તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉત્તર ગુજરાતમાં વાવાઝોડા અને માવઠાની માઠી અસરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉત્તર ગુજરાતમાં મંગળવારે સવારે કમોસમી વરસાદના છુટા છવાયા છાંટા પડ્યા બાદ બપોરે 3.15 કલાક બાદ પ્રતિ કલાકે 20 થી 30 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલો પવન જોતોજાતામાં તોફાની વાવાઝોડામાં ફેરવાયો હતો. તુફાની વાવાઝોડા અને ભારે ગાજવીજ સાથે થયેલા માવઠા અને કરા પડતાં સામાન્ય જનજીવ અસ્ત વ્યસ્ત થયું હતું. ઠેર ઠેર વીજ પોલ પડી જતાં કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો, વૃક્ષો પડી જતાં વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો. આ દરમિયાન વિજળી પડતાં ઉત્તર ગુજરાતમાં 6 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. જેમાં મહેસાણાના વિજાપુર તાલુકાના માલોસણ ગામના ખેતરમાં બટાટા વીણી રહેલા આધેડ કોદરજી પરથાજી ઠાકોરનું, ખરોડ ગામમાં પતરૂ પડતાં ભાવનાબેન પરેશજી ઠાકરોનું, કડી તાલુકાના ચાંદરડા ગામમાં વૃક્ષ પડતાં 38 વર્ષિય ભલાજી ઠાકોરનું અને ડરણ ગામમાં કંપનીનો સેડ પડતાં પરપ્રાંતિય યુવાનનું, બનાસકાંઠાના સુઇગામ તાલુકાના ચાળા ગામના 45 વર્ષિય ખેડૂત કાનજીભાઇ રૂપસીભાઇ માળીનું તેમજ ધાનેરાના આસિયા ગામના 21 વર્ષિય કમલેશભાઇ નિલાભાઇ રબારીનું મોત નિપજ્યું હતું. વીજળી પડતાં 4 પશુઓના મોત નિપજ્યા હતા.

બીજી બાજુ વિજાપુર તાલુકાના વડાસણ ગામમાં રહેતાં 60 વર્ષિય શાંતાબા રૂઘનાથ દેસાઇ પર છતના પતરાં પડતાં દટાઇ ગયા હતા. જેને લઇ ગામના કિરીટજી શંકરજી વિહોલ સહિત ગ્રામજનોએ શાંતાબાને કાટમાળમાંથી બહાર કાઢી સારવાર માટે ખસેડ્યા હતા. હવામાન વિભાગના નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં પ્રથમ વખત 4 સેમીના ઘેરાવો ધરાવતાં કરા પડ્યા હતા.

ધાનેરા તાલુકાના ગંજ બજારમાં બોરી મુકવા માટે દોડધામ કરી હતી.જ્યારે થરાદ તાલુકામાં મંગળવારની વહેલી સવારે પાંચ વરસાદી માવઠું થવા પામ્યું હતું. જેને લઇ વરિયાળીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાની ભીતી ખેડૂતોમાં સેવાઇ રહી છે.

મહેસાણાના ખેરવા ગામના ખેતરના કાચા મકાન પર વૃક્ષ પડતાં દેવીપુજક રાહુલ દિનેશભાઇ(ઉ.વ.17) અને દેવીપુજક શિલ્પાબેન લાલાભાઇ(ઉ.વ.22) ઇજાગ્રસ્ત થતાં મહેસાણા સિવિલમાં ખસેડ્યા

બહુચરાજીના સાપાવાડામાં વીજળી પડતાં મુકેશજી રામાજી ઠાકોરની ભેંસનું મોત

વૃક્ષ પડતાં વિસનગર તાલુકાના છોગાળા ગામના રામજીભાઇ પુંજાભાઇ રાવત, કરલી ગામના ચમનભાઇ ચુનીલાલ દેવીપુજક અને દઢીયાળ ગામના કિરણભાઇ જેઠાભાઇ પરમારને ઇજા

વિજાપુરના ખરોડ ગામમાં ઘરના પતરાં પડતાં જાનકીબેન પરેશજી ઠાકોર અને પરેશજી પોપટજી ઠાકોર ઇજાગ્રસ્ત થયા

વાવ તાલુકામાં વિજળી પડતાં સપ્રેડા ગામમાં પ્રજાપતિ કાનજીભાઇ કાળાભાઇની એક ગાય અને ડાભલીયાવાસના આસલ બાબુભાઇ સામતાભાઇની એક ભેંસ અને પાડાનું મોત

સાબરકાંઠાના ગાંભોઇ થી ભિલોડા રોડ પર વૃક્ષો ધારાશાહી થતાં વાહન વ્યવહાર ખોરવાયો

વક્તાપુર ગામમાં વિજયભાઇ રામીના ખેતરમાં કામ કરતાં બે ખેતમુજરને ઇજા

બેરણામાં વસંતભાઇના ઘર આગળ લીંમડાનું વૃક્ષ પડતાં વીજ પોલ પડ્યો

ઇડરના ભિલોડા ત્રણ રસ્તા પર નિલગીરીનું વૃક્ષ વીજ ડીપી પર પડતાં વીજ પુરવઠો ખોરવાયો

- ઇડરના ચોરીવાડમાં વૃક્ષ ધરાશાહી થતાં કાર દટાઇ

ઇડરના ખોડમમાં વીજળી પડતાં 5 થી વધુના મકાનોના વીજ ઉપકરણો બળીને ખાખ

ઇડરના મોહનપુરા કોર્ટ પાસે ગોડાઉનનો સેડ ઉડી ગયો, દિવાલ પડતાં કાર દટાઇ

પાટણના વાવડીમાં મોટા કદના કરા પડતા 14 પુરૂષ, 16 મહિલા અને 2 બાળકો ઇજાગ્રસ્ત, 80 ટકા મકાનોને કરાથી નુકશાન થયું

ઉત્તર ગુજરાતમાં 10 વર્ષમાં ત્રીજી વખત એપ્રિલમાં માવઠું થયું
ઉત્તર ગુજરાતમાં વર્ષ 2009 થી અત્યાર સુધીના 10 વર્ષમાં ઉત્તર ગુજરાતમાં ત્રીજી વખત એપ્રિલ માસમાં માવઠું થયું છે. 20 એપ્રિલ 2013 ના રોજ ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક માવઠું થયું હતું. જેમાં દોઢ ઇંચ જેટલું માવઠું થયું હતું. ત્યાર બાદ 12 એપ્રિલ 2015 ના રોજ તુફાની વાવાઝોડા સાથે માવઠું થયું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લામાં કરા પડ્યા હતા.

રાજસ્થાનમાં સર્જાયેલી સિસ્ટમથી ઉત્તર ગુજરાતમાં સ્થિતિ બગડી
વેસ્ટન ડિસ્ટબન્સ એટલે કે પશ્ચિમ દિશાના ફૂંકાતો પવનની સાથે રાજસ્થાનમાં સર્જાયેલા સાઇક્લોનીક સરક્યુલેશનના કારણે રાજસ્થાનમાં હવાનું પાતળુ દબાણ સર્જાયું હતું. આ સાથે ગરમીનું પ્રમાણ વધતાં ઉત્તર ગુજરાતમાં તોફાની વાવાઝોડું ફુકાયું હતું. તેમજ કમોસમી વરસાદ અને કરા પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...