કોળામણ બંધાતાં ટૂંક સમયમાં વરસાદના એંધાણ : બાફમાં લોકો બફાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- વાદળ બંધાયા છતાં સૂર્ય આકરા મિજાજમાં
- ડીસામાં ગરમીનો પારો 41.5 ડિગ્રીએ પહોંચ્યો

પાલનપુર : વહેલી સવારે કોળામણ બંધાતાં મેઘરાજાની પધરામણી થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે છતાં સૂર્યદેવ આકરા મિજાજમાં જ છે.જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો નોંધાઇ રહ્યો છે. જ્યાં વહેલી સવારે આકાશમાં વાદળો છવાઇ જાય છે. જ્યારે બપોર બાદ અસહ્ય ગરમી સાથે બફારો વધતાં પ્રજાજનો ત્રાહિમામ પોકારી રહ્યા છે. જોકે,વહેલી સવારે કોળામણના વાદળો થતાં હોવાથી હવે ટુંક સમયમાં વરસાદ આવવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.

જિલ્લામાં છેલ્લા બે માસથી તાપમાનનો પારો ઊંચે જઇ રહ્યો છે. આકાશમાંથી જાણે અગનગોળા વરસતા હોય તેમ દેહ દઝાડતી ગરમીથી મનુષ્યો, પશુ અને પંખીઓ ત્રાહિમામ્ પોકારી ગયા છે. ત્યાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. અને વહેલી સવારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઇ જાય છે. સવારે 9 વાગ્યા સુધી વાદળછાયુ વાતાવરણ રહે છે. જે બાદ વાદળો વિખેરાતાં સૂર્યદેવતા પોતાનો પ્રકોપ બતાવવાનું શરૂ કરી દે છે. સખત ગરમી અને બફારાથી પરસેવો તેમજ તાપ અનુભવાઇ રહ્યો છે. બીજી તરફ ગરમીના કારણે લોકો બપોરના સમયે ઘર-ઓફિસની બહાર નીકળ‌વાનું ટાળતા હોવાથી કુદરતી કરફ્યું લાદવામાં આવ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. બુધવારે ડીસાનું તાપમાન 41.5 ડિગ્રી નોંધાયું હતું .
એક માસ બાદ ચોમાસાનો પ્રારંભ થશે
વર્તમાન સમયે નૈઋત્યના પવનો શરૂ થયા છે. સવારનું તાપમાન નીચુ જતાં ભેજવાળા પવનોથી વાદળો બંધાય છે. જેને કોળામણ તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે કોળામણના વાદળો છવાતાં એકમાસ બાદ ચોમાસાનો પ્રારંભ થાય છે. જે.જી.પટેલ( સહપ્રાધ્યાપક હવામાન વિભાગ, કૃષિ યુનિર્વસિટી દાંતીવાડા)