• Gujarati News
  • Kher's Now Not Illegal Animal Trafficking Banaskantha

બનાસકાંઠામાં પ્રાણીઓની ગેરકાયદે હેરાફેરી કરનારની હવે ખેર નથી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લામાં વન્ય પ્રાણીઓની મોટા પ્રમાણમાં હેરાફેરી થઇ રહી છે. જેને રોકવા માટે પોલીસ અને વનવિભાગ સક્રિય બન્યો છે. જે અંતર્ગત વાઇલ્ડ લાઇફ ક્રાઇમ સેલની રચના કરવામાં આવી છે.

ગુજરાત રાજ્ય રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સરહદે પાકિસ્તાન સાથે સંકળાયેલુ છે. જેના કારણે પ્રાણીઓનો શિકાર અને તેના અંગોની મોટાપાયે ગેરકાયદે હેરાફેરીની પ્રવૃતિ ચાલે છે. આ પ્રવૃતિને અટકાવવા માટે સોમવારે જિલ્લા પોલીસવડા અશોકકુમાર યાદવ અને વનવિભાગ દ્વારા જિલ્લા પોલીસવડા કચેરી ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં આ પ્રકારની પ્રવૃતિઓ કરતા તત્વોની ઝડપી લેવા માટે બનાસકાંઠા જિલ્લાની ચેકપોસ્ટ પરથી પસાર થતા શંકાસ્પદ ઇસમો અને વાહનોના ચેકીંગ પર ભાર મુકાવા બેઠકમાં નિર્ણય લેવાયો હતો. તેમજ જિલ્લા પોલીસવડા દ્વારા વાઇલ્ડ લાઇફ ક્રાઇમ સેલની રચના કરવામાં આવી હતી. આ સેલ વાઇલ્ડ લાઇફના શિકાર અને તેના અંગોની ગેરકાયદે હેરાફેરીની પ્રવૃતિ કરતા તત્વોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરશે. બેઠકમાં જિલ્લા પોલીસવડા અશોકકુમાર યાદવ, વનઅધિકારી જે.વી.વ્યાસ, એન.એ.સિંધી, ડીવાયએસપી કે.કે.ભૂતૈયા, કે.જી.વાઘેલા શ્રૃતિબહેન મહેતા સહિ‌ત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જંગલી પ્રાણીઓના ટોળાઓને ન છંછેડવા અનુરોધ
બનાસકાંઠામાં બાલારામ, જેસોર અને વાવ તાલુકાના ૭૮ ચોરસ કીલોમીટર વિસ્તાર વન્ય અભયારણ્યમાં આવે છે. વન્ય ઉણપોના કારણે કોઇ વખત જંગલી પ્રાણીઓ ખોરાકીની શોધમાં જંગલ બહાર આવી જતા હોય છે. આવા સમયે જંગલી પ્રાણીઓને ટોળાએ ન છંછેડવા અને જવા માટે રસ્તો રાખવા માટેની ચર્ચા કરાઇ હતી.

વન્ય પેદાશોની ચોરી અટકાવવા ર્સોસ ઉભા કરાશે
બનાસકાંઠાના જંગલોમાંથી વન્ય પેદાશોની ચોરી થતી હોય છે તેને અટકાવવા માટે લોકોમાંથી ર્સોસ ઉભા કરી ચોરી કરતા તત્વો સુધી પહોંચવા માટેના પ્રયાસો કરવામાં આવશે તેવી બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.