મોત સામે ઝઝુમી રહેલા હિન્દુ કિશોર માટે મુસ્લિમ મહિલા વરસાવે છે વ્હાલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ભાવેશના ર્દીઘાયુષ્ય માટે મદીનાબેનની હૃદયથી બંદગી
- કોમી એખલાસનું અનોખું ઉદાહરણ પાડતી થરાદની મહિ‌લા
- વેદલાના ૧૦ વર્ષિ‌ય કિશોરને હિંચકાનો રસ્સો ગળામાં ગાળીયો બનતાં દવાખાને સારવાર અર્થે દાખલ કરાયો છે
- ભાવેશ ઉપર મમતા ઓળધોળ કરી માનવતાની મિશાલ બની રહેલા થરાદના મદીનાબેન


હિંચકાની દોરી ગળાનો ગાળીયો બનતાં જીંદગી અને મોત સામે ઝઝુમી રહેલા થરાદ તાલુકાના ભાવેશની સેવા અને સરભરામાં તેના લોહીનો સંબંધ ધરાવતા સ્વજનો ઉપસ્થિત રહે એ તો સ્વાભાવિક છે, પરંતુ કોઇ જ પ્રકારની ઓળખાણ વગર માસૂમની હાલત જોઇ દ્રવી ઉઠેલા શહેરના એક મુસ્લિમ મહિ‌લા આંખોમાં આંસુ અને વ્હાલ વરસાવી હોસ્પિટલમાં સતત ૧૨ દિવસથી ભાવેશ માટે મમતા અને માનવતા તેમજ તેના પરિવાર માટે હૂંફ ઉપરાંત કોમી એખલાસનું અનોખું ઉદાહરણ પાડી રહ્યા છે.

વેદલા ગામના ૧૦ વર્ષિ‌ય ભાવેશભાઇ દીપાભાઇ માજીરાણાને હિંચકાનો રસ્સો ગળામાં ગાળીયો બનતાં થરાદ દવાખાને સારવાર અર્થે દાખલ કરાયો હતો. સામે જ અંબિકાનગર સોસાયટીમાં રહેતા મદીનાબેન મેરાબખાન સંમેજા હોસ્પિટલમાં ભાવેશની દયનીય હાલત જોઇ દ્રવી જઇ રડી પડયાં અને બાળકની જીંદગી બચાવી લેવાની ખુદાને દુઆ કરી પોતાનાથી શક્ય તેટલી મદદ કરવાનું મન બનાવ્યું.
બસ ત્યારથી તેણી આજદિન સુધી જ્યારથી ડોક્ટરે ખાવા પીવાનું કહ્યું છે ત્યારથી પોતાના ઘેરથી એક ટાઇમ મગનું અને બીજા ટાઇમ નારીયેળનું પાણી લાવી પોતાના હાથે જ તેને પીવડાવે છે.

એટલું જ નહીં પોતાનું ઘરનું કામકાજ કર્યું ન કર્યું કરીને દિવસનો મોટોભાગ ઉપરાંત રાત્રે ૧૦ થી ૧૨ વાગ્યા સુધી હોસ્પિટલમાં જ હાજર રહી બેભાન ભાવેશના માથામાં હેત અને મમતાભર્યો હાથ પસવારી ઉઠ.. બેટા ભાવેશીયા.... તે લાગણીભર્યો સાદ પાડી તેને ઢંઢોળી જગાડી... આંખો ખોલાવી... ૧૨ દિવસ પહેલાંના બાળપણની દુનિયા બતાવવાનો પ્રયાસ પણ કરી રહી છે.

કોઇપણ જાતના ઓળખાણ કે સંબંધ વગર એક મહિ‌લાનો આટલો સ્નેહ સમાજ માટે પ્રેરણા અને પરિવાર માટે હુંફ બની માનવતા જ નહીં કોમી એખલાસનું જ્વલંત ઉદાહરણ પણ બની રહ્યો છે.

- ભાવેશને અમદાવાદ ખસેડાયો

સારવાર કરી રહેલા હોસ્પિટલના તબીબ ડો. હીરજીભાઇ પટેલે જણાવ્યું કે, ભાવેશ હવે મોતના ખતરાથી બહાર છે, પરંતુ મગજમાં કેવા પ્રકારની ઇજા છે તે જાણવા નિષ્ણાંત ન્યૂરોસર્જનનો અભિપ્રાય જરૂરી હોઇ તેને ગુરુવારની બપોર બાદ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેમાં ૧૦૮ ના પાયલોટ ભરત માળી, માર્કેટયાર્ડના વેપારી રામજીભાઇ રાજપૂત સહિ‌ત દાતાઓએ પણ ખર્ચની સગવડ કરી આપી હતી.

- મારા પૂર્વભવનું ઋણ બાકી હશે

કોઇપણ જાતની ઓળખાણ વગર નિ:સ્વાર્થ ભાવે સેવાના ઉદ્દેશ્ય અંગે મમતાની મૂર્તિ‌ મદીનાબહેને જણાવ્યું હતું કે કદાચ પૂર્વ જન્મ (ભવ) માં ભાવેશ મારો પુત્ર અથવા તો ભાઇ હશે જેનું ઋણ બાકી હશે જે આ ભવમાં ઉતારી રહી છું. જેમાં તેમના પતિ પણ સાથ આપી રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.

- ભાવેશ માટે માનતા અને બાધાઓ રાખી

મદીનાબહેને ભાવેશ આંખો ખોલે તો માંગરોળ માતાજીના મંદિરે શેણલ માતાજીને પોતાના ખર્ચે ચાંદીની આંખો ચડાવવાની તેમજ તે ખાતો-પીતો, બોલતો-ચાલતો અને હાલતો થાય એટલે રાજસ્થાનની સરહદે આવેલી પ્રખ્યાત પીરની જાળે લઇ જઇ સાકર ભારોભાર (જોખવા) તોળવાની અને ભગવાન પોતાને સાજી નરવી રાખશે તો પીરની જાળ સુધી ઘેરથી પગપાળા જવાની બાધા-માનતાઓ પણ રાખી હોવાનું તેમણે જણાવ્યું હતું.