તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • હાર્દિક પટેલની ધરપકડના વિરોધમાં પાલનપુરમાં પાટીદારોનો હલ્લાબોલ,પાટણમાં ચક્કાજામ કર્યો

હાર્દિક પટેલની ધરપકડના વિરોધમાં પાલનપુરમાં પાટીદારોનો હલ્લાબોલ,પાટણમાં ચક્કાજામ કર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદમાં ઉપવાસ કરવા જઇ રહેલા પાસ કન્વીનર હાર્દિક પટેલની ધરપકડના વિરોધમાં પાટણમાં પાસના કાર્યકરોએ સિદ્ધપુર ચોકડી પાસે હાઇવે ચક્કાજામ કર્યો હતો. સૂત્રોચ્ચાર કરી રહેલા પાંચ કાર્યકરોને ડિટેઇન કરી પોલીસે ટોળાને વિખેર્યું હતું. જ્યારે પાલનપુરમાં પાટીદારોએ એસપી કચેરીએ હલ્લાબોલ કર્યો હતો અને આવેદનપત્ર આપી હાર્દિકને છોડવામાં નહીં આવે તો 2015વાળી કરવાની ચીમકી ઉચ્ચારી હતી. તો હાર્દિકના ઉપવાસમાં ભાગ લેવા જઇ રહેલા બહુચરાજીના પાસ કન્વીનર સહિત 10 કાર્યકરોની તેમજ સાબરકાંઠાના ઇડરના 7 અને વડાલીના 6 પાટીદારોની પોલીસે અટકાયત કરી હતી. બીજી તરફ કોઇ અનિચ્છનીય ઘટના બને નહીં તે માટે પાટીદાર વિસ્તારો સહિત હાઇવે પર સતત પોલીસ પેટ્રોલિંગ ચાલુ રખાયું હતું.

પાલનપુરના પાટીદાર સમાજ દ્વારા રવિવારે ડીવાયએસપી બી.એ.ચાવડાને આવેદનપત્ર આપ્યું હતું. મીડિયા સમક્ષ પાટીદાર સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે ‘પાટીદાર સમાજની અનામતની બંધારણીય માંગણીને સરકાર સ્વીકારતી નથી અને જે બાબતે સમાજના લોકો આમરણાંત ઉપવાસના કાર્યક્રમો માટે મંજૂરી માંગે છે તો સરકાર દ્વારા મંજૂરી પણ અપાતી નથી. હાર્દિક પટેલે અમદાવાદના પાંચ મેદાનમાંથી કોઇપણ એક મેદાનમાં ઉપવાસની મંજૂરી માંગી હતી.

પરંતુ સરકારે મંજૂરી આપવાની તો દૂર રહી ઉપરથી તેમની અટકાયત કરી હતી. જો હાર્દિક તેમજ કાર્યકરોને તાત્કાલિક છોડી મૂકવામાં નહીં આવે તો 26 ઓગસ્ટ-2015 જેવી પરિસ્થિતિ સર્જાશે અને જો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખોરવાશે તો તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે માટે હાર્દિક તેમજ કાર્યકરોને તાત્કાલિક છોડી મૂકે તે માટે આવેદનપત્ર અપાયું હતું.’

પાલનપુરના પાટીદાર સમાજ દ્વારા રેલી કાઢી આવેદન આપ્યું હતું

બહુચરાજી, ઇડર અને વડાલીમાં 23ની અટક
નિકોલ ખાતે હાર્દિક પટેલના ઉપવાસમાં ભાગ લેવા જઈ રહેલા બહુચરાજીના પાસ કન્વીનર હર્ષદ પટેલ સહિત 10 કાર્યકરોને સ્થાનિક પોલીસે વહેલી સવારે અટકાયત કરી પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. જ્યારે પાસની બીજી ટીમ પોલીસને ચકમો આપી અમદાવાદ પહોંચી ગઈ હતી. તો સાબરકાંઠામાં ઇડર પોલીસે ઇડર પાસ કન્વીનર શૈલેશ પટેલ સહિત 7 પાટીદારોને ડિટેઇન કર્યા હતા, જ્યારે વડાલીના પાસ કન્વીનર રમેશભાઈ પટેલ સહિત 6 કાર્યકરોની હિંમતનગર એસઓજીએ અટકાયત કરી હતી. બાદમાં તમામને મુક્ત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...