બનાસકાંઠામાં 3.6ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી ગયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં સોમવારે ધૂળેટીના દિવસે એક જ દિવસમાં ત્રણ વખત ભૂકંપના આંચકા અનુભવાતાં લોકોમાં ફફડાટ પ્રસરી ગયો હતો. જ્યાં સૌથી વધુ અસર થરાદ અને ધાનેરા પંથકમાં થઇ હતી. જ્યાં જમીન તેમજ મકાનોમાં તિરાડો પડી ગઇ હતી. હાંફળા- ફાંફળા બનેલા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. 

બનાસકાંઠા જિલ્લામાં સોમવારે ચાર ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. જેમાં 3.52 કલાકે આવેલા 4.4ની તિવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ ધાનેરા- થાવર વચ્ચે જમીનમાં 6 કિલોમીટરની ઉંડાઇએ નોંધાયું હતુ. જેની અસર પાલનપુર, થરાદ, ડીસા, ધાનેરા, પાંથાવાડા સહિતના વિસ્તારોમાં થવા પામી હતી. આ ઉપરાંત સવારે ધાનેરા અને ડીસા વચ્ચે1.3, ચારડાથી ધાનોલ વચ્ચે 2.1, ડીસાથી ઝેરડા વચ્ચે 1.7ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. જેના પગલે લોકોમાં ભારે દહેશત પ્રસરી હતી.

થરાદના ડુવામાં ભૂકંપના આંચકાથી આંગણુ ચિરાયું
થરાદની બીડીસીસી બેંકમાં ફરજ બજાવતા કર્મચારી મોંઘજીભાઇએ જણાવ્યું હતુંકે ધુળેટીનો તહેવાર હોઇ બધા તેમના ડુવા ગામના ખેતરમાં બહાર લીમડાના ઝાડ નીચે ખાટલા ઢાળીને બેઠા હતા.દરમ્યાન અચાનક નળીયાં ખડખડવાના અવાજ સાથે જમીનમાંથી અવાજ સાથે બોંબ જેવો ગેબી ધડાકો પણ થયો હતો.આથી બધા વિચારવામાં પડવાની સાથે જ નજર કરતાં આંગણામાં પણ તિરાડ પડી હતી.આથી ભૂકંપ આવ્યાનું લાગતાં ઘરમાં રહેલાં પરિવારજનોને પણ બહાર બોલાવાયાં હતાં.આવી જ રીતે જેમને ભૂકંપની ખબર પડી એ લોકો બધાં બહાર દોડી આવ્યા હતા. જ્યારે થરાદ મીઠા રોડ પર આવેલા જગદીશભાઇ રાજપુતના પાણીના પ્લાન્ટની દીવાલોને પણ તિરાડો પડી હોવાનું તેમણે જણાવ્યું હતું.

પાંથાવાડામાં  દુકાનની દીવાલોમાં તિરાડ પડી
દાંતીવાડા પાલુકાના પાંથાવાડા પંથકમાં સોમવારે એક તરફ લોકો રંગોત્સવમાં મસ્ત હતા. ધૂળેટી રમી મીઠી નિંદર માણી રહ્યા હતા.ત્યારે સાંજના સુમારે 3.54 વાગ્યે અચાનક  બે વાર ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા.આ અંગે રાજુભાઇ પુરોહિતે જણાવ્યું હતુંકે અમો અમારી દુકાનમાં સુતા હતા ત્યારે અચાનક શોપિંગ સેન્ટર હલવા લાગતા અમો બહાર દોડી આવ્યા હતા.અને ફરી દુકાનમાં જોતા દીવાલો પર તિરાડો પડી ગઈ હતી.જોકે જાન માલને કોઈ નુકસાન થયું ન હતું
 
(તમામ તસવીરો પ્રવિણ સોલંકી, પાંથાવાડા) 
 
 
વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...