બપોરે ૭૦ લાખ જપ્ત કર્યા, સાંજે પરત કર્યા
ભાસ્કર ન્યૂઝ. વિજાપુર/મહેસાણા
ચૂંટણી દરમિયાન આચારસંહિતાના ભાગરૂપે નાણાંની હેરાફેરી પર નજર રાખવા માટે કાર્યરત કરાયેલી ફ્લાઇંગ સ્કવોર્ડના હાથે સોમવારે રૂ.૭૦ લાખનો મોટો દલ્લો હાથ લાગ્યો હતો. ખાનગી વાનમાં જરૂરી દસ્તાવેજી પુરાવા વિના બે શખ્સો દ્વારા લઇ જવાતી મોટી રકમ ફ્લાઇંગ સ્કવોર્ડે જ’ કરી હોવાના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં વિજાપુર સહિત જિલ્લાભરમાં મામલો ચર્ચાસ્પદ બન્યો હતો. પંચનામું સહિતની કાર્યવાહી કરી સ્કવોર્ડે આ રકમ ઇન્કમટેકસ વિભાગની ટીમને સુપ્રત કરી હતી. જોકે પાછળથી આ રકમ મહેસાણા અર્બન કો.ઓ. બેંકની હોવાની બેંકના મેનેજર તથા સીએ દ્વારા દસ્તાવેજ રજૂ કરાતાં આઇટી ટીમ દ્વારા મોડી સાંજે આ રકમ પરત કરાઇ હતી.
જિલ્લા કલેકટર દ્વારા નાણાંની હેરાફેરી પર નજર રાખવા માટે જિલ્લાભરમાં સ્ટેટીક સર્વેલન્સ ટીમ બનાવવામાં આવી છે. વિજાપુર-હિઁમતનગર રોડ પર આવેલા દેરોલ પુલ પાસે પણ આવી ટીમ મુકવામાં આવી હતી. જેમાં સોમવારે બપોરે તપાસ અધિકારી હરગોવનભાઇ ટી. પટેલ, જમાદાર પરષોતમભાઇ પ્રજાપતિ, બાબુભાઇ કેમેરામેન જીતેન્દ્રજી સોલંકીની ટીમ વાહન તપાસ કરી રહયા હતા. તે દરમિયાન હિંમતનગર બાજુથી આવી રહેલી મારૂતિવાન (જીજે ૧-એચપી -૪૨૯૬) પસાર થતાં ટીમ દ્વારા વાનને અટકાવી તપાસ હાથ ધરાઇ હતી. જેમાં વાનમાંથી રૂ.૭૦ લાખ રોકડ મળી આવ્યા હતા. જે અંગે વાનમાં હાજર તેના ચાલક રાજેશ કાશીરામ પટેલ અને તેની સાથે આવેલા રમેશભાઇ કાનાભાઇ પટેલ મહેસાણા કો-ઓ.અર્બન બેન્કના કર્મચારી હોવાનું જણાવ્યું હતું અને હિઁમતનગર બ્રાન્ચમાંથી વિજાપુર ખાતે આવેલી અર્બન બેન્કમાં આ રોકડ લઇ જતા હોવાનું જણાવ્યું હતું. જો કે તપાસમાં તેમની પાસે આ રોકડ લઇ જવાનો કોઇ બેન્ક ફોરવડીંગ લેટર કે કયા પ્રકારની નોટોની કેશ ડીટેઇલની પણ માહિતી ન હતી. માત્ર એક સામાન્ય રસીદ હતી. જેમાં બંને બેન્કોની બ્રાન્ચના નામ અને રોકડનો આંકડો હતો. જો કે બંને બેન્કોનું આ નાણાંની વગિત દર્શાવતી કોઇ માહિતી સ્થળ ઉપર મળી ન આવતાં આ ટીમે વિજાપુર મામલતદારને જાણ કરી હતી. જયાં સ્થળ ઉપર મામલતદાર દલપતભાઇ ટાંક અને તેમની ફલાઇંગ સ્કવોર્ડના એચ.પી.જોજ, એસ.પી.પટેલ, આવકવેરા અધિકારી એમ.એ.વોરા, પીએસઆઇ એ.વી.પાલમીયા સહિત પહોંચી ગયા હતા. રકમના આધાર પુરાવા કે આટલી મોટી રકમ હોવા છતાં પણ સાથે સિકયુરિટી ગાર્ડ ન હોવા અને તપાસમાં નાણાં અંગે કોઇ યોગ્ય ખુલાસો ના થતાં આ રકમ જ’ કરી હતી અને આવકવેરા અધિકારી આ રકમ લઇને વિજાપુર પોલીસ સ્ટેશને આવ્યા હતા. આચારસંહિતાના ભંગ અંગેની પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી. જોકે આ દરમિયાન બેંકના મેનેજર અને સીએ જરૂરી દસ્તાવેજી પુરાવા લઇ પોલીસ સ્ટેશન આવી પહોંચતાં છેવટે મોડી સાંજે આ રકમ પરત કરાઇ હતી.