• Gujarati News
  • રાત્રે ૧૨ પછી ચાલતા ગરબા બંધ કરાવાતા ધમાલ

રાત્રે ૧૨ પછી ચાલતા ગરબા બંધ કરાવાતા ધમાલ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવરાત્રિના પાવન પર્વમાં માતાજીના ગરબા સાથે મોડે સુધી મોટા સ્પીકરો વગાડી ન્યુશન્સ ફેલાવાતુ હોઈ શહેર પોલીસ કમિશનર દ્વારા તેને અટકાવવા માટે જાહેરનામુ બહાર પડાયું છે. જોકે તેમ છતાં નીયમનો છડેચોક ઉલ્લંઘન થતો હોઈ પોલીસે કડક હાથે કામગીરી હાથધરી છે. કતારગામના ઉદયનગર-૧માં સ્પીકરો બંધ કરાવવા ગયેલી પોલીસ સામે કેટલાક તત્વોએ હૂર્યો બોલાવતા મામલો વણસ્યો હતો. તેમા પોલીસે જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરી બેની અટક કરી હતી.
કતારગામ પોલીસ સુત્રો તથા ઘટના સ્થળેથી પ્રાપ્ત વિગતો મુજબ ઉદયનગર-૧માં શુક્રવારે રાત્રિના ૧૨.૩૦ કલાકે કતારગામ પોલીસ મથકના પીએસઆઈ વાઘેલા મોટેથી વાગતા સ્પીકરો બંધ કરાવવા માટે ગયા હતા. ત્યારે સ્થાનિક લોકોએ હોબાળો મચાવી સ્પીકરો બંધ કરવાથી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. તેથી પીએસઆઈએ વધુ પોલીસ સ્ટાફને બોલાવવાની ફરજ પડી હતી. કેટલાક લોકો અને પોલીસ વચ્ચે ઝીભાજોડી થતા મામલો બિચકાયો હતો. તેમા ભીમજી માવજીભાઈ પટેલ નામનો શખ્સ પિધેલી અવસ્થામાં જણાતા તેની અટક કરી તેની સામે પ્રોહિબિસન અંગેનો ગુનો દાખલ કરાયો હતો. તો સુરેશ સાવલિયા નામના શખ્સ સામે પોલીસ કમિશનરના જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરાયો હતો. આ અંગે કતારગામ પોલીસ મથકના પીએસઆઈ વાઘેલાએ જણાવ્યું હતું કે જાહેરનામાના પાલન કરાવવા ઘણી સોસાયટીઓમાં સુચના અપાઈ હતી તે મુજબ ઉદયનગર-૧ને પણ સુચના અપાઈ હતી. ત્રણ દિવસથી ૧૨ વાગ્યા પછી સ્પીકરો બંધ કરી દેવા અંગેની સુચનાઓ અપાઈ હતી તેમ છતાં મોડે સુધી સ્પીકરો ચાલુ રાખી નિયમનો ભંગ કરાતો હતો તેથી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
પાણીની ભીંત વિસ્તારમાં પણ સ્પીકરો બંધ કરાવાતા લોકોમાં રોષ
અંબાજી રોડ મોટા મંદિર પાસે પાણીની ભીંત વિસ્તારમાં ચાલતા શેરી ગરબામાં મોડે સુધી સ્પીકરો ચાલતા હોઈ પોલીસે બંધ કરાવી દીધા હતા. સ્થાનિક લોકોએ તેથી પોલીસના કડક વલણને લીધે કોર્પોરેટર દપિક આફ્રિકાવાળાને ત્યાં મોરચો લઈ જઈ રજુઆત કરી હોવાનુ દપિક આફ્રિકાવાળાએ એક યાદીમાં જણાવ્યું હતું.
સ્પીકરોના ઘોંઘાટથી પોલીસ કંન્ટ્રલ રૂમમાં સતત ફરિયાદો
રાત્રિના ૧૨ વાગ્યા પછી મોડી રાત્રિ સુધી સ્પીકરો ઉપર ચાલતા ડસ્કિો દાંડિયાને લીધે સ્થાનિક રહીશોને પારાવાર હેરાનગતિ થતી હોઈ છે. કેટલાંક લોકો પરેશાન થઈ ઉઠી ફરિયાદ કરતા હોઈ છે તો કેટલાંક ડરના માયૉ ફોન પોલીસને જાણ કરતા નથી. શહેર પોલીસ કંન્ટ્રોલ રૂમમાં સ્પીકરોના ઘોંઘાટ અંગેના રાત્રિના ૧૨ વાગ્યા પછી ઘણી ફરિયાદો આવી રહી છે. પોલીસ કંન્ટ્રોલ રૂમના સુત્રોના જણાવ્યા મુજબ રોજના ૪૫ કોલ આવા મળી રહ્યાં છે. !