તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુરમાં પાણી પુરવઠામાં ઉચાપત કરનારને ફરી ટીપી સહિતની કામગીરી સોંપાતા વિવાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર નગરપાલિકામાં પાણી પુરવઠા ઇજનેર તરીકે ફરજ બજાવતા એન્જિનિયર કરસનભાઈ આર જોશીને ભૂતકાળમાં પાઇપ ઉચાપત કૌભાંડમાં ગુનો દાખલ કરી જેલમાં મોકલવામાં આવ્યા હતા. જે બાદ પાલિકાના મહત્વના વિભાગોની જવાબદારીને લઈ પાલનપુરના અમૃત પંડ્યાએ ગાંધીનગર સ્થિત પ્રાદેશિક કમિશ્નરને ઈજનેરની મહત્વની જગ્યા પર ભરતી વિરુદ્ધ લેખિત રજુઆત કરી પગલાં ભરવા માંગ કરી છે.

પાલનપુર નગરપાલિકામાં હાલ ટાઉન પ્લાનીંગ વિભાગમાં કરશનભાઇ જોષી એન્જિનિયર તરીકે સેવા આપે છે. જોકે પાલનપુર શહેરના સુખબાગરોડ વિસ્તારમાં રહેતા અમૃતલાલ એમ પંડ્યાએ ગુજરાત રાજ્ય નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશ્નર વિશાલ ગુપ્તાને નાણાકીય ઉચાપતના ગંભીર ગુનામાં જેલમાં જઇ આવેલા કે.આર. જોષી વિરૂદ્ધ તેમની ગેરકાયદે પુનઃ ભરતી અંગે ફરિયાદ કરી હતી. આ અંગેની વિગતો આપતા અમૃત પંડયાએ જણાવ્યું હતું કે થોડા વર્ષો અગાઉ પાલનપુર શહેરમાં પાણી પુરવઠા એન્જિનિયર કરસનભાઈ જોષી દ્વારા પાઇપલાઇનના કામમાં કૌભાંડ આચરી ગંભીર પ્રકારની નાણાકીય ઉચાપત આદરી હતી. જે મામલે તત્કાલિન ચીફ ઓફિસર દ્વારા ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરાઇ હતી. ત્યારબાદ કે આર જોષીને જેલ હવાલે કરાતા તેમને હોદ્દા પરથી દૂર કરાયા હતા. જોકે પાલિકા દ્વારા ફરી તેમને મહત્વના વિભાગોની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં ગંભીર પ્રકારનો ભ્રષ્ટાચાર થવાની શક્યતા રહેલી છે. જેથી અમોએ તેમની પાસેથી મહત્વની જવાબદારી હટાવવા પ્રાદેશિક નિયામકની કચેરીએ લેખિત રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...