તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બનાસકાંઠા બંધની ચીમકી: વડગામ PSIને સસ્પેન્ડ, ઠાકોર યુવાનો સામેની ફરિયાદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર: વડગામ તાલુકાના સમશેરપુરા ગામમાં ગત શુક્રવારે સાંજે ઠાકોર સેનાની જનતા રેડ દરમિયાન થયેલી પોલીસ ફરિયાદમાં 12 યુવકોને ખોટા આરોપી બનાવવાના મુદ્દે ઠાકોર સેનાના અગ્રણીઓ લાલઘૂમ થયા છે. શુક્રવારે પાલનપુર આવેલા ક્ષત્રિય સમાજના અગ્રણી અલ્પેશ ઠાકોરે વડગામ પીએસઆઇના સસ્પેન્સનની માંગણી કરી મંગળવાર સુધી પગલાં ભરવા અલ્ટીમેટમ આપ્યું છે. નહીં તો બુધવારે બનાસકાંઠા જિલ્લો બંધ પાળશે તેવી ચિમકી ઉચ્ચારી છે.

- ક્ષત્રિય સમાજ અગ્રણી અલ્પેશ ઠાકોરે મંગળવાર સુધી અલ્ટીમેટર આપ્યું
- ઠાકોર યુવાનો સામેની ફરિયાદ વ્યસન મુક્તિ આંદોલનને તોડવાનું ષડયંત્ર હોવાનો આક્ષેપ

બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સેના દ્વારા દારૂ વેચતા બુટલેગરોને ત્યાં જનતા રેડ કરાઇ રહી છે. ત્યારે વડગામ તાલુકાના શેમશેરપુરા ગામના તીરગરનગરમાં ક્ષત્રિય ઠાકોર સેનાએ જનતા રેડ કરી હતી. જેમાં અમરતભાઇ બબાભાઇ પટણીના માથામાં ઇજાઓ થતાં 12 જેટલા વ્યક્તિઓ સામે આઇપીસી કલમ-307 મુજબ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ ઘટનાના પગલે ઠાકોર સેનામાં રોષ વ્યાપી ગયો હતો. ત્યારે આ પ્રકરણને લઇને ક્ષત્રિય સમાજના અગ્રણી અલ્પેશ ઠાકોર શુક્રવારે સવારે પાલનપુર આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ઠાકોર સેનાના યુવકો સામે લગાવવામાં આવેલી કલમ-307 રદ કરવામાં આવે. કેમ કે મોટાભાગના યુવાનો બીજા ગામના છે. જેમનું લોકેશન પણ ત્યાં બોલતું નથી છતાં આરોપી બનાવી દેવાયા છે.

અલ્પેશ ઠાકોરે આક્ષેપ કરતાં વધુ જણાવ્યું હતું કે, ‘જિલ્લાના 600 ગામડાઓ વ્યસન મુક્ત થયા છે. ત્યાં વડગામ પીએસઆઇ એ.આર. વાળાએ સમગ્ર આંદોલનને તોડી પાડવા ષડયંત્ર રચ્યું છે. અને ઝેર સમાન દારૂનો વેપલો કરતા બુટલેગરોને બચાવી રહ્યા છે. જેમને આગામી મંગળવાર સુધી સસ્પેન્ડ કરવાની અમે માંગણી કરીએ છીએ અને જેમની સામે ખોટી રીતે કલમ 307 લગાવી છે તે રદ કરવાની પણ અમારી માંગ છે. જો તેમ નહીં કરાય તો આગામી બુધવારે બંધનું એલાન અપાશે તેવી ચિમકી ઉચ્ચારી છે.

વ્યસનમુક્તિના નામે રાજકીય વ્યક્તિઓ જશ ખાટવા નિકળ્યાં : અત્યાર સુધી ક્યાં હતાં
જિલ્લાના 600 અને રાજ્યના 3 હજાર ગામડા વ્યસન મુક્ત થયા પછી રાજકીય વ્યક્તિઓ વ્યક્તિગત કે પાર્ટીઓના નામે વ્યસનમુક્તિ યાત્રા કાઢી જશ ખાટવા નિકળ્યાં છે. આવા લોકો સમાજના યુવકો ઉપર કેસ થયો છે ત્યારે કેમ મદદે આવ્યા નથી. તેવો પ્રશ્ન કર્યો હતો. જ્યારે વર્ષ 2012ની ચૂંટણીમાં દારૂ વેચી મત મેળવ્યા હતા. ત્યારે વર્ષ 2017માં હવે દારૂ નહીં વેચીએ તેવું વચન કેમ આપતા નથી. અત્યાર સુધી આ લોકો ક્યાં હતા.

દારૂમાં પોલીસનો 125 કરોડનો ‘વહીવટ’
ગુજરાતમાં દારૂના વેપલા પાછળ પોલીસની મીઠીનજર છે. ત્યારે દારૂના અડ્ડાવાળાઓને પોલીસ અને રાજકીય વ્યક્તિઓ છાવરે છે. જેની પાછળ અંદાજે રૂ. 125 કરોડનો ‘વહિવટ’ થાય છે. તેવો અલ્પેશ ઠાકોરે ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો.

અલ્પેશ ઠાકોરે અન્ય કયા મુદ્દા ઉપસાવ્યા
- કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રીએ તેમના વિસ્તારના પીએસઆઇએ કરેલી ચેષ્ટાઓ બદલ જવાબ માંગવા જોઇએ.
- અમારા સમાજના (ઠાકોર) લોકો પણ દારૂના વેપલામાં સંડોવાયેલા હશે તો પણ બક્ષવામાં નહીં આવે.
- ઠાકોર સમાજનો વ્યક્તિ પણ દારૂ વેચતો ઝડપાશે તો તેનો બહિષ્કાર કરાય તેવા પગલાં ભરતાં અચકાઇશું નહીં.
- ઠાકોર સમાજ વ્યસન મુક્ત બને તેની સાથે તમામ સમાજના લોકો પણ સહકાર આપી આખો સમાજ તંદુરસ્ત બને તેવો પ્રયાસ ચાલુ રહેશે.
- અમને બુટલેગરોની ધમકીઓ મળે છે. પરંતુ સમાજના યુવાનો થકી જિલ્લો અને ગુજરાત રાજ્યને વ્યસન મુક્ત કરવું છે.
- બસો સળગાવવાથી કોઇ આંદોલન સફળ ના થાય તે શાંતિપૂર્ણ હોવું જોઇએ. (પાટીદારોના નામ લીધા વગર જણાવ્યું)
અન્ય સમાચારો પણ છે...