તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રાફિક પોલીસના ત્રાસથી રિક્ષાચાલક સળગ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | પાલનપુરની હાઈવે ટ્રાફિક પોલીસ ચોકી આગળ શુક્રવારે બપોરે સવા એક વાગે માલણનો રિક્ષાચાલક પેટ્રોલ છાંટીને સળગ્યો હતો. જેમાં તે ચહેરાથી પેટ સુધી 20 થી 22 ટકા દાઝી ગયો હતો. ટ્રાફિક પોલીસના ત્રાસથી તેણે આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. રિક્ષાચાલકોએ આ મામલે ન્યાયની માંગ સાથે હંગામો મચાવ્યો હતો અને પાંચથી 6 કલાક સુધી હડતાળ કરી હતી. દરમિયાન, પરિવારજનો અને રિક્ષા એસોસીએશનના આગેવાનોએ કલેકટરને મળી પોલીસકર્મીને સસ્પેન્ડ કરવાની માંગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીનો કાર્યક્રમ નક્કી થતાં હરકતમાં આવેલી પોલીસે છેલ્લા બે દિવસમાં 55 જેટલી રિક્ષાઓ શહેરમાંથી ડિટેન કરી છે. હાઈવે પર ભારે ભીડ ભાડ વચ્ચે સમગ્ર ઘટના ઘટતાં હડકંપ મચી ગયો હતો. ઘટનાસ્થળે પહોંચેલા રિક્ષા એસોસિએશનના આગેવાનોએ અમારે મુસાફરો ઉતારવા કે લેવા કયાં ઊભા રહેવું તેવા વેધક સવાલ સાથે ખાનગી જીપો ઇકોવાન હપ્તાના જોરે બેખોફ ચાલતી હોવાના આક્ષેપો કર્યા હતા. ઇમરાનની તબિયત સ્થિર હોવાનું સિવિલ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું.

પ્લાસ્ટિકની બોટલમાં લાવેલું પેટ્રોલ છાંટી આગ ચાંપી, શરીરે 20-22 ટકા દાઝ્યો
પાલનપુર શહેરમાં પોલીસ રિક્ષાચાલકો પાસેથી દર મહિને નિયમિત હપ્તો વસૂલતી હોઇ રિક્ષાચાલકો પણ ત્રણ કરતાં વધુ મુસાફરો ભરીને અવરજવર કરતા હોય છે. જોકે, પોલીસ દ્વારા મહિનાનો ટાર્ગેટ પૂરો કરવા મેમા પણ અપાતા હોય છે, તેવામાં મુખ્યમંત્રીનો કાર્યક્રમ નક્કી થતાં શહેરમાં અડચણરૂપ રિક્ષાઓ સામે ટ્રાફિક વિભાગ દ્વારા બે દિવસથી દંડાત્મક કાર્યવાહી કરાઇ રહી છે. માલણ ગામના ઇમરાન ઈસ્માઈલભાઈ સુમરાની રિક્ષાને બુધવારે સીમલા ગેટ વિસ્તારમાં ડિટેઇન કરાઈ હતી. જે બાદ શુક્રવારે ફરી ઇમરાનની રિક્ષાને એરોમા સર્કલ પર વિક્રમ દેસાઇ નામના સિટી ટ્રાફિકના પોલીસકર્મીએ રોકાવતાં ઇમરાને રિક્ષા ડિટેઇન નહીં કરવા કાકલૂદી કરી હતી તેમ છતાં પોલીસકર્મી નહીં માનતાં તેણે હાઈવે ટ્રાફિક પોલીસ ચોકી આગળ બપોરે 1-15 કલાકે પોતાના શરીર પર પ્લાસ્ટિકની બોટલમાં લાવેલું પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી હતી. જેમાં તે શરીરે દાઝી ગયો હતો. ઘટનાની ગંભીરતાને જોતાં ટ્રાફિક પોલીસ કર્મી વિક્રમ દેસાઈએ ગરમ ધાબળો ઇમરાન ઉપર ઢાંકી દઈ તેને વધુ સળગતાં અટકાવ્યો હતો અને તેને સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો.

ઇમરાન બોલતો રહ્યો, આ માણસ ખોટી રીતે હેરાન કરે છે. હું હમણાં જ ગાડી છોડાવીને આવ્યો અને બીજો મેમો આપી દીધો. કઈ રીતે મારંું ઘર ચલાવીશ
બર્ન્સ વોર્ડમાં સારવાર લેતાં ઇમરાને કહ્યું...
\\\"પેલા દેસાઈ સાહેબે મારી ગાડી પકડી અને મેં એમને બતાવ્યું કે બીજી તારીખે મારી ગાડી પકડી હતી. મેં તેમને તે પાવતી બતાવી તો એમણે ફરી મારી ગાડી ડિટેઇન કરી નાખી. તો મેં કહ્યું હું એકલો છું. મારા પિતા નથી. હું વારંવાર કઈ રીતે આરટીઓના દંડ ભરુંω હું કઈ રીતે સેટિંગ રાખુંω તો હું ખૂબ કરગર્યો. એમના પગ દબાવ્યા. તો બી એ ના માન્યા. અને કહ્યું કે વધારે બોલીશ તો તને બી અંદર નાખી દઈશની ધમકી આપી, ન બોલવાનું બોલ્યા. પછી મેં ખુદ કંટાળી ગયો હતો અને આ બનાવ મારાથી બની ગયો.

ટ્રાફિક પોલીસકર્મીએ જ આગ બુઝાવી અને સારવાર માટે સિવિલમાં લઇ ગયો
માથાથી પેટના ભાગે 20થી 22 ટકા દાઝ્યો
જાતે સળગેલ ઇમરાન માથાથી પેટ સુધીના ભાગે 20થી 22 ટકા દાઝી ગયો હોવાનું સિવિલ સત્તાધીશોએ જણાવ્યું હતું. જ્યારે મામલતદાર કચેરીના નાયબ મામલતદાર કલ્પનાબેન દ્વારા ઈમરાનનું ડાઇંગ ડેક્લેરેશન લેવાયું હતું અને તે પાલનપુર પશ્ચિમ પોલીસને સોંપાયું હતું. જોકે, ડેકલેરેશનની વિગતો ગોપનીય રખાઈ હતી.

માસિક હપ્તો અપાતો હોવા છતાં 2 દી\\\'માં 55 રિક્ષાઓ ડિટેઇન કરાતાં રોષ ભભૂક્યો
મારો દીકરો સ્યુસાઈડનો પ્રયાસ કરે જ નહીં
મારા દીકરાને કોઈ વ્યસન નથી. તો એણે સળગાવવા માચીસ ક્યાંથી લાવ્યોω આમાં પોલીસે ન્યાયિક તપાસ કરવી જોઈએ. હું વિધવા મહિલા છું. બે દીકરાઓ છે જેમાં ઇમરાનને બે દીકરી અને એક દીકરો છે, બીજું કોઈ કમાનાર નથી. કરકસર કરીને ઘર ચલાવીએ છીએ. રાજીબેન સુમરા, ઇમરાનની માતા

મેં જ તેને બચાવ્યો અને દવાખાને લઈ ગયો હતો
બપોરે એક વાગે એરોમા સર્કલ પર ઓવરલોડ રિક્ષા ઝુંબેશ દરમિયાન છ મુસાફરો ભરેલી રિક્ષા રોકાવી હતી. બાદમાં તે ટ્રાફિક પોલીસ ચોકી આગળ પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ લઇને આવ્યો હતો અને છાંટી દેતાં મેં જ તેને બચાવ્યો હતો અને દવાખાને લઈ ગયો હતો. વિક્રમ દેસાઇ, પોલીસ કોન્સ્ટેબલ સિટી ટ્રાફિક પાલનપુર

હાઇવે પર રિક્ષાઓ રોકી ચક્કાજામ કર્યો પોલીસને સસ્પેન્ડ કરવા SP સમક્ષ માંગ
રિક્ષા ડિટેઇન કરાઇ તો રોષ રાખી પગલું ભર્યું
બે દિવસ પહેલા ટ્રાફિક ઝુંબેશ દરમિયાન તેની રિક્ષા ડિટેઇન કરાઇ હતી જેનો રોષ રાખી આ રિક્ષા ચાલકે પગલું ભર્યું હતું જોકે પોલીસ દ્વારા તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર્થે લઈ જવાયો હતો જ્યાં ડોક્ટર જોડે વાત થઇ તે મુજબ અત્યારે તેની હાલત સારી હોવાનું જાણવા મળ્યું છે. પ્રદીપ સેજુળ, જિલ્લા પોલીસવડા

રિક્ષાઓની 5 કલાક હડતાળ
યુવકને સળગી જવાના બનાવ બાદ રિક્ષા ચાલકોએ અન્ય રિક્ષાઓને થોભાવી અને મુસાફરોને ઉતારી દીધા હતા અને શહેરની તમામ રિક્ષાઓ બંધ કરી એરોમા સર્કલ પર ચક્કાજામ કર્યો હતો. પાલનપુરના રિક્ષાચાલકો તેમજ પીડિતના પરિવારે પોલીસકર્મીને તાત્કાલિક સસ્પેન્ડ કરવા તેમજ યોગ્ય કાર્યવાહી કરવા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...