ડીસામાં કાર્બાઇડથી ફળ પકવતા વેપારીઓ સામે કાર્યવાહી, કાર્બાઇડનો જથ્થો જપ્ત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ત્રણ હજાર કિલો કેરી અને એક હજાર કિલો ચીકુનો જથ્થો નાશ કરાયો : ૬ કિલો કાર્બાઇડનો જથ્થો જપ્ત

માનવજાત માટે કાર્બાઇડનો ઉપયોગ ખતરનાક હોવા છતાં અનેક વેપારીઓ કેરી સહિ‌તના ફળો પકવવા માટે કાર્બાઇડનો ઉપયોગ કરી લેવાનું આરોગ્ય જોખમમાં મુકતા હોઇ આવા વેપારીઓ સામે ડીસા નગરપાલિકાના ફુડ વિભાગના કર્મચારીઓએ કાર્યવાહી હાથ ધરી ત્રણ હજાર કિલોથી વધુ કેરી અને એક હજાર કિલો ચીકુનો જથ્થો નાશ કરી છ કિલો કાર્બાઇડ જપ્ત કર્યો હતો.

ડીસા શહેરમાં ફ્રુટનો ધંધો કરતા મોટાભાગના વેપારીઓ કાર્બાઇડ વડે કેરી, ચીકુ સહિ‌તના ફળો પકવે છે. કાર્બાઇડથી પકવેલા ફળો ખાવામાં આરોગ્યનું જોખમ છે અને કેન્સર સહિ‌તના ભયંકર રોગો થઇ શકે છે જેથી ડીસા નગરપાલિકાના પ્રમુખ ર્ડા.તેજલબેન પટેલ અને ચીફ ઓફિસર હેમંત પટેલની સુચનાથી ડીસામાં હોલસેલ ફ્રુટના વેપારીઓ કે જે કાર્બાઇડનો ઉપયોગ કરી ફળો પકવે છે તેમની સામે પાલિકાની ફુડ વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પાલિકાના ફુડ ઇન્સ્પેક્ટર સુરેશભાઇ ગેલોત, કિશોરભાઇ સોલંકી અને સેનીટેશન વિભાગના વસંતભાઇ પાટલાવાલાની ટીમે સોમવારે ડીસાના વી.જે. પટેલ શાકભાજી સબ માર્કેટયાર્ડમાં ફ્રુટના હોલસેલ વેપારીઓને ત્યાં ઓચિંતિ તપાસ હાથ ધરતાં મોટાભાગની જગ્યાએ કેરીના બોક્સમાં કાર્બાઇડની પડીકીઓ મુકેલી જોવા મળતાં તમામ જથ્થો જપ્ત કર્યો હતો. પાલિકા દ્વારા લગભગ ૧૦ જેટલા વેપારીઓને ત્યાં તપાસ કરી ત્રણ હજાર કિલો કેરી, એક હજાર કિલો ચીકુનો કાર્બાઇડથી પકવેલો જથ્થો ઝડપી લઇ નાશ કર્યો હતો. આ ઉપરાંત છ કિલો જેટલો કાર્બાઇડનો જથ્થો જપ્ત કરી વેપારીઓ પાસેથી કુલ રૂ છ હજારનો દંડ વસુલ કર્યો હતો.