Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આજે ઉત્તરાયણ : પતંગ ચગાવવા પવનનો સાથ મળશે
મંગળવારે ઉત્તરાયણ અને બુધવાર વાસી ઉત્તરાયણના દિવસે ઠંડીનું જોર થોડું ઘટશે પણ પવન અનુકૂળ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. એટલે કે પતંગ રસિયાઓને પતંગ ચગાવવામાં પવનદેવનો સંપૂર્ણ સાથ મળી રહેશે. બંને દિવસ સવાર અને સાંજના પ્રતિ કલાકે 15 થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, જોકે, બપોરના સમયે 12 થી 2 વાગ્યા સુધી પવનની દિશા અનિયમિત બની શકે છે. બીજી તરફ ઉત્તરાયણના એક દિવસ અગાઉ સોમવારે આખો દિવસ પાલનપુર, ડીસા, ધાનેરા, શિહોરી, લાખણી, દાતાં, થરાદ, કાંકરેજ સહિત સમગ્ર જિલ્લામાં શહેર સહિત નાના-મોટા ગામોમાં દોરી-પતંગની ખરીદી માટે બજારોમાં ભીડ જામી હતી. બજારમાં છેલ્લા દિવસ સુધી દોરી-પતંગનો પૂરતો સ્ટોક હોઇ ભાવમાં ઉથલપાથલ વગર ખરીદી થઇ હતી. ખાસ કરીને સફેદ ચીલ પતંગ રૂ.70 અને કલર રૂ. 80ના કોડીના ભાવે છૂટથી ખરીદ્યા હતા. પાલનપુરમાં ઉતરાયણની પૂર્વ સંધ્યાએ બજારોમાં પતંગ, દોરા, ટોપી, ગોગલ્સ, પીપુડા, મુખોટા, બલુન, ચીકી, શેરડી, બોર સહિતની ખરીદી માટે ભારે ઘરાકી ઉમટી પડી હતી. આજે પવન દેવની મહેર રહી તો આકાશી યુધ્ધ રંગબેરંગી પતંગ દોરાના સથવારે સોળે કળાએ ખીલી ઉઠશે.જોકે પાલનપુરમાં જલેબી અને ફાફડાના ભાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. ફાફડાનો એક કિલોનો ભાવ રૂ.300 જોવા મળતા લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો.
મકરસંક્રાતિની પુર્વ સાંજે પાલનપુરની બજારો પતંગ રસીયાઓથી ઉભરાઇ
પાલનપુર | મંગળવારે મકરસંક્રાતીના તહેવારને લઇ શહેના સીમલાગેટ,દીલ્હીગેટ,અમીરરોડ,સીટીલાઇટ રોડ સહીતના વિસ્તારોમા પતંગ દોરીના 100થી વધુ સ્ટોલો ખડકાયા હતા.ત્યારે સોમવારે સાંજે ઉત્તરાયણની પુર્વ સાંજે પતંગ-દોરી સહીત પીપોડા તેમજ ચશ્માની ખરીદી માટે શહેરની બજારોમાં પતંગ રસીયાઓની ભારે ભીડ જામી હતી.
ઉત્તરાયણે આ કાળજી રાખવી
બાળકોએ વાલીની દેખરેખ હેઠળ પતંગો ચગાવવા.
આંગળીઓએ મેડિકેટ ટેપ લગાવો, જેથી દોરીથી આંગળીમાં ચીરો ન પડે.
ગળામાં સેફ્ટીબેલ્ટ પહેરો.
ઘાયલ પક્ષી મળે તો પાણી ન છાંટતાં તે સ્થિતિમાં જ રેસ્કયુ સેન્ટર લઇ જાઓ, પાંખમાંથી દોરી ન ખેંચતાં પક્ષીને કપડામાં લપેટી લઇ જાઓ.
આ ન કરવું
જાહેર રસ્તા પર પતંગ પકડવા દોડવું નહીં.
ઇલેકટ્રીક વાયર, વીજળીના થાંભલાની પાસે પતંગ ન ચગાવીએ.
તૂટેલી, લીસી, ખરબચડી કે નબળી અગાસી કે પતરાં પર ઉભા ન રહેવું.
પક્ષીઓની સારવાર માટેના ઇમરજન્સી નંબરો
સ્થળ સંસ્થા હેલ્પલાઈન નંબર
પાલનપુર દિલ્હી ગેટ જીવદયા સેવા સંસ્થા 9714769678 પ્રજેશ પઢીયાર
પાલનપુર અમદાવાદ વાઇલ્ડ લાઇફ એન્ડ નેચર 6353390086/
હાઇવે કંઝરવેશન ટ્રસ્ટ્ 8141735922 ઉર્વીશ સોલંકી
ગઠામણ દરવાજા અરિહંત પક્ષી બચાવો અભિયાન 9825795258/ 9429122911
બિહારી બાગ પેટફાઉન્ડેશન 8758729138 ડો.પ્રદિપ પંચાલ
વડલીવાળુ પરૂ બનાસકાંઠા વન વિભાગ શ9879278904
તેલના ભાવ વધતાં ઊંધિયાના ભાવમાં 5થી 10 ટકાનો વધારો
ઉત્તરાયણ નિમિત્તે મહેસાણામાં ઊંધિયા- જલેબીના નાના-મોટા 150 જેટલા સ્ટોલ બન્યા છે. ઊંધિયાનો કિલોનો રૂ.160થી 200 ભાવ, જલેબી તેલની રૂ.160, ઘીની જલેબીના રૂ. 400 સુધીના ભાવ રહેશે. ઉ.ગુ. મિઠાઇ ફરસાણ વેપારી એસો.ના મહામંત્રી કિર્તિભાઇ ગુપ્તાએ કહ્યું કે, તેલના ભાવ વધતાં ગત વર્ષ કરતાં ઊંધિયામાં 5 થી 10 ટકા ભાવ વધારો છે. લીલવાની કચોરી, પાતરાં, ખમણ, ફાફડાનું પણ ઊંધિયા સાથે ચલણ રહે છે.
સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ મોટાભાગની રાશિઓ માટે શુભ રહેશે
જ્યોતિષ શાસ્ત્ર મુજબ, આ વખતે 15 જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશતાં પુણ્યકાર્યો 14 મીને બદલે 15 જાન્યુઆરીએ કરવાના રહેશે. મકર રાશિમાં સૂર્યના પ્રવેશ સાથે 12 પૈકી મોટાભાગની રાશિના જાતકો માટે શુભ રહેશે. જેમાં મેષ, વૃષભ, મિથુન, સિંહ, કન્યા, તુલા, ધન, મકર અને કુંભ રાશિના જાતકો માટે શુભ ફળ આપનારું રહેશે. તેમજ કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના જાતકોને મધ્યમ ફળ આપનારું રહેશે.
પક્ષીઓ માટે વહેલી સવાર, સાંજ પતંગ ન ચગાવીએ
વહેલી સવારે પક્ષીઓ ખોરાક માટે દાણા ચણવા જતા હોય છે. સાંજના સમયે તે પરત ફરતાં હોય છે. આ બે સમયે પતંગ નહીં ચગાવવી જોઇએ. પશુપાલન નિયામક ર્ડા. ભરતભાઇ દેસાઇએ સવારે 7 થી 9 અને સાંજે 5 થી 7 દરમિયાન પક્ષીઓની સલામતી માટે પતંગ નહીં ચગાવવા અપીલ કરી હતી.
સનગ્લાસ પહેરીને જ પતંગ ચગાવો
મહેસાણા : મહેસાણાના ર્ડો. વિનોદભાઇ પટેલે કહ્યું કે, સૂર્યની સામે સતત જોવાથી સીધા કિરણો આંખમાં ન આવે તે માટે ગોગલ્સ પહેરી શકાય. જેના ગ્લાસ ફાયબરના નહીં પણ સનગ્લાસ હિતાવહ છે. ફાયબર ગ્લાસમાં કિરણો સીધા આંખમાં આવતાં આંખને રક્ષણ ન મળે અને તકલીફ, બેચેની થઇ શકે.