ડીસાના કોર્ટ સંકુલ આગળ જ વકીલ પર અદાવતમાં હુમલો
સગા-સબંધીઓએ અંગત અદાવતમાં મારમારી ઇજા પહોંચાડી : ડીસા બાર એસોસીએશને હુમલાને વખોડયો
ભાસ્કર ન્યૂઝ. ડીસા
ડીસા શહેરના કોર્ટ સંકુલ આગળ જ શુક્રવારે સવારે એક વકીલ ઉપર તેના સગાઓએ અંગત અદાવતમાં હુમલો કરી મારમારી ઇજા પહોંચાડતા ચકચાર મચી જવા પામી હતી. વકીલ પર હુમલાના બનાવો ડીસા બાર એસોસીએશને વખોડી કાઢી નાયબ કલેકટરને આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે.
આ અંગેની વગિત એવી છે કે, ડીસા તાલુકાના નવા ગામે રહેતા અને ડીસા કોર્ટમાં વકીલાતનો વ્યવસાય કરતા મોહનભાઇ કાળુભાઇ પરમાર શુક્રવારે સવારે અગિયારેક વાગ્યાના સુમારે કોર્ટ સંકુલના મુખ્ય દરવાજા આગળ ઉભા હતા ત્યારે શકરાભાઇ મુસાભાઇ પરમાર, વિનોદભાઇ મુસાભાઇ પરમાર અને સુરેશભાઇ મુસાભાઇ પરમાર તેમજ અન્ય એક શખ્સે અચાનક ધોકા અને પાઇપ વડે હુમલો કરી માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી. તેઓને તાત્કાલીક સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાયા હતા.
આ અંગે પોલીસ ઇજાગ્રસ્ત વકીલ મોહનભાઇએ ચારેય શખ્સો સામે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ, ‘આ બનાવમાં ઇજાગ્રસ્ત મોહનભાઇના ભાઇનું દોઢેક વર્ષ અગાઉ મોત થયા બાદ તેમના ભાઇની પત્ની અને સાસરીયા ðારા સંતાનોની માંગણીને લઇ વિવાદ ચાલતો હોઇ તેની અદાવતમાં હુમલો કરાયો છે.’