ડીસા તાલુકામાં 400નું સ્થળાંતર : 10 ગામોમાં બચાવ ટુકડીઓ કાર્યરત રહી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- 16 ઇંચ વરસાદથી સર્વત્ર જળબંબાકારની સ્થિતિ

ડીસા : ડીસામાં સતત ચાલુ રહેલા વરસાદે બીજા દિવસે હાલત વધુ કફોડી બનાવી દિધી હતી. લગભગ 15 થી વધુ ગામોમાં પુરની સ્થિતિ સર્જાઇ હતી. મંગળવારે ડીસાના દામા, વરણ, નાંદલા, ભાદરા, નાંણી અને જેનાલમાં નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યૂ ફોર્સની ટીમો દ્વારા બોટ અને જેકેટ તેમજ દોરડા વડે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી 400 થી વધુ લોકોનું સ્થળાંતર કરાવ્યું હતું. જ્યારે 250 લોકોને બચાવવામાં આવ્યા છે. રાતભર ટીમો બચાવ કામગીરીમાં વ્યસ્ત રહી હતી.
ડીસાના નાયબ કલેકટર ડો. દિગંત બ્રહ્મભટ્ટ અને ડીસા મામલતદાર શિવરાજ ગિલવા દ્વારા એક ગામથી બીજે ગામ સતત દોડધામ કરી બચાવ કામગીરી હાથ ધરાઇ હતી. બુધવારે સવારે પણ ઝેરડા, પેછડાલમાં તળાવ ફાટવાની સ્થિતિમાં આવી જતાં એસડીએમ સ્થળ પર પહોંચી રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી હતી. એસડીએમના જણાવ્યા મુજબ લગભગ સાત ગામોમાંથી 1000 થી વધુ લોકોને સ્થળાંતર કરાયા હતા. ડીસાના વરણ, જેનાલ ગામે બારોટવાસ ડૂબમાં જતાં લગભગ 1000 થી વધુ લોકોને એનડીઆરએફની ટીમે બચાવ્યા હતા. બુધવારે દાંતીવાડા બીએસએફની બચાવ ટીમો પણ મદદે આવી હતી.

10 હજારથી વધુ ફૂડ પેકેટસ વહેંચાયા

ડીસામાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકો પુરમાં ફસાઇ જતાં તેમજ ભારે વરસાદથી તમામ રસ્તાઓ બંધ થઇ જતાં ગામડાઓમાં ખાવાની સામગ્રી અને પીવાના પાણીની તંગી સર્જાતા વહિવટી તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા 10 હજારથી વધુ ફૂડ પેકેટસ અને પાણીના પાઉચ પહોંચાડવામાં આવ્યા હતા.
બનાસમાં પાણી છોડાતા ડીસા-કાંકરેજમાં એલર્ટ

બનાસનદીમાં દાંતીવાડા અને સીપુડેમમાંથી પાણી છોડાતાં ડીસા અને કાંકરેજ તાલુકાના કાંઠાના ગામોને એલર્ટ કરાયા હતા. ડીસાના નાયબ કલેકટર ડો. દિગંત બ્રહ્મભટ્ટ દ્વારા બંને તાલુકાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તલાટીઓને સૂચના આપી કાંઠાના ગામોના નિચાણવાળા વિસ્તારમાંથી લોકોને નિકળી જવા અપીલ કરી હતી.
રાણપુર અને કુંપટમાં ફસાયેલા 10ને બચાવાયા

ભારે વરસાદના પગલે બુધવારે બનાસનદીમાં પાણી છોડાતાં રાણપુર ઉગમણાવાસમાં એક પરિવાર નદીમાં ફસાઇ જતાં વડોદરા મહાનગરપાલિકાની ફાયરબ્રિગેડની ટીમ દ્વારા તેમને હેમખેમ બહાર કઢાયા હતા. જ્યારે કુંપટ ગામે નદીમાંથી રેતી કાઢતાં સાત જેટલા ડમ્પરચાલકો ફસાઇ જતાં તેમને એનડીઆરએફની ટીમ દ્વારા બહાર કઢાયા હતા.
વધુ વિગતો વાંચો આગળની સ્લાઈડ્સમાં...
અન્ય સમાચારો પણ છે...