- સૂઇગામના કટાવથી શરૂ થનારી યાત્રાનું મોટી મહુડીમાં સમાપન થશે
- ૬૧ જગ્યાએ જાહેર સભાઓ યોજાશે
બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા આગામી શનિવારથી બનાસયાત્રા નિકાળવાનું આયોજન કરાયું છે. સૂઇગામ તાલુકાના કટાવધામથી નિકળનારી આ યાત્રાનું દાંતીવાડા તાલુકાના મોટી મહૂડી ગામે સમાપન થશે. જિલ્લામાં અગિયાર દિવસમાં આ યાત્રા એક હજાર ઉપરાંત કિલોમીટર પરિભ્રમણ કરશે.
જિલ્લા ભાજપ પ્રમુખ કેશાજી ચૌહાણે જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીને વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કર્યા છે. જે ઉત્તર ગુજરાત માટે ગૌરવશાળી પ્રસંગ છે. અને જિલ્લામાં ઉત્સુકતા છે. ત્યારે આગામી શનિવાર ૧ માર્ચ-૨૦૧૪ બનાસયાત્રાનો પ્રારંભ થનાર છે. જે ૧૧ માર્ચ૨૦૧૪ સુધી પરિભ્રમણ કરશે અને મોટી મહૂડીના સિદ્ધનાથ મહાદેવ ખાતે તેનું સમાનપ થશે.
યાત્રાના ઇન્ચાર્જ તરીકે ઉદ્યોગ સેલના કન્વીનર કનુભાઇ વ્યાસ, સહ ઇન્ચાર્જ જિલ્લા પંચાયત શિક્ષણસમિતિના ચેરમેન બાબરાભાઇ પટેલ અને પ્રદેશ યુવા મોરચાના કારોબારી સભ્યો દશરથસિંહ સોલંકી જવાબદારી સંભાળશે. યાત્રાજે લઇ હાલ જિલ્લાભરમાં તડામાર તૈયારી ચાલી રહી છે.
- યાત્રામાં દરમિયાન ૬૧ 'નમો ટી સ્ટોલ’ શરૂ થશે
કટાવધામથી ઉત્તર ઝોનના પ્રભારી શંકરભાઇ ચૌધરી પ્રસ્થાન કરાવશે. જે નવ વિધાનસભા ક્ષેત્ર, પંચાવન જિલ્લા પંચાયત સીટ અને છ શહેરોને આવરી લેશે. યાત્રા દરમિયાન ૬૧ જગ્યાએ જાહેર સભા અને 'નમો ટી સ્ટોલ’ બનાવાશે. દરમિયાન જિલ્લા મહિલા મોરચા દ્વારા બહેનોના હાથમાં 'કમળ મહેંદી’ મૂકવાનું આયોજન કરાયું છે. આ યાત્રા અગિયાર દિવસમાં ૧૦૮૭ કિમીનું પરિભ્રમણ કરશે.