દિયોદર:દિયોદર એસ.ટી. ડેપોમાં કંડકટર તરીકે ફરજ બજાવતાં અને પટેલ કાકાના હુલામણા નામથી લોકપ્રિય થયેલા અમરતભાઇ ગાજીપરાએ 22 વર્ષથી રાત્રિ રોકાણ વખતે સહકર્મીઓને વિનામૂલ્યે ભોજન (શાક) આપતા હતા. નોકરીમાં જોડાયા ત્યારે ભોજનાલયમાં સારું ભોજન ન મળતાં તેમણે સહકર્મચારીઓને પણ ભોજન (શાક) આપવાનો નિર્ણય કર્યો હતો.રાજકોટના જેતપુર તાલુકાના પીઠડીયા ગામના અમરતભાઇ પરસોત્તમભાઇ ગાજીપરા (પટેલ) દિયોદર એસ.ટી. ડેપોમાં વર્ષ 1994માં કંડકટર તરીકે જોડાયા હતા. અને દિયોદર-જૂનાગઢ એક્સપ્રેસમાં ફરજ બજાવતા હતા.
જેઓ પટેલ કાકાના હુલામણા નામથી લોકપ્રિય બન્યા છે. જેઓ વયનિવૃત્ત થતાં દિયોદર ખાતે ભાવભરી વિદાય આપવામાં આવી હતી. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, ‘હું જ્યારે 1994 માં દિયોદર એસ.ટી. ડેપોમાં કંડકટર તરીકે આવ્યો ત્યારે રાજકોટ ડિવીઝનના અન્ય 18 કર્મચારીઓ પણ સાથે હતા. જો કે, દિયોદરમાં રાત્રિ રોકાણ વખતે લોજમાં સારું ભોજન મળતું નહતું. આથી બધાને ઘરનું શાક મળી રહે તે માટે પોતાની જાતે જ શાક બનાવી વિનામૂલ્યે કર્મચારીઓને આપતો હતો. 22 વર્ષ સુધી 40 જેટલા કર્મચારીઓની આ સેવાનો લાભ મળ્યો છે.
શાકનો સ્વાદ નહીં ભુલાય
‘દિયોદર એસ.ટી. ડેપોમાં હું છેલ્લા 6 વર્ષથી ફરજ બજાવું છું. એકાંતરે પટેલ કાકાના હાથની સ્વાદિષ્ટ સબજી ખાવાથી આનંદ થતો હતો. હવે તે સ્વાદ ચાખવા નહીં મળે તેનો રંજ છે.’: એન.સી. પરમાર (કંડકટર)
ડીસીએ ચરણસ્પર્શ કર્યા
નીલકંઠ મહાદેવ મંદિર ખાતે યોજાયેલા પટેલ કાકાના વિદાય સમારંભમાં ઉપસ્થિત પાલનપુર વિભાગીય એસ.ટી. નિયામક કમલહસન દ્વારા પટેલ કાકાની 22 વર્ષની સબજીની સેવાની વાત જાણી ભાવવિભોર બની પટેલ કાકાના ચરણસ્પર્શ કર્યા હતા.