ડીસાના ગાયત્રી મંદિર હાઇવે પર આંગડીયા કર્મીના થેલાની લૂંટ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ડીસામાં આંગડીયા કર્મચારીનો થેલો લુંટાતા પોલીસ ફરિયાદ કરવા પહોંચ્યા હતા.)
ડીસા: ડીસાના ગાયત્રી મંદિર હાઇવે પર ભરચક ટ્રાફિક વચ્ચે થરાદની બસમાંથી ઉતરેલા આંગડીયા કર્મચારીના હાથમાંથી થેલો ઝુંટવી સફેદ કલરની સ્વીફટ કારમાં પાંચેક શખસો ફરાર થઇ ગયા હતા. પાલનપુરની આંગડીયા પેઢીનો કર્મચારી થરાદથી પાર્સલ લઇ આવ્યો હતો. જેમાં હીરા તથા ઇમીટેશન જવેલરી હતી. કેટલો મુદ્દામાલ લુંટાયો તે અંગે વેપારીની પૂછપરછ બાદ જાણવા મળશે તેમ પોલીસે જણાવ્યું હતું.
પાલનપુરના કિર્તીસ્તંભ રોડ પર તાલુકા પંચાયત સામે રહેતા ઇશ્વરસિંહ મહોબતસિંગ રાજપૂત આંગડીયા પેઢી જયંતિલાલ સોમાભાઇ પટેલની કું.માં છેલ્લા એકાદ વર્ષથી નોકરી કરે છે. તેઓ શુક્રવારે થરાદથી આંગડીયા પેઢીના પાર્સલ થેલામાં લઇ ડીસાના મગનલાલ કોમ્પલેસમાં આવેલી તેમની શાખામાં જવા માટે ગાયત્રી મંદિર પાસે ઉતર્યો હતો. જ્યાં તેમને લેવા ડીસા શાખાનો કર્મચારી રાયમલ પ્રજાપતિ એકટીવા લઇને ઉભો હતો. પરંતુ જેવા ઇશ્વરસિંગ બસમાંથી ઉતર્યા તરત જ બાજુમાં પડેલી સફેદ કારમાંથી સ્વીફટ કાર કે જેમાં પાંચેક માણસો બેઠા હતા.
તેમાંથી એક જણે ઉતરી ઇશ્વરસિંગની પાસેનો થેલો ઝુંટવી તેમને નીચે પાડી દઇ ગાડીમાં બેસી ગાડી જલારામ મંદિર તરફ ભગાડી મુકી હતી. જેથી ઇશ્વરસિંગ અને રાયમલભાઇએ તુરંત તેમની ડીસા અને પાલનપુર ઓફિસે જાણ કરી પોલીસને જાણ કરતાં પોલીસે દોડી આવી વાયરલેસ મેસેજ દ્વારા જિલ્લાભરની પોલીસને એલર્ટ કરી હતી. પાર્સલના થેલામાં થરાદના વિવિધ વેપારીના હીરાના કારખાનાના હીરા તથા ઇમીટેશન જવેલરીના પેકેટ પાર્સલ હતા. જેથી અંદર કેટલા હીરા, કેટલી જવેલરી મળી કુલ કેટલા રૂપિયાનો મુદ્દામાલ હતો તે વેપારીઓની પૂછપરછ બાદ જાણી શકાશે. હાલ ડીસા ઉત્તર પોલીસે ઇશ્વરસિંગની ફરિયાદના આધારે સ્વીફટ કારમાં આવેલા પાંચેક અજાણ્યા માણસો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે...