બ.કાં.માં ૧૦ ચૌધરી હરિભાઇ અને ૧૦૧ પટેલ જોઇતાભાઇ નામના મતદારો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- રાવલ સંજય એક પણ રાવલ સંજયકુમાર નામના પ૯ મતદારો છે

બનાસકાંઠા જિલ્લા સંસદીય મતવિસ્તારની લોકસભાની ચૂંટણીમાં માન્ય રાજકીય પક્ષોના તેમજ અપક્ષ ઉમેદવારો મળીને કુલ ૧૪ જેટલા ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. ત્યારે એક રસપ્રદ બાબત જાણવા મળી છે. આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ચૌધરી હરિભાઇ પરથીભાઇ નામના ચાર મતદારો છે. પરંતુ માત્ર ચૌધરી હરિભાઇ નામના છ મતદારો છે. આમ દસેક જેટલા ચૌધરી હરિભાઇ નામના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. એજ રીતે કોંગ્રેસના ઉમેદવાર પટેલ જોઇતાભાઇ કસનાભાઇ એક જ મતદાર છે.

ત્યારે માત્ર પટેલ જોઇતાભાઇ નામના વળી ૧૦૧ મતદારો આ નામ ધરાવે છે. જ્યારે 'આપ’ પાર્ટીમાં ચૂંટણી લડતા રાવલ સંજય સોમનાથભાઇ પણ એકજ મતદાર છે. જેમાં રાવલ સંજયકુમાર નામના પ૯ અને રાવલ સંજયભાઇ નામના ૧૨ મતદારો મતદાર યાદીમાં નામ ધરાવે છે.

- હરિભાઇ, લીલાધર અને બબાજી પોતાનો મત પોતાને નહીં આપી શકે

બનાસકાંઠા સંસદીય મતવિસ્તારમાંથી ભાજપ પક્ષમાં ઉમેદવારી કરી રહેલા હરિભાઇ ચૌધરી મતદારો પાસે મત માંગી રહ્યા છે. પરંતુ પોતાનો મત તેઓ ઇવીએમમાં પોતાના નામ આગળનું બટન નહીં દબાવી શકે. એ જ રીતે ડીસાના ધારાસભ્ય લીલાધર વાઘેલા પાટણ સંસદીય મતવિસ્તારમાંથી ચૂંટણી લડે છે. અને નિવૃત નાયબ સચિવ બબાજી ઠાકોર બનાસકાંઠામાં ચૂંટણી લડે છે. જેઓ જ્યાં ચૂંટણી લડે તે મત વિસ્તારમાંની મતદાર યાદીમાં તેમના નામ નથી.તેઓએ જ્યાં પોતાનું નામ મતદાર યાદીમાં છે. ત્યાં મતદાન કરવા જવું પડશે.

- કોનું નામ કઇ મતદાર યાદીમાં છે

બનાસકાંઠાના ભાજપના ઉમેદવાર હરિભાઇ ચૌધરીનું પાટણ સંસદીય મતવિસ્તારમાં આવતા જગાણા ખાતે ભાગ નં. ૨૯/૧૮૨માં ૮૦૩ ના અનુક્રમાંકે નામ નોંધાયેલું છે. પાટણ સંસદીય મતવિસ્તારમાં ભાજપના ઉમેદવારનું લીલાધર વાઘેલાનું નામ ડીસાની મતદાર યાદીમાં ભાગ ૧પ૦/૨પ૩ માં ૯૧પના અનુક્રમાંકમાં નોંધાયેલું છે. એજ રીતે નિવૃત નાયબ સચિવ બબાજી ઠાકોર અપક્ષ ઉમેદવાર છે. જેમનું ગાંધીનગર વિધાનસભા મતવિસ્તારમાં ભાગ ૧૩૦/૨૨૪ માં પ૮પ ના અનુક્રમાંકમાં નોંધાવેલું છે.