પાલનપુરમાં દબાણો ઉપર તંત્રનું બુલડોઝર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરમાં મુખ્યમાર્ગો પરની દુકાનોના પતરાના શેડ ઉતરાવાયા : રોડ તરફ વધુ દબાણરૂપ બનાવેલા ઓટલા તોડાયા
પાલનપુર નગરપાલિકા અને પોલીસે સંયુક્ત રીતે બુધવારે સવારે શહેરના મુખ્ય માર્ગો ઉપરના દબાણો ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં કેટલાક સ્થળોએ વેપારીઓ અને તંત્રના અધિકારી વચ્ચે શાબ્દિક ઘર્ષણ થવા પામ્યું હતું. પાલિકા તંત્ર દ્વારા વેપારીઓની દુકાનોના પતરાના છજા અને ઓટલા તોડી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીના પગલે શહેરમાં ઉત્તેજના પ્રસરી ગઇ હતી.
પાલનપુર શહેરમાં ટ્રાફિકની સમસ્યા પેચીદી બની ગઇ છે. આ અંગે શહેરના અગ્રણી મોહનભાઇ જોષીએ સીમલાગેટ, સીવીલ હોસ્પિટલ, ફિમેલ હોસ્પિટલ અને અંબાજી મંદિર ગોળાઇ વિસ્તારમાં ટ્રાફિકથી રહીશોને પડતી અગવડ અંગે જિલ્લા પોલીસવડાને રજૂઆત કરી હતી. તેમજ મુખ્યમાર્ગો સહિ‌ત શાકમાર્કેટમાં પાથરણાં અને રેંકડીના દબાણોથી નાગરિકો પરેશાની ભોગવી રહ્યા હતા. જેથી મંગળવારે અને બુધવારે સવારે ડીવાયએસપી શ્રુતિબહેન પટેલની આગેવાની હેઠળ પોલીસ કાફલો તેમજ પાલિકાના સ્ટાફે દબાણદારો સામે કાર્યવાહી હાથ ધરી હતી.
સવારથી જ શાકમાર્કેટમાંથી એક ટ્રેકટર ભરીને શાકભાજી જપ્ત કરાયું હતું. જ્યારે સ્ટેશન રોડ, કમલ બિલ્ડીંગ, સિમલાગેટ, કિર્તીસ્તંભ વિસ્તારમાં વેપારીઓની દુકાનો આગળના પતરાના શેડ અને ઓટલા તોડી પાડવામાં આવ્યા હતા. તંત્રની કાર્યવાહીના પગલે વેપારીઓમાં દોડધામ મચી ગઇ હતી. કેટલા સ્થળોએ વેપારીઓ અને અધિકારી વચ્ચે શાબ્દિક ઘર્ષણ પણ થયું હતું. જો કે દબાણ ખસેડવાની કાર્યવાહીને શહેરીજનોએ બિરદાવી હતી. દબાણ ખસેડાતા શહેરના માર્ગો પહોળા લાગતા હતા.
ટ્રાફિકનો પ્રશ્ન કેવી રીતે ઉદ્દભવ્યો
પાલનપુર શહેરમાં આવેલા મોટાભાગના શોપીંગ સેન્ટરોમાં મંજૂર થયેલા નકશાથી વિપરીત બાંધકામ કરાયા છે. જેમાં બહુમાળી બિલ્ડીંગની ઓફિસોના વાહનો મુખ્યમાર્ગો ઉપર પાર્ક કરાય છે. બીજી તરફ બહાર ગામથી આવતા વાહનચાલકો માટે કોઇ પાક`ગ વ્યવસ્થા નથી. જેથી ટોઇંગ થતાં વાહનોનો દંડ વાહન માલિકે ભોગવવો પડે છે. નગરપાલિકાએ આવા શોપીંગ સેન્ટરોમાં કે જ્યાં બાંધકામની મંજૂરીનો શરતભંગ થયો હોય તેવા માલિકો સામે કાર્યવાહી કરવી જોઇએ તેવી માગ પણ ઊઠી છે.
વિપરીત બાંધકામો અંગે તપાસ કરાવાશે
'ભૂતકાળમાં બંધાયેલા શોપીંગ સેન્ટરોમાં કે જ્યાં પાક`ગની જગ્યામાં બાંધકામ થયા હશે તો તેવા તમામ બાંધકામોનો સરવે કરાવી કાર્યવાહી હાથ ધરાશે.’ : યુ.ડી. સિન્ધા (ચીફ ઓફિસર, પાલનપુર નગરપાલિકા)
માર્કેટયાર્ડે ટેક્ષ વસુલવો હોય તો સુવિધા આપવી જોઇએ
'માર્કેટયાર્ડ દ્વારા જૂનાગંજમાં પાક`ગ વિસ્તારમાં પાછળના ભાગે નાની દુકાનો બનાવી આપી હતી. જે હોલસેલના વેપારી માટે કોઇ જ કામ આવે તેમ ન હતી. જેથી વેપારીઓ ત્યાં ગયા નથી. માર્કેટયાર્ડે ટેક્ષ વસુલવો હોય તો સગવડ પણ પુરતી ઉપલબ્ધ કરાવવી જોઇએ.’ : મહેન્દ્રભાઇ ગોહિ‌લ (વેપારી, શાકમાર્કેટ-પાલનપુર)