થરાદમાં દારૂની બદી દૂર કરવા શિક્ષક દારૂ ઢીંચી પોલીસ મથકમાં ગયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ:  થરાદમાં દારુ પી ને દારૂ બંધ કરાવવા માટે રજુઆત કરનાર એક શિક્ષકને પીધેલા ઝડપી લઇ પોલીસે કાર્યવાહી હાથ ધરતાં શિક્ષણજગતમાં ચકચાર મચવા પામી હતી. બીજી બાજુ શિક્ષકે રવિવારે તેમના વિસ્તારમાં દેશી દારુ બંધ કરાવવા માટે રજુઆત કરતાં ટાઉન જમાદારે પરીક્ષા બંદોબસ્તમાં હોવાનો જવાબ આપ્યો હોવાની જિલ્લા પોલીસ વડાને રજુઆત કરી હતી.
 
થરાદ પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે થરાદના વજીરવાસમાં રહેતા અને શિક્ષક તરીકે ફરજ બજાવતા ગંગારામભાઇ સવજીભાઇ રાઠોડ રવિવારે સાંજે જિલ્લા કંટ્રોલરૂમમાં વારંવાર ફોન કરતા હતા. આથી તેઓ પીધેલા તો નથીને તેની ચકાસણી કરવા માટે કંટ્રોલરૂમે થરાદ પોલીસમથકને વર્ધી આપી હતી. બીજી બાજુ શિક્ષક રાત્રીના સુમારે પીધેલી હાલતમાં જ પોલીસ મથકમાં આવી ચડ્યા હતા. જેઓ રાજાપાઠમાં હોઇ પોલીસે તેમને પીધેલા ઝડપી લઇ તેમની સામે કાર્યવાહી કરી હતી. 

બીજી બાજુ શિક્ષકે પણ રવિવારે જિલ્લા પોલીસવડાને સંબોધીને લેખિતમાં રજુઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે તેમના વજીરવાસ રાજગઢીની પાછળ આવેલા ભીલવાસમાં દેશી દારૂ બંધ કરાવવા માટે જ્યારે પણ ટાઉન જમાદારના મોબાઇલ પર ફોન કરીએ તો જમવા બેઠા હોવાનું તથા રવિવારે ફોન કરતાં તેઓ બોર્ડની પરીક્ષાના બંદોબસ્તમાં હોવાનું અને ફોન નહીં કરવા તેમજ પોલીસ મથકમાં અરજી આપી આવવી અમે તમારા માટે નવરા નહીં હોવાના જવાબો આપ્યાનો લેખિત આક્ષેપ પણ કર્યો હતો. આ બનાવથી પોલીસ બેડામાં અને શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...