તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડીસામાં સીટી બસ સેવા કાગળ પરથી રોડ પર ક્યારે આવશે ?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ સીટી બસ શરૂ કરવામાં વિલંબ
- રાજકીય હુંસાતુંસી વચ્ચે નગરજનો મહત્ત્વની સેવાથી વંચિત


ડીસા નગરના વિકાસ અને વિસ્તારને ધ્યાને રાખી શહેરીજનોને વિશેષ સુવિદ્યા મળે તે માટે નગરપાલિકા દ્વારા શહેરમાં સીટી બસ સેવા શરૂ કરવાનું આયોજન છેક કિનારે આવીને રાજકીય બાબતોના કારણે અટકી જતાં લોકો મહત્ત્વની સેવાથી વંચિત રહી જવા પામ્યા છે. વપાલિકાની ગત ટર્મમાં શાસક પક્ષે સીટી બસ સેવાને અગ્રીમતા આપતાં શહેરી વિકાસ વિભાગમાંથી તમામ પ્રકારની મંજૂરી મેળવવામાં આવી હતી. જ્યારે પાલિકાની છેલ્લી સાધારણા સભામાં સર્વાનુમતે ઠરાવ કરી દેવાયો હતો.

ત્યારબાદ સીટી બસ ખરીદી માટેનું ટેન્ડર પણ બહાર પાડી દેવાયું હતું અને બસોની ખરીદી થાય અને નગરજનોને સેવા મળે તે અગાઉ સમગ્ર પ્રક્રિયાએ રાજકીય રંગ લઇ લીધો હતો. ત્યારબાદ પાલિકામાં ભાજપનું શાસન આવતાં હાલ સમગ્ર મુદ્દો અભરાઇએ ચઢાવી દેવાયો હોય તેવી સ્થિતિ છે. એક તરફ પૂર્વ પ્રમુખ વિપુલભાઇ શાહ સીટી બસ સેવા શરૂ કરવાનો જશ તેમના ર્બોડને ન મળે તે માટે મુખ્ય અધિકારી રાજકીય હાથો બન્યા હોવાનો આક્ષેપ કરે છે. તો બીજી બાજુ ચીફ ઓફિસર આર્થિ‌ક સ્થિતિની દુહાઇ આપી રહ્યા છે.

- પાલિકાની આર્થિ‌ક સ્થિતિના કારણે હાલ શક્યતા નથી

ડીસા નગર પાલિકાની આર્થિ‌ક સ્થિતિ ખૂબ જ વિકટ છે. ટેન્ડરીંગ પ્રક્રિયા થઇ હોવા છતાં શહેરી બસ સેવા સર્વિ‌સ હાલમાં શરૂ થઇ શકવાની કોઇ શક્યતા નથી એમ પાલિકાના ચીફ ઓફિસર હેમંત પટેલે જણાવ્યું હતું. : હેમંત પટેલ, ચીફ ઓફિસર

- અમે વચન પ્રમાણે કામગીરી કરી હતી

અમે નગરજનોને સીટી બસ સેવાનું વચન આપ્યું હતું અને તમામ આયોજન કરી ટેન્ડરથી ભાવ મંગાવી ટેન્ડર ખોલી ૧પ દિવસમાં સીટી બસ દોડતી કરવાની હતી. પરંતુ છેલ્લી ઘડીએ ચેક પર સહી કરવાના સમયે ચીફ ઓફિસર રજા પર ઉતરી જતાં નગરજનો મહત્ત્વની સેવાથી વંચિત રહી ગયા છે તેનો વસવસો છે એમ ડીસા પાલિકાના પૂર્વ પ્રમુખ વિપુલભાઇ શાહે જણાવ્યું હતું. : વિપુલભાઇ શાહ, પૂર્વ પ્રમુખ

- મોટા ઉપાડે ઠરાવ કરાયો.. પણ બસ તો દોડાવો...

ડીસા પાલિકા દ્વારા આયોજીત કરાયેલી શહેરી બસ સુવિદ્યાના આયોજનમાં વિદ્યાર્થીઓ, મહિ‌લાઓ અને સિનિયર સીટીઝનોને એક વર્ષ મફત સુવિદ્યા તેમજ વિકલાંગોને કાયમી મફત સુવિદ્યા આપવાનો ઠરાવ કરાયો હતો તેમજ નગરજનોને પણ સસ્તા ભાડે એકથી બીજા સ્થળે જવાની સુવિદ્યા આપવાનું આયોજન હતું. પરંતુ હવે કાગળ પરથી બસ રસ્તા પર ક્યારે દોડે છે તેનો સહુને ઇંતેજાર રહેશે.