પાલનપુર: બનાસડેરી દ્વારા સપ્તાહ અગાઉ દૂધના ભાવમાં પ્રતિકિલોએ રૂ.25 નો વધારો કરાતાં ખેડૂતો - પશુપાલકોમાં આનંદ પ્રસર્યો હતો. જોકે, તેની સામે દાણના ભાવમાં રૂ. 110 નો કમરતોડ ભાવ વધારો કરી આર્થિક ફટકો આપ્યો છે. જેના પગલે પશુપાલકોમાં ઉગ્ર રોષ ઉદભવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો માટે જીવાદારી સમાન બનાસડેરીમાં પાંચ માસ અગાઉ સત્તા પરિવર્તન થયું હતું.
ત્યારપછીના સમયમાં દૂધની આવકમાં વધારો થઇ રહ્યો છે. પરંતુ બનાસદાણમાં ભાવ વધારવા પાછળ પશુ પાલિકોને ન ગમે તેવો આકરો નિર્ણય લેવાયો છે. જેમાં બનાસદાણમાં કરાયેલા ભાવ વધારાથી પશુપાલકોમાં ઉગ્ર રોષ ઉદભવવા પામ્યો છે. જેમાં અગાઉ ફેબ્રુઆરી માસમાં દાણના ભાવમાં 120 થી 180 નો ભાવ વધારો ઝીંક્યો હતો. અને પાંચ માસ બાદ હવે પુન: બનાસદાણમાં રૂ. 110 થી 100નો વધારો ઝીંકવામાં આવતાં પશુપાલકોને મોટો આર્થિક ફટકો પડ્યો છે.જેથી આ ભાવવધારો પાછો ખેંચાય તેવી પશુપાલકોમાં માંગ પ્રવર્તી રહી છે.
કેટલો ભાવ વધારો કરાયો
દાણ જૂના ભાવ નવો ભાવ વધારો
બનાસદાણ(70 કિલો) 1090 1200 110
હાઇ પ્રો.દાણ(70 કિલો) 1400 1500 100
ભાવ વધારાનું કારણ ?
બનાસડેરી દ્વારા ભાવ વધારાના પરિપત્રમાં જણાવ્યું કે, ઉત્પાદન થતાં પશુઆહારના કાચામાલમાં ભાવોમાં થયેલા અતિશય વધારાના કારણે બનાસડેરી સંચાલિત કેટલ ફીડ ફેકટરીના બનાસદાણના કિંમતમાં રૂ. 110 થી 100 નો વધારો કરાયો છે.
ભાવ વધારા માટે પુન: વિચારણા કરવી જોઇએ
બનાસદાણમાં રૂ.110નો ભાવ વધારો કરાયો છે. ખેડૂતોની આવકને અસર કરનારો છે. પશુપાલકોના હીતમાં પુન: વિચારણા કરવી જોઇએ.- મેઘરાજભાઇ ચૌધરી ( પ્રમુખ, ભારતીય કિસાન સંઘ, પાલનપુર)