વાતાવરણમાં પલટો આવતાં ખેડૂતો ચિંતાતુર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-વાતાવરણમાં પલટો આવતાં ખેડૂતો ચિંતાતુર
-ઘઉં, બટાટાની વાવણીમાં વિઘ્ન આવી શકે
બનાસકાંઠા જિલ્લામાં શુક્રવારે રાત્રિથી વાતાવરણમાં પલટો આવ્યો છે. જ્યાં આકાશમાં વાદળો છવાતાં ખેડૂતો ચિંતાતુર બન્યા છે. બદલાયેલા વાતાવરણથી એરંડાના અને શાકભાજીના પાકને નુકસાન થવાની ભીતિ છે. તેમજ ઘઉંના વાવેતરમાં પણ મોડા પડાશે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષથી ઋતુચક્રમાં ફેરફારો થઇ રહ્યા છે. ભરઉનાળે ચોમાસુ, શિયાળામાં કમોસમી માવઠા પડવાથી તેમજ ચક્રવાત અને તેજપવનના કારણે ખેતીના પાકોને વ્યાપક નુકસાન થવા પામ્યું હતું. હજુ ખેડૂતો આ કુદરતી આફતોથી માંડ ઉભા થયા છે. ત્યાં નવા વર્ષના પ્રારંભે જ વાતાવરણ પલટાયું છે. જ્યાં શુક્રવારે રાત્રિથી જ આકાશમાં વાદળો ગોરંભાયા છે.
હળવા ઠંડા પવન સાથે વાદળછાયું વાતાવરણ સર્જા‍તા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. આ અંગે કુંપર (ભા) ના ખેમાભાઇ ડામરાણીએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયે મોટાભાગના ખેડૂતોને મગફળી, મકાઇ સહિ‌તનો પાક લઇ લીધો છે. એરંડાનું વાવેતર થઇ ગયું છે અને હવે ઘઉંના વાવેતરની તૈયારીઓ કરવામાં આવી રહી છે. પરંતુ જો કમોસમી માવઠું થાય તો એરંડાના પાકને નુકસાન થવાની ભીતિ છે. તેમજ ઘઉંના વાવેતરમાં પણ મોડા પડાશે જેની ઉત્પાદન ઉપર અસર થશે.
ઠંડીનું પ્રમાણ વધ્યું
જિલ્લામાં નવરાત્રિ બાદ રાત્રિ દરમિયાન ફુલગુલાબી ઠંડીનો અહેસાસ થતો હતો. જેનું દિપાવલી પછી પ્રમાણ વધ્યું હતું. મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીથી બચવા માટે ગરમવસ્ત્રોનો સહારો લેવો પડતો હતો. દરમિયાન શુક્રવારની રાત્રિથી ઠંડીનું પ્રમાણ વધ્યું અને વાદળો વિખેરાતાં જ હજુ તીવ્ર ઠંડીનો ચમકારો અનુભવાશે તેમ બુર્ઝુગો જણાવી રહ્યા છે.
ખેતીના પાકને કોઇ નુકસાન નહીં થાય
'બનાસકાંઠા જિલ્લામાં વર્તમાન સમયે ખેડૂતો દ્વારા કપાસ વીણવાની કામગીરી ચાલું છે. દિવેલાનું વાવેતર થઇ ગયું છે. આ ઉપરાંત ઘઉં અને બટાટાના વાવેતર માટે તૈયારીઓ શરૂ કરાઇ છે. આવી સ્થિતિ વચ્ચે જો કમોસમી માવઠું થાય તો ખેતીના પાકોને કોઇ નુકસાન થવાની શક્યતાઓ નથી. સાથે સાથે વર્તમાન સમયે માવઠું થવાની પણ શક્યતા નહિ‌વત્ છે.’આર.કે. ચૌધરી (ખેતીવાડી અધિકારી, બનાસકાંઠા)