મામલતદારની જ પીળી લાઇટવાળી ગાડી ચોરાઈ, પોલીસતંત્રમાં દોડધામ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ડીસાથી લાખણી મામલતદારની પીળી લાઇટવાળી ગાડી ચોરાઇ
- રેસ્ટ હાઉસમાંથી શનિવારે રાત્રે ચોરી થતાં પોલીસ તંત્રમાં દોડધામ
નવરચિત લાખણી તાલુકામાં તાજેતરમાં જ મૂકાયેલા મામલતદારની નવી સરકારી ગાડી ડીસા સિંચાઇ વિભાગના રેસ્ટ હાઉસમાંથી શનિવારે રાત્રે ચોરી થતાં તંત્રમાં દોડધામ મચી ગઇ છે. ડીસા તાલુકામાંથી વિભાજીત થઇ નવા બનેલા લાખણી તાલુકામાં દસેક દિવસ પહેલાં જ મામલતદાર તરીકે વિરસંગજી હીરાજી ઠાકોર (કેલીસણા, તા.વિજાપુર)ની નિમણૂંક કરાતાં તેમણે ચાર્જ સંભાળ્યો હતો. પરંતુ તેઓને રહેણાંક માટે સરકારી ક્વાર્ટસ ફાળવાયું ન હોવાથી તેઓ હાલ ડીસા હાઇવે પર દાંતીવાડા સિંચાઇ વિભાગના રેસ્ટ હાઉસ (ઇન્સપેક્શન બંગલો)માં રહેતા હતા.
શનિવારે રાત્રે તેઓ રેસ્ટહાઉસ આવ્યા બાદ ડ્રાઇવરે તેમની સરકારી સફેદ કલરની ટાટા સુમો ગોલ્ડ કાર રેસ્ટહાઉસના પાકિગ શેડમાં મૂકી હતી. રવિવારે સવારે મામલતદાર વી.એચ.ઠાકોરને દિયોદર ચૂંટણી પ્રક્રિયાના કામે જવાનું હોવાથી તેઓ નીચે આવતાં ગાડી પાકિગમાં જણાઇ ન હતી. આથી પ્રાથમિક તપાસ બાદ ગાડી ચોરી થઇ હોવાની ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે જાણ કરતાં પીએસઆઇ યુ.બી.ધાખડા સ્ટાફ સાથે રેસ્ટ હાઉસ દોડી આવ્યા હતા. પોલીસે મામલતદારની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, સિંચાઇ વિભાગના રેસ્ટ હાઉસમાં હાલ ચૂંટણી આચારસંહિ‌તાને લઇ માત્ર સરકારી હેતુ માટે જ રૂમ અપાય છે. જ્યારે રાત્રે ચોકિયાત પણ હાજર હોય છે. છતાં ગાડી ચોરાતાં પોલીસે ચોકિયાત પૂનમચંદ ભુપતભાઇ બેગડીયાની પૂછપરછ કરી હતી.
- પીળીલાઇટ અને લાલ બોર્ડવાળી સરકારી ગાડી ચોરી તસ્કરોએ સ્થાનિક પોલીસતંત્રને પડકાર ફેંક્યો
લાખણી મામલતદારને તાજેતરમાં જ નવી ટાટાસુમો ગાડી ફાળવાઇ હતી. જેનો હજુ રજીસ્ટ્રેશન નંબર આવ્યો નથી. જોકે, ગાડીની આગળ અને પાછળ લાલ બોર્ડમાં 'મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ-લાખણી’ લખેલું હતું અને પીળી લાઇટ પણ હતી. તેમ છતાં સરકારી ગાડી અને સરકારી કમ્પાઉન્ડમાંથી ચોરવાની હિંમત કરી વાહનચોરે પોલીસને જાણે પડકાર ફેંક્યો છે.