• Gujarati News
  • પોલીસે કરડાકી ભરી ધાક ઉભી કરવી પડશે

પોલીસે કરડાકી ભરી ધાક ઉભી કરવી પડશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. પાટણ
પાટણ શહેરમાં રોજબરોજ થતી ઘરફોડ અને મંદિર ચોરીના મામલે બુધવારે દિવ્ય ભાસ્કરના ઉપક્રમે યોજાયેલા ટોક-શા‹માં આઇપીએસ અધિકારીઓ જેલમાં ગયાના ખોફની અસર પોલીસ પર પડી હોવાનો સૂર વ્યક્ત થયો હતો. પોલીસે લોકોમાં તેની કરડાકી અને ધાક ઉભી કરવી જોઇએ તેવું સૂચન પણ ભારપૂર્વક કરાયું હતું.જોકે ચોરીની ઘટનાઓ પગલે પોલીસ દ્વારા હાથ ધરાયેલી કામગીરીની નોંધ પણ લેવાઇ હતી.
શહેરના લાયન્સ હોલમાં બુધવારે સવારે યોજાયેલા ટોક-શા‹માં શહેરમાં વિવિધ સંસ્થાઓ, સંગઠનોના પ્રતિનિધિઓ, પ્રબુદ્ધ અગ્રણીઓએ ઉપસ્થિત રહી શહેરવાસીઓમાં ખોફ પેદા કરનારા ચોરીના મુદ્દે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમજ ચોરીઓ અટકાવવા શું કરવું જોઇએ તે અંગે મહત્વના સૂચનો પણ કર્યા હતા. જેમાં પોલીસે તેની કરડાકીભરી છબી લોકોમાં ઉપસાવવા પર ભાર મૂક્યો હતો. શહેરી આમ નાગરિકની ફરજો અને સમાનતા અંગે પણ ચર્ચા કરાઇ હતી. પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી એલસીબી પીઆઇ ડી.ડી.ચૌધરીએ દરેકની રજૂઆતો સાંભળીને અંતે પોલીસનો પક્ષ રજૂ કર્યો હતો. જેમાં તેમણે પોલીસમાં વિશ્વાસ રાખવા જણાવ્યું હતું. આ પ્રસંગે ભાજપના સુરેશ જે. પટેલ, મનોજ પટેલ, કોંગ્રેસના મહેન્દ્ર વકીલ, બ્લડ બેંકના બાબુભાઇ પ્રજાપતિ, લો-કોલેજના પ્રિન્સીપાલ જે.યુ.નાણાવટી, કિર્તીભાઇ અમીન, કિરીટભાઇ પટેલ, યશપાલ સ્વામી તેમજ દિવ્ય ભાસ્કરના ન્યૂઝ એડિટર દેવેન્દ્ર તારકસ હાજર રહ્યા હતા.

પોલીસ ધારે તે કરી શકે છે પણ તે ડરેલી છે
^ પોલીસ ભગવાન નથી, પણ ધારે તે કરી શકે છે. પરંતુ તે ડરી કેમ ગઇ છે તે મહત્વની બાબત છે. પોલીસ થર્ડ ડીગ્રીનો ઉપયોગ કરી શકતી નથી. કેટલાક આઇપીએસ અધિકારી જેલમાં ગયા છે અને બીજા જવાના છે. તેના ખોફની અસર પડી હોય તેવું લાગે છે. શહેરમાં પોલીસે સિનિયર સિટીજન્સની સામેથી ખબર પૂછવી જોઇએ.
કિર્તીભાઇ મહેતા, પ્રાંત મંત્રી - વિહપિ

અમે હથિયાર હેઠાં નથી મૂક્યાં : પોલીસ
^ પોલીસ કંઇ કરતી નથી તેવું પણ નથી. છતાં કાયમી નાકાબંધી સ્ટાફના કારણે શકય નથી. પોલીસ તપાસો અને બંદોબસ્તમાં હોય છે છતાં ઘરફોડ ચોરી માટે અને ચેલેન્જ ઉપાડી છે. લોકોએ ગભરાવાની જરૂર નથી. અમે અમારાં હથિયાર હેઠાં નથી મૂક્યાં. અમારું મોરલ તૂટયું છે પણ પોલીસ પ્રજાનો મિત્ર બની છે અત્રે જે સાંભળવા મળ્યું છે તેનો શકય અમલ કરાશે. એકાકી વૃદ્ધોની કાળજી પોલીસ લેશે.બેન્કો સાથે લોકર્સ અંગે પણ ચર્ચા કરાશે.
ડી.ડી. ચૌધરી, પોલીસ ઇન્સ્પેકટર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પાટણ

ખબરીઓ, પોલીસ પટેલો ફરીથી નીમો
^ પહેલાં ખબરીઓની પ્રથા હતી તે બંધ થઇ ગઇ હોય તો પોલીસે ચાલુ કરવી જોઇએ. પોલીસ પટેલોની પ્રથા પણ અંગ્રેજો અને ગાયકવાડીમાં હતા તેનાથી પોલીસ અને પ્રજા વચ્ચેનો સંપર્ક રહેતો. પોલીસે આગેવાનો, પ્રબુદ્ધોના સંપર્ક રહેવું જોઇએ.
સુરેશભાઇ પટેલ, (પ્રમુખ - પાટણ નાગરિક બેંક)

પોલીસે ચોરી ડિટેકશનમાં ઝડપ લાવવી જોઇએ
^ નાગરિકોની સલામતી, લોકોના જાન-માલની સલામતી સરકારનું પ્રાથમિક કર્તવ્ય હોય છે તેમાં ચૂક થાય તો તે ક્ષમ્ય નથી. ક્યારેક પોલીસના કડવા અનુભવ પણ થતા હોય છે. પોલીસે ચોરી ડિટેકશનમાં ઝડપ લાવવી જોઇએ. પોલીસ સલાહકાર સમિતિમાં રાજકીય માણસો ગોઠવી દેવાતા હોય છે. જેઓ પૂરતું ધ્યાન સલામતી બાબતે આપતા નથી હોતા.
ડા‹.સી.ડી.મોદી, પૂર્વ પ્રિન્સીપાલ, કોમર્સ કોલેજ

સિટી પોઇન્ટ પાસે સીસી કેમેરા મૂકો
^ પાટણમાં બાઇકચોરી સીટી પોઇન્ટમાં વધી છે ૫૦ જેટલા બાઇકો ત્યાંથી ગયાં હશે. ત્યાં સીસીટીવી કેમેરા અને પોલીસ પોઇન્ટ ગોઠવવો જરૂરી છે. મોબાઇલ શોપમાં ચોરી થતી હોય છે ચોર પકડાતા હોય છે પણ તેની ફરિયાદ દાખલ થતી નથી હોતી તે શોચનીય બાબત છે.
હિરેન શાહ, યુવા અગ્રણી

શહેરને ફરતે નેળીયાં પર પોલીસ ગોઠવો
^ ઝવેરી બજારના એસો.ના પ્રમુખે દરેક વેપારીઓને કોઇ વ્યક્તિ સોના-ચાંદીના દાગીનાનું વેચાણ કરવા આવે તો જાણ કરવા સૂચના આપેલી છે. પોલીસે રાત્રે કોઇપણ વ્Ûિકત સોસાયટી વિસ્તારમાં ફરતાં કે આવતો-જતો જોવા મળે તો શહેશરમ વગર તેની તપાસ કરવી જોઇએ બહારથી આવતા કામદારો પર પણ વોચ રાખવી જોઇએ. શહેરમાં પ્રવેશવાના નેળીયાના માર્ગોમાં પોઇન્ટ ગોઠવવા જોઇએ.
મનોજ ઝવેરી, (પ્રમુખ - પાટણ નગરપાલિકા)

પોલીસને પોલિટિકલ પ્રેશર પણ હોય છે
^ ગુનાખોરી ઘટાડવા પ્રજાની જાગૃતિ જરૂરી છે.ે ચોરી ગમે ત્યાં થઇ શકે છે. બધેજ પોલીસ ન પહોંચી શકે. ચેન સ્નેચિંગમાં બહેનોએ માપના દાગીના પહેરવા જોઇએ. પોલીસને પોલિટિકલ પ્રેશર હેઠળ પણ કામ કરવું પડતું હોય છે. ડા‹ગ સ્કવોર્ડ આગળ ચાલતા નથી. સમાજ, કાયદો અને વ્યવસ્થા એક સાથે કામ કરે તે જરૂરી છે.
પ્રો.સ્મીતાબેન વ્યાસ, યુનિવર્સિટી લો ડિપાર્ટમેન્ટ હેડ

ચોર બહારના હોઇ શકે, પણ લોકલ માણસો સંપર્કમાં હશે
^ મોજશોખ માટે પણ ક્રાઇમ કરાતો હોય છે. આરોપીને પોલીસ પકડે છે ત્યારે તે કોર્ટમાં છુટી જતા હોય છે. બહેનોએ પણ સોનાના દાગીના પહેરીને તે બહાર દેખાડવાની જરૂર હોતી નથી. બહેનોએ દાગીના પહેરતી વખતે સાવચેતી પણ રાખવી જોઇએ. શહેરમાં બનતા ચોરીના બનાવોમાં ચોરો બહારના હોઇ શકે પણ તેમના માણસો તો લોકલ ના જ હશે.
જયોત્સનાબેન નાથ, એડવોકેટ

સોનાનો મોહ ઓછો થવો જરૂરી
^ જે રૂમમાં જોખમ પડયું હોય તેમાંજ સૂઇ રહેવું જોઇએ. ચોરો હવે જાગૃત થયા છે ત્યારે આપણે પણ જાગૃત રહવું પડે. સોનાનો મોહ ઓછો થાય તે પણ જરૂરી બન્યું છે.
ડા‹.કાનજીભાઇ પટેલ, શિક્ષણકાર

ગુનેગારોને ખુલ્લા પાડો
^ પોલીસે ગુનેગારોને ખુલ્લા પાડવા જોઇએ. પાટણમાં સંજીવ ભટ્ટ હતા ત્યારે સોંપો પડી જતો હતો પોલીસે તેવી ધાક ઉભી કરવી પડશે. પાટણમાં એક મહિલા હોમગાર્ડ સખ્તાઇપૂર્વક ટ્રાફીક નિયંત્રણ કરી શકતી હોય અને આઇજી દ્વારા તેને ઇનામ અપાતું હોય તો અન્ય પોલીસ તેવું કેમ ન કરી શકે.
સતીષભાઇ ઠક્કર, નગરસેવક

પોલીસ સાથે પર્સનલ સિકયોરિટી ગોઠવી શકાય
^ ગમે તેટલી સિકયોરિટી હોય તો પણ હવે તાળાં સલામત નથી ત્યારે ઇનસાઇટ લોક પણ રાખવા જોઇએ. સીસી ટીવી કેમેરા જોખમી વ્યવસાયવાળાએ તો રાખવા જ જોઇએ. કેમેરા ઉપરાંત સેન્સર સાયરન પણ લગાવવી જોઇએ. શહેરના સોનીવાડા, ઝવેરીબજારમાં પોલીસ સાથે પર્સનલ સિકયોરિટી ગોઠવી શકાય. જૂના મંદિરોના ગભારાની બારીઓ બંધ કરી દેવી જોઇએ.
જયંતભિાઇ પી. શાહ, (ઉપપ્રમુખ - વેપારી મહામંડળ)

પોલીસ ઓછી, કામ વધારે છે
^ હવે ચોર આધુનિક થયા છે ત્યારે પોલીસ થર્ડ ડિગ્રી વાપરી શકતી નથી. કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી રાજ્યની બને છે. પરંતુ પોલીસમાં ૫૦ ટકા જ મહેકમ છે. તેમાં પણ બંદોબસ્ત હોય. પોલીસ ઓછી પરંતુ કામ વધારે છે. સરકારે મહેકમની બાબતે બાંધછોડ ન કરવી જોઇએ.
બાબુભાઇ દેસાઇ, પ્રમુખ - પાટણ જિલ્લા કોંગ્રેસ

બેન્કોમાં લોકર દરેકને મળતાં નથી
^ પોલીસે સખત બનવું જોઇએ અને આપણે પોલીસને મદદરૂપ થવું જોઇએ. આપણે બહાર જઇએ તો પોલીસને જાણ કરવી જોઇએ. જોખમ બેન્કોના લોકરમાં મૂકવું જોઇએ તેવું સૂચન થયું છે તે આવકાર્ય છે પરંતુ બેંકોમાં લોકર પણ દરેકને મળતાં નથી હોતાં. તે અંગે કંઇક થવું જોઇએ.
મહાસુખભાઇ મોદી, વેપારી અગ્રણી