• Gujarati News
  • Danta Taluka Panchayat In The Motion Of No Confidence From The Excitement Of The Ballot Issue

દાંતા તાલુકા પંચાયતમાં અવિશ્વાસના પ્રસ્તાવના મુદ્દે ગુપ્ત મતદાનથી ઉત્તેજના

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છ કોંગી સદસ્યોનું ગુપ્ત મતદાન કરાતાં કોંગી છાવણીમાં સન્નાટો

દાંતા તાલુકા પંચાયતના ઇતિહાસ સૌપ્રથમવાર સોમવારે અવિશ્વાસ પ્રસ્તાવ અંગેની બેઠકમાં બળવાખોર સદસ્યોનું ગુપ્ત મતદાન કરવામાં આવ્યું હતું. જેને લઇ કોંગ્રેસ છાવણીમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો.

૨૧ સદસ્યનું સંખ્યાબળ ધરાવતી દાંતા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ૧૨ ભાજપના ૮ અને અપક્ષ-૧ ઉમેદવાર વિજેતા થયા હતા. જોકે, પ્રમુખ ઝાકીરભાઇ અથાણીયા અને ઉપપ્રમુખ નાનાભાઇ પરમાર વિરુદ્ધ ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના ૧પ સદસ્યોએ તા. ૧૮ એપ્રિલ ૨૦૧૩ ના રોજ અવિશ્વાસ પ્રસ્તાવ રજુ કર્યો હતો. જેમાં કોંગ્રેસના ૧૨ સદસ્યો પૈકી છ સદસ્યો ભાજપની છાવણીમાં બેસી ગયા હતા. અવિશ્વાસ પ્રસ્તાવ સંદર્ભે તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા મીટીંગની તારીખ મુકરર કરવામાં આવી ન હતી.

જેને લઇ દાંતા તાલુકા પંચાયતના પ્રોજેક્ટ ઓફિસર કમ ટીડીઓ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીના સુચન મુજબ સોમવારે બપોરે એક વાગે અવિશ્વાસ સંદર્ભે બેઠક બોલાવી હતી. જેમાં ભાજપના ૮, અપક્ષ એક (ભાજપ સમર્થિ‌ત) અને ૧૨ પૈકી ૬ કોંગ્રેસી સદસ્યોએ અવિશ્વાસની તરફેણ અને વિરુદ્ધમાં હાથ ઉંચા કરી મતદાન કર્યું હતું. જ્યારે બાકી કરેલા કોંગ્રેસના ૬ સદસ્યોનું ગુપ્ત મતદાન કરવામાં આવ્યું હતું. જેને લઇ બેઠકમાં ભારે ઉત્તેજના પ્રસરી ગઇ હતી.

ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે યોજાયેલી બેઠકમાં સચિવ તરીકે પી.ઓ. કમ ટીડીઓ બચુસિંહ પી. કોટક તેમજ અધ્યાસી અધિકારી તરીકે આર.આર. મકવાણા, તા.પં. વિસ્તરણ અધિકારી (પંચાયત) ના એમ.એમ. ખેરંતી સહિ‌ત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુપ્ત મતદાન કોણે કોણે કર્યું
૧. વજાભાઇ ડાભી, કોંગ્રેસ
૨. અમૃતભાઇ સેનમા, કોંગ્રેસ
૩. સૂર્યાસિંહ વાઘેલા, કોંગ્રેસ
૪. મુગળીબેન પરમાર, કોંગ્રેસ
પ. કેવીબેન લૌર, કોંગ્રેસ
૬. વિણાબેન લેબોલા, કોંગ્રેસ

પંચાયતનું ભાવિ કોર્ટના દ્વારે
કોંગ્રેસના ૧૨ સદસ્યો પૈકી છ સદસ્યો ભાજપ છાવણીમાં બેસી જતાં તેમની વિરુદ્ધ પક્ષાંતર ધારાની જોગવાઇ મુજબ કાર્યવાહી કરવા અંગે કોંગ્રેસ દ્વારા હાઇકોર્ટમાં ઘા નાખવામાં આવી હતી. જ્યાં કોર્ટના આદેશ મુજબ કોંગી સદસ્યોનું અવિશ્વાસ પ્રસ્તાવના સમર્થન, અસમર્થ અને તટસ્થ તેમજ બેલેટ પેપર ઉપર ગુપ્ત મતદાન કરવામાં આવ્યું હતું. અને અધ્યાસી અધિકારીના હસ્તે સીલબંધ કવરમાં સીલ કરી તા. ૧૭ જૂન ૨૦૧૩ ના રોજ કોર્ટમાં રજૂ કરાશે. તેવું પ્રોજેકટ ઓફિસરકમ ટીડીઓએ જણાવ્યું હતું.