Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લાખણીમાં ટેકાના ભાવે રાયડા નોંધણીમાં ગેરરીતિની આશંકા
લાખણીમાં ટેકાના ભાવે રાયડા નોંધણીમાં ગેરરીતિની આશંકા સામે આવી છે. ગેળા ગામનો ખેડૂત નોંધણી કરાવવા ગયો ત્યારે અગાઉથી નોંધણી થઈ ગઈ હતી. રાયડા નોંધણીમાં જમીનના ઉતારા બીજાના અને એકાઉન્ટ નંબર પણ બીજાના હતા તો નોંધણી થઈ કેવી રીતે તેને લઈ ન્યાયિક તપાસની માંગ ઉઠી છે.
લાખણી ખાતે રાયડા ખરીદીનું સેન્ટર ચાલું છે. જેમાં ઓનલાઈન નોંધણીમાં ક્રમશઃ ખેડૂતોને બોલાવી તેમના જમીનના ઉતારા, આધાર કાર્ડ અને બેંકની પાસબુક લેવાઈ રહ્યા છે. ગુરુવારે લાખણી તાલુકાના ગેળા ગામના માદેવાભાઈ કસનાજી પટેલ પોતાના રાયડાની નોંધણી કરાવવા માટે સેન્ટર પર નંબર આવ્યો એટલે કોમ્પ્યુટર ઓપરેટરને કાગળ રજુ કર્યા ત્યારે ઓપરેટરે કહ્યું કે તમારા નામની નોંધણી થઈ ગઈ છે. ત્યારે ખેડૂતે પૂછ્યું કે હું તો આજે પહેલી વખત આવ્યો છું તો મારા નામની નોંધણી કેવી રીતે થાય ? કોણે કરાવી છે ? વગેરે સવાલ કરતા હવે આનો ક્રોસ ચેકિંગ પછી એ વખતે અમે પેમેન્ટ અટકાવશું, તમે રાયડો લઈને આવો એટલે ધ્યાન દોરજો ત્યારે આમ કહીને અધિકારીઓએ પોતાનો લૂલો બચાવ કરી ખેડૂતને રવાના કરી દીધો હતો.
ગેળા ગામનો ખેડૂત નોંધણી કરાવવા સેન્ટર પર ગયો તો ઓપરેટરે કહ્યું કે તમારા નામની નોંધણી થઈ ગઈ છે
મોબાઈલમાં OTP જાય તો નોંધણી થઈ કેવી રીતે ?
સવાલએ થાય છે કે જો આધારકાર્ડ બીજાના નામનું, એકાઉન્ટ નંબર બીજા નામનું અને જમીનના ઉતારા બીજા નામના તો આ કેવી રીતે નોંધણી થઇ હશે. વેપારીઓ દ્વારા રાયડાનો માલ ભરાવાની ફરિયાદો ઉઠતી રહે છે તેવામાં મોબાઈલ પર ઓટીપી જાય પછી જ નોંધણીની પ્રક્રિયા અને ફોર્મ સબમીટ થતું હોવાના દાવા વચ્ચે આ પ્રકારની ક્ષતિ મામલે તપાસની માંગ ઉઠી છે.