પાલનપુર પાસે અકસ્માતમાં પરિવારે એકને એક પુત્ર ગુમાવ્યો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પાલનપુરમાં ટ્રકની જીવલેણ ટક્કરે બાઇકસવારનું મોત : એક ગંભીર
- પાલનપુર નજીક માર્ગ અકસ્માતમાં પરિવારનો કુળ દિપક બુઝાયો

પાલનપુર -અમદાવાદ હાઇવે પર જગાણાના પાટીયા નજીક શનિવારે એક મોટરસાયકલ અને આયશર ટ્રક વચ્ચે અકસ્માત સર્જા‍યો હતો. જેમાં એક યુવકનું કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે એક યુવકને ગંભીર ઇજા થવા પામી હતી. મૃતક યુવક પરિવારનો એકનો એક દિકરો હોવાથી ભારે અરેરાટી પ્રસરી ગઇ હતી.

પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર શનિવારે સર્જા‍યેલા માર્ગ અકસ્માતની પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામની એક કંપનીમાં ફરજ બજાવતા વડગામ તાલુકાના કોદરામના અશોકભાઇ મોહનભાઇ ચૌધરી(ઉ.વ.૩૨) અને સિદ્ધપુર તાલુકાના નાગવાસણના સંજયભાઇ ભગવાનભાઇ ચૌધરી(ઉ.વ.૩૨) શનિવારે સવારના સુમારે પાલનપુર-અમદાવાદ હાઇવે પર મોટરસાયકલ જીજે.૨૪.એલ.૬૯૪૮ ઉપર પસાર થઇ રહ્યા હતા. જ્યારે પાછળથી આવી રહેલા આયશર ટ્રક નં.જીજે.પ.એ.ટી.૧૦૪૯ના ચાલકે જૈન મંદિર સામે ધડાકાભેર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અશોકભાઇ ચૌધરીનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે સંજયભાઇ ચૌધરીને ગંભીર ઇજાઓ થતાં પાલનપુરથી વધુ સારવાર અર્થે મહેસાણા ખસેડાયા હતા.

અકસ્માતની જાણ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડયા હતા. આ અંગે કોદરામના વાલજીભાઇ વીરાભાઇ ચૌધરીએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આયશર ટ્રકના ચાલક સામે ગુનો નોંધી વધુ અજીતદાન વધુ તપાસ ચલાવી રહ્યા છે.

અશોક પરિવારનો એકનો એક દિકરો હતો

કોદરામના અશોકભાઇ ચૌધરી તેમના પરિવારમાં એકના એક દિકરા હતા. જેમના માતા-પિતાનો પણ અગાઉ સ્વર્ગવાસ થયો છે. વળી તાજેતરમાં જ અશોકભાઇના લગ્ન થયા હતા. આમ અશોકભાઇનું માર્ગ અકસ્માતમાં અકાળે મોત નિપજતાં તેમના પરિવારનો કુળદિપક બુઝાઇ ગયો હતો. અને પરિવારજનોમાં શોકની કાલીમા પ્રસરી ગઇ હતી.