નાખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પરંતુ અત્યાર સુધી તેનો મલબો દૂર કરવામાં આવ્યો નથી. જેના કારણે રસ્તા પર સળીયા પડેલા હોવાથી અવર-જવર કરતા લોકોને સળીયા વાગે છે. જેની રજૂઆતો કરવા છતાં નગરપાલિકા કામગીરી કરવામાં નિષ્ફળ રહી છે. જેથી આ વિસ્તારના ચાલીસ પરિવારોએ પેટા ચૂંટણીનો બહિ‌ષ્કાર કરવાનું નક્કી કર્યું છે. : ઉપેશભાઇ રાજગોર (સ્થાનિક રહીશ, પાલનપુર)

આરસીસી રોડ તોડવામાં આવ્યો હતો. તેના સળીયા રસ્તા પરથી ખસેડવામાં ન આવતા રહીશો ઇજાગ્રસ્ત બની રહ્યા છે.- અંકિત વ્યાસ