મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ અસરગ્રસ્ત વિસ્તારોમાં થયેલ કામગીરીની સમીક્ષા કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર: પાલનપુરમાં મહેસૂલ અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને શનિવારે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં થયેલ કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ હતી. પૂરના સમયે મુખ્યમંત્રી અને મંત્રી મંડળના 14 જેટલા મંત્રીઓએ આ વિસ્તારમાં રોકાણ કરી તંત્રને જરૂરી નેતૃત્વ અને માર્ગદર્શન પુરું પાડ્યું હતું. તેમણે કહ્યું કે, મકાન-ઝુંપડાઓનો સર્વે પૂર્ણ કરી તા. 15 ઓગષ્ટ સુધીમાં અસરગ્રસ્તોને સહાય ચૂકવી દેવામાં આવશે.

બનાસકાંઠા અને પાટણ જિલ્લાના તમામ ગામોમાં રસ્તા, વીજળી, પાણી અને એસ.ટી. બસની સુવિધા ચાલુ કરી દેવામાં આવી છે. પાક નુકસાન અને જમીન ધોવાણનો સર્વે પાટણ જિલ્લામાં પૂર્ણ થઇ ગયો છે અને બનાસકાંઠા જિલ્લામાં તા. 20 ઓગષ્ટ સુધી પૂર્ણ કરવામાં આવશે. પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં 45 લાખ કિલોગ્રામ ઘાસનું મફત વિતરણ કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે ધારાસભ્ય પરબતભાઇ પટેલ, દાંતીવાડા તાલુકા પંચાયત પ્રમુખ ઇશ્વરસિંહ સોલંકી, અગ્રણીઓ ઉમેદદાન ગઢવી, ભારતસિંહ ભટેસરીયા, કીર્તિસિંહ વાઘેલા, બ.કાં. જિલ્લા વિકાસ અધિકારી અમિત અરોરા અને પાટણ ડીડીઓ રાજેશ રાજ્યગુરૂ, પોલીસ અધિક્ષક નિરજ બડગુજર અને અશ્વિન ચૌહાણ સહિત બન્ને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...