- પાલનપુરની કોલેજમાં ફી ભરવા માટે કતારમાં ઉભા રહેવા મુદ્દે મારામારી
- છાત્રો પાસેથી 1.12 લાખના દાગીના તેમજ ફીના 13,200 લૂંટી લીધા
- ઈજાગ્રસ્ત બંને યુવાનોને સારવાર અર્થે ખસેડાયા
બનાસકાંઠ: પાલનપુરની કોલેજમાં સોમવારે સવારે ફી ભરવા માટે કતારમાં ઉભા રહેવા મુદ્દે થયેલી માથાકૂટ બાદ બપોરે ઉશ્કેરાયેલા ટોળાએ કોલેજ નજીક એસ.ટી.કોલોની પાસે એક છાત્ર પર હુમલો કર્યો હતો. જ્યાં તેને છોડાવવા માટે ગયેલા એસ.ટી. કોલોનીના છાત્ર ઉપર પણ હોકી, પાઇપ, લાકડી વડે હૂમલો કરવામાં આવતાં બંનેને ગંભીર ઇજા થઇ હતી. આ બંને છાત્રો પાસેથી ફીના રૂ. 13,200 તેમજ સોનાના દાગીના મળી કુલ રૂ. 1,25,200 ની લૂંટ કરવામાં આવી હતી. દરમિયાન બંનેને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે લોકોનું ટોળુ એકત્ર થઇ જતાં ભારે ઉત્તેજના પ્રસરી ગઇ હતી.
પાલનપુરમાં સોમવારે બનેલી ચકચારી ઘટનાની પ્રાપ્ત થતી વિગતો મુજબ શહેરના નાનીબજાર વિસ્તારમાં રહેતા માહિર નઇમખાન નાગોરી (ઉ.વ.24) કોલેજમાં ફી ભરવા માટે ગયો હતો. જ્યાં કતારમાં ઉભા રહેવાના મુદ્દે અન્ય છાત્રોથી માથાકુટ થઇ હતી. જ્યાંથી તે કોલેજ નજીક આવેલી એસ.ટી. કોલોની પાસેથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે એક સમાજના શખ્સોનું ટોળુ ત્યાં ધસી આવ્યું હતુ. જેમણે માહિરને ગડદાપાટુનો માર મારવાનું શરૂ કર્યુ હતુ. આથી બાજુમાં બેઠેલા વિવેકભાઇ પ્રશાંતભાઇ બારોટ (ઉ.વ.22) તેને છોડાવવા માટે ગયો હતો. જેને પણ ટોળામાં રહેલા શખ્સોએ પાઇપ, હોકી તેમજ લાકડીઓ વડે માર મારતાં માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. આ ઘટનાને પગલે ભારે અફરાતફરી મચી ગઇ હતી.જોકે લોકો એકત્ર થઇ જતાં હુમલાખોર તત્વો નાસી છુટ્યા હતા. દરમિયાન બંને ઇજાગ્રસ્ત કોલેજીયનોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પણ ઇજાગ્રસ્તોના પરિવારજનો તેમજ મિત્રો આવી પહોચતાં ભારે ઉત્તેજના પ્રસરી ગઇ હતી.
- મારા પુત્રની લકી અને ફી લૂ઼ંટી લીધી
અસામાજીક તત્વોએ મારા દીકરા ઉપર હિચકારો હૂમલો કરી બે તોલા સોનાની ચેઇન, અઢી તોલા સોનાની લકી તેમજ ફી માટે ના રૂ. 7500 લુંટી લીધા હતા. આ ઉપરાંત તે જે છાત્રને છોડાવવા માટે ગયો હતો. તેની પાસેથી પણ ફીના રૂ. 5700ની લૂંટ કરવામાં આવી હતી. આ તત્વો સામે કડક કાર્યવાહી કરાય તે જરૂરી છે:- પ્રશાંતભાઇ બારોટ (રહે. એસ.ટી કોલોની, પાલનપુર)
વધુ વાંચવા આગળની સ્લાઈડ્સ ક્લિક કરો...