• Gujarati News
  • રોડ પાછળ ૧૬૨ કરોડનું આંધણ થશે

રોડ પાછળ ૧૬૨ કરોડનું આંધણ થશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના જુદા જુદા વિસ્તારમાંથી પસાર થતા મોટા રસ્તાઓને મોડલ રોડ તરીકે ડેવલપ કરવાના પ્રોજેકટના નામે કરોડો રૂપિયાનું આંધણ કર્યા બાદ હવે ફરી ૧૬૨ કરોડના ખર્ચે મોડલ રોડનો બીજો તબક્કો હાથ ધરવાની વિવાદાસ્પદ દરખાસ્તને તપાસના નામે એક વાર બાકી રાખ્યા બાદ રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીએ આજે મંજુર કરી દેતાં શંકાકુશંકા સર્જાઇ રહી છે.
ભાજપની સૂચના મુજબ મ્યુનિ.તંત્ર દ્વારા મોડલ રોડના બીજા તબક્કા માટે છ જેટલી દરખાસ્ત રજુ કરી હતી, તેમાં જે રોડનો સમાવેશ થયો છે તે ત્યારે રિસરફેસ થયો,કયારે ડિવાઇડર કે ફૂટપાથના કામો થયાં હતા અને તે તમામ ગેરંટીમાં છે કે કેમ તેવી બાબતો ચકાસવાના નામે દરખાસ્ત બાકી રાખવામાં આવી હતી. બિનસત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, મોડલ રોડ માટે કોન્ટ્રાકટરો નક્કી થઇ ગયા હોવાથી અને કોન્ટ્રાકટરો ભાજપના નેતાઓને મળી આવ્યા હોવાથી કામો મંજુર કરી દેવાયા છે. હવે ટૂંક સમયમાં નક્કી થયા મુજબ ટેન્ડર બહાર પાડવામાં આવશે અને તેને રિંગ કરી લઇ લેવાનો કારસો ઘડાઇ ચૂકયો છે.
જોકે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન મીનાક્ષીબેન પટેલે મોડલ રોડના પ્રોજેકટનુ વર્ગીકરણ મંગાવ્યું હતું તે મળી ગયું છે અને તેમાં કશું વાંધાનજક નથી તેથી દરખાસ્તને મંજુરી આપી છે તેવો બચાવ કર્યો હતો. મોડલ રોડને બદલે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ધોવાઇ ગયેલા રસ્તાઓ અંગે કોઇ પગલા લેવા માંગો છો કે કેમ? તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, કમિટીમાં કયા વિસ્તારના કયા રોડ ધોવાયા તેનો રિપોર્ટ રજુ કરાયો હતો.

ગત વર્ષનાં કામો જ પૂરા થયાં નથી ત્યાં નવાં કામો
રોડ રિસરફેસના ગત વર્ષના જ કામો પૂરા થયાં નથી તેમ છતાં રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી દ્વારા તેની તપાસ કે જવાબદાર કોન્ટ્રાકટરો સામે પગલા લેવાને બદલે નવા કામોને મંજુરી આપવામાં આવી રહી છે તેનાથી નાણાંકીય ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની શંકા ઉપજી રહી છે તેવો આક્ષેપ વપિક્ષનેતા બદરુદ્દીન શેખે કર્યો હતો.