સિવિલના ઝાંપા આગળ ટોળાના હોબાળાથી તંગદિલી

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરએમઓને જાતિ વિષે અપમાનિત કરતાં ચાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ પાટણ સિવિલ હોસ્પિટલના આરએમઓની અન્યત્ર બદલી થતાં સીલ કરાયેલી મેડિકલ સ્ટોર્સના સંચાલક સહિતે ઝાંપા પાસે ફટાકડા ફોડતા વાતાવરણ ગરમાયું પાટણ સિવિલ હોસ્પિટલના ઝાંપા આગળ બુધવારે બપોરે દશ જેટલા શખ્સોના ટોળાએ હોબાળો મચાવતાં તેમને સિક્યુરિટી સ્ટાફે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ટોળાને ઉશ્કેરણી કરી આરએમઓને જાતિ વિષયક અપમાનિત શબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી ઉચ્ચારતાં મેડિકલ સ્ટોર્સના સંચાલક સહિત ચાર શખ્સ વિરુદ્ધ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. પાટણ સિવિલ હોસ્પિટલના ઝાંપા નજીક આવેલ એક મેડિકલ સ્ટોરમાં ગેરરીતિ ચાલતી હોવાથી સરકારના હુકમ અન્વયે હોસ્પિટલના આરએમઓ દ્વારા મેડિકલ સ્ટોર્સને થોડા દિવસ પહેલાં સીલ કરાયું હતું. બાદમાં બુધવારે બપોરે ૩-૩૦ વાગ્યાના અરસામાં સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આરએમઓ ડૉ..અમૃતભાઇ પરમાર રાઉન્ડમાં નીકળ્યા હતા, આ સમયે સિવિલના ઝાંપા આગળ બપોરે ૧૦ માણસોનું ટોળુ હોબાળો કરતું હતું. આ ટોળાને હોસ્પિટલમાં આવતાં રોકી સિકયુરિટીના માણસો સમજાવતા હતા, ત્યારે રૂપેશભાઇ મોદી, શૈલેષભાઇ મોદી, વિનોદભાઇ મોદી ટોળાને ઉશ્કેરણી કરતા હતા. જેમાં આરએમઓની અન્યત્ર બદલી થઇ હોઇ ફટાકડાં ફોડી તેમને જાતિ વિષયક અપમાનિત શબ્દો ઉચ્ચારી જાનથી મારી નાંખવાની ધમકી ઉચ્ચારી હતી. અત્રે મેડિકલ સ્ટોર્સને સરકારી રાહે કરાયેલી સીલ પણ શખ્સોએ તોડી નાખ્યું હતું અને જાહેરમાં આરએમઓનું અપમાન કરતાં હોબાળો મચી ગયો હતો. જોકે આ દરમિયાન સિકયુરિટી સ્ટાફની કડકાઇના પગલે શખ્સો નાસી ગયા હતા. જેને પગલે સ્થળ પર એ-ડિવિઝન પોલીસ દોડી આવી હતી. આ અંગે આરએમઓ .અમૃતલાલ શિવરામભાઇ પરમારે પાટણ એ-ડિવિઝન પોલીસ મથકે વિનોદ હસમુખભાઇ મોદી, શૈલેષભાઇ બચુભાઇ મોદી, રૂપેશભાઇ મોદી, ભાવેશભાઇ જેસંગભાઇ મોદી વિરુદ્ધ કલમ ૫૦૪, ૫૦૬(૨), ૨૯૪ (બ), ૪૧૭, એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા તપાસ એલસીબી સેલના ડીવાયએસપીને સોંપાઇ હતી.