તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધાનેરામાં દેશી દારૂના કેસમાં નામ ન ખોલવા મુદ્દે આરોપી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધાનેરામાં દેશી દારૂના કેસમાં નામ ન ખોલવા મુદ્દે આરોપી પાસેથી હેડકોન્સ્ટેબલે રૂપિયા 25 હજાર માગ્યા હતા.જેથી ઘંટી ચાલકે એસીબીને જાણ કરી હતી જેથી પાલનપુર એસીબીએ શનિવારે છટકું ગોઠવ્યું હતું.આ દરમિયાન જાણ થતાં જ એસબીએ અરજદારને આપેલા 15 હજાર લઇ કોન્સ્ટેબલ ફરાર થઇ જતાં ચકચાર મચી હતી.

ધાનેરા પોલીસમાં નેનાવા બીટના હેડ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જયંતીભાઈ પરમાભાઇ પ્રજાપતિએ થોડા સમય અગાઉ ધાનેરામાં દળવાની ઘંટી પરથી દેશી દારૂ ઝડપી લીધો હતો. અને ઘંટીમાં કામ કરતા માણસ સામે કેસ કર્યો હતો.

આ મામલામાં ઘંટીવાળાનું નામ ન ખોલવા માટે કોન્સ્ટેબલે રૂપિયા 25 હજાર માગ્યા હતા.જો કે અરજદારે ગામની દૂધ મંડળીમાં એન્ટિકરપ્શનનું બોર્ડ ટોલ ફ્રી નંબર 1064 વાંચી એસીબીનો સંપર્ક કર્યો હતો અને એસીબીએ ફોન પર હેડ કોન્સ્ટેબલ સાથે વાતચીત કરાવી અને છટકું ગોઠવ્યું હતું. જેમાં રૂ.15 હજાર આપવાની વાત થઇ હતી.

જેથી શનિવારે એસીબી પીઆઇ કે.જે.પટેલે છટકું ગોઠવી રૂ.15 હજાર ફરિયાદીને કોન્સ્ટેબલને આપવા આપ્યા હતા. જે રૂપિયા લઈને ફરિયાદી પોલીસ મથકમાં ગયો હતો પરંતુ શંકા જતાં જ કોન્સ્ટેબલ ફરિયાદીને લઈ બજારમાં કોઈક દુકાન આગળ પહોંચી ગયો હતો અને ત્યાં દ્રાવણવાળી 15 હજારની નોટો સ્વીકારી ફરાર થઇ ગયો હતો.ફરિયાદી પરત ફરીને પૈસા આપી દીધાનો ઈશારો 5 મિનિટ મોડા કરતા પોલીસ કોન્સ્ટેબલ ફરાર થવામાં સફળ રહ્યો હતો.એસીબીની રેડને લઈ લાંચિયા પોલીસકર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...