ધાનેરાના વક્તાપુરા નજીક બાપલાના પૂર્વ સરપંચને માર મારી લૂંટી લીધા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાંથાવાડા: ધાનેરા તાલુકાના બાપલા ગામના પૂર્વ સરપંચને વક્તાપુરા નજીક મોટર સાઇકલ પર આવેલા ચાર શખ્સો માર મારી લૂંટી જતા ચકચાર મચી હતી.સરપંચે મંગળવારે મોડી રાત્રે ગુનો નોંધાવતા પાંથાવાડા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
 
ધાનેરા તાલુકાના બાપલા ગામના પૂર્વ સરપંચ 21 માર્ચના રોજ તેમના મિત્ર અને આલવાડા ગામના સરપંચ દિનેશભાઇ પટેલને મળવા પોતાની મારૂતિ કાર નંબર જીજે-08-એજી-1051ની લઇ તેમના ગામે ગયા હતા.ત્યાં જઇ ફોન કરતા દિનેશભાઇ કામ અર્થે ધાનેરા ગયેલા હોઈ ત્યાં થોડીવાર રોકાઈ પોતાના ઘરે બાપલા તરફ જવા રવાના થતા વક્તાપુરા નજીક સાંજના સાડા સાત વાગ્યાના સુમારે બે મોટર સાયક્લો પર સવાર ચાર શખ્સોએ ઓવર ટેક કરી બાઇક આડુ મૂકી બહાર કાઢી ગાળો બોલી માર માર્યો હતો. અને ખિસ્સામાં રહેલ રૂ. 12,999ની કિંમતના મોબાઈલ નંગ-2 તથા રોકડ રકમ રૂ. 8000મળી કુલ રૂ. 20,999 ની લૂંટ કરી હતી. 

તે સમયે બુમાબમ કરતા રોડ પરથી ટ્રેકટર લઇને પસાર થતા પાતાભાઇ પટેલ દોડી આવતા ચારેય શખ્સો મોટર સાયકલ લઈ ફરાર થઈ ગયા હતા. દરમિયાન પરિવાર જનો આવી જતા બાપલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર કરાવી મંગળવારે મોડી રાત્રે પોલીસે અજયભાઈ ગણપતભાઈ સોલંકીની ફરિયાદના પગલે લૂંટનો ગુનો નોંધી આગળની તપાસ પાંથાવાડા પી.એસ.આઈ. બી.એમ. ચૌધરીએ હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે...