• Gujarati News
  • Dhanera Cliff Dropped Stormed Datayo Labor, Struggle Bacavayo

ધાનેરામાં ભેખડ ધસી પડતાં મજૂર દટાયો, જહેમત બાદ બચાવાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધાનેરાની ભૂર્ગભ ગટરનું કામ શરૂ થયું ત્યારથી જ વિવાદોના વંટોળોમાં : ભારે જહેમત બાદ બચાવી લેવાયો

ધાનેરા પાલિકા વિસ્તારના ભૂર્ગભ ગટરનું કામ ચાલી રહ્યું છે ત્યારે હિંગળાજ નગરની બાજુમાં ખોદકામ દરમિયાન ભેખડ ધસી પડતાં એક મજૂર દટાઇ જવા પામ્યો હતો. જો કે, લોકોની ભારે જહેમત બાદ તેને બચાવી લેવાયો હતો.
ભૂર્ગભ ગટર યોજનાનું કામ જ્યારથી શરૂ થયું છે ત્યારથી જ વિવાદોમાં ઘેરાયેલું રહ્યું છે. પછી તે હલકી ગુણવત્તા હોય કે ખાડાઓમાં પડતા વાહનચાલકો હોય. પરંતુ બુધવારે બપોરના સમયે હિંગળાજ નગર સોસાયટીથી ઉમિયાનગર સોસાયટી તરફના માર્ગમાં ભૂર્ગભ ગટર માટે જે.સી.બી. મશીન દ્વારા ખોદકામ ચાલી રહ્યુ હતું અને તેની પાછળ પાછળ પાઇપો નાખવાની કામગીરી ચાલુ હતી. તે દરમિયાન તે પાઇપ નાખતા મજૂર ઉપર દીવાલ ધસી પડતાં તે તેમાં દટાઇ જતાં અન્ય મજૂરોએ ચીસાચીસ કરતાં આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને દટાયેલ મજૂરને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.

આ ઘટનાની જાણ પાલિકાના પ્રમુખને થતાં તેઓએ પણ તાત્કાલીક પાલિકાના સ્ટાફને ઘટનાસ્થળે રવાના કર્યો હતો. જ્યારે ચીફ ઓફિસર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને લોકોને સાથે રાખીને દોઢ કલાકની ભારે જહેમત બાદ દટાયેલ મજૂરને બહાર કાઢી સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. જેથી ફરજ પરના ડૉકટરે તાત્કાલીક સારવાર હાથ ધરતાં મજૂર તરીકે કામ કરતાં ઉપેશ ખુમસિંહ ભુરીયા (ઉ.વ.૨૨)ને બચાવી લેવાયો હતો. પરંતુ આ ઘટનાની પાણી પુરવઠા વિભાગને જાણ કરવા છતાં અને તેમનું કામ ચાલતું હોવા છતાં કોઇ ન આવતાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.