શિયાળામાં અષાઢી માહોલ: માવઠાથી સમગ્ર ઉ.ગુજરાત ઠંડુગાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા-પાલનપુર: ઓખી વાવાઝોડાંને લઇ છેલ્લા 72 કલાકથી ઉત્તર ગુજરાત ઠંડુગાર બન્યું છે.પાંચેય જિલ્લાનું મહત્તમ તાપમાન 4 થી 9 ડિગ્રી ગગડતાં કાતિલ ઠંડીની અસર જોવા મળી હતી.અરવલ્લીના માલપુરના મગોડીમાં કરા પડ્યા હતા.માવઠાંના કારણે મહેસાણા જિલ્લાના મહત્તમ તાપમાનમાં 9 ડિગ્રીના ઘટાડા સાથે 20 ડિગ્રી રહ્યું હતું. જ્યારે પાટણ જિલ્લામાં 4 ડિગ્રીના ઘટાડા સાથે 23 ડિગ્રી, બનાસકાંઠા જિલ્લામાં 5.6 ડિગ્રીના ઘટાડા સાથે 21.4 ડિગ્રી, સાબરકાંઠા જિલ્લામાં 6 ડિગ્રીના ઘટાડા સાથે 22 ડિગ્રી તથા અરવલ્લી જિલ્લામાં 5 ડિગ્રીના ઘટાડા સાથે 21 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું.

 

મહત્તમ પારો એકાએક ઘટાડાના કારણે ઉત્તર ગુજરાતનું વાતાવરણ ઠંડુગાર બનતાં દિવસભર કાતિલ ઠંડી વર્તાઇ હતી.બીજા દિવસે પણ પાલનપુર,પાટણ મહેસાણા અને સાબરકાંઠામાં માવઠું થતાં રવિપાક પર ખતરો ઊભો થયો છે.તેમાં ખાસ કરીને જીરું, રાયડો, કપાસ સહિતના પાકોને અસર થવાની સંભાવના છે.જ્યારે ચણા અને ઘઉંના પાકને નહીવત અસર થશે.બુધવારે પણ વાતાવરણ વાદળછાયું રહેવાની અને કમોસમી વરસાદ થવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરાઈ છે. 

 

પાલનપુર,ડીસા, અમીરગઢ, કાંકરેજ, ધાનેરા, થરાદ, વાવ, સૂઇગામ સહિત જગ્યાએ ઝરમરીયો વરસાદ 

 

- ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ તલોદમાં 11 મીમી વરસાદ 
- માવઠાંથી કપાસ, વરિયાળી, જીરૂ અને એરંડાના પાકને નુકસાનની દેહશત 
- ચણા અને ઘઉંની વાવણી પિયત મળતાં માવઠુ ઉપયોગી 
-  આગામી 24 કલાક સુધી સ્થિતિ યથાવત રહેશે
-  અરવલ્લીમાં વરસાદી વાતાવરણને લઇ મગફળી કેન્દ્ર બંધ કરાયા
- માલપુરના મગોડી ને કોટેડામાં કરા પડ્યા 
- ઓખી વાવાઝોડાના એલર્ટને પગલે ખેડબ્રહ્મામાં યોજાનાર અમિત શાહની સભા રદ
- તાપમાનનો પારો 4 થી 10 ડિગ્રી પારો ગગડ્યો
- ઉ.ગુ.ના પાંચેય જિલ્લાના ખેતીવાડી વિભાગોને તાકીદ
- દુધાળા પશુઓની દેખરેખ આ રીતે રાખવી
- પશુઓને માવઠાંથી બચાવવા ખુલ્લામાં ન બાંધવા
- પશુઓને પિવા માટે નવસેકુ ગરમ પાણી પિવા આપવું
- ભેજના કારણે વીજ શોકથી બચાવવા વીજ પોલથી દૂર બાંધવા
- સમતોલ આહાર અને મીનરલ મિશ્રણ ખોરાક આપવો
- પશુ બાંધ્યા હોય તે સ્થળે સવાર-સાંજ લીમડાનો ધૂમાડો આપવો
- પશુઓમાં બીમારીના લક્ષણો દેખાય તો તુરત નજીકના પશુ દવાખાનાએ લઇ જઇ સારવાર અપાવવી

 

 

રોડ પર વીઝીબીલીટી ઓછી થઈ ગઈ આજે પણ માવઠાની શક્યતા

 

 

શિયાળા દરમ્યાન સામાન્ય રીતે ઉત્તર ગુજરાતમાં 10 કિલોમીટરની વિઝીબીલીટી રહેતી હોય છે. પરંતુ વાદળછાયા વાતાવરણ અને માવઠાના કારણે 6 થી 7 કિલોમીટરની વિઝીબીલીટી ઘટીને 3 થી 4 કિલોમીટરની થઇ હતી. બીજી બાજુ દિવસભર પ્રતિ કલાકે 4 થી 5 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો.જોકે બુધવારે માવઠાની સાથે પવનની ગતિ યથાવત રહેવાની શક્યતા સેવાઈ રહી છે.

 

કપાસના 25 થી 30 ટકા પાકને જ અસર


 ઉત્તર ગુજરાતમાં રૂ ની ત્રીજી વીણી બાકી રહેનાર ખેતરમાં ઉભા  25 થી 30 ટકાના કપાસના પાકને માવઠાંથી વિપરીત અસર થઇ શકે છે. માવઠું થતાં આ કપાસ હવે કાળો પડી જવાની સાથે આર્થિક નુકશાનીનો  ખેડૂતોમાં ભય તોળાઇ રહ્યો છે.

 

માવઠાથી ઉ.ગુ.માં 4 થી 9 ડિગ્રી પારો ગગડ્યો


ઉત્તર ગુજરાતમાં છેલ્લા 72 કલાકથી રહેલા વાદળછાયા વાતાવરણ બાદ સોમવારે મોડી રાત્રીથી માવઠાંથી શરૂઆત થઇ હતી. જે મંગળવાર રાત્રી સુધી થોડા થોડા વિરામ બાદ સાર્વત્રિક માવઠું રહ્યું હતું. જેને લઇ ઉત્તર ગુજરાતના પાંચેય જિલ્લાનું મહત્તમ તાપમાન 4 થી 9 ડિગ્રી ગગડતાં કાતિલ ઠંડીની અસર જોવા મળી હતી.

 

અન્ય સમાચારો પણ છે...