• Gujarati News
  • મટકાના ધંધામાં દાઉદની દરમિયાનગીરી

મટકાના ધંધામાં દાઉદની દરમિયાનગીરી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતમાં રૂપિયાની માયાજાળ જમાવી ચૂકેલા મટકાના ધંધાના તાર અંધારીઆલમના બેતાજ બાદશાહ અને દુનિયાના મોસ્ટ વોટેન્ડ આતંકવાદી દાઉદ ઈબ્રાહીમ સુધી જોડાયેલા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. પાંચેક મહિના પહેલા એક તબક્કો એવો હતો કે ઘનશ્યામ ઢોલિયો, મટકાકિંગ સૂર્યકાંત ખત્રી અને કલ્યાણ ભગત મટકાના કિંગ ગણાતાં વિનુ ભગત માટે માથાનો દુ:ખાવો બની ગયો હતો. તેને પતાવ્યા વગર ગુજરાતના મટકા પર વર્ચસ્વ જમાવવું મુશ્કેલ હતું. તે માટે કચ્છનો વિનુ ભગત અને મુંબઈનો સૂર્યકાંત ખત્રી બંને ઘનશ્યામ ઢોલિયાનો કાંટો કાઢવા કરાંચીમાં દાઉદ ઈબ્રાહીમ અને છોટા શકીલને મળ્યા હતા. જો કે ગુજરાતમાં જઈ ઘનશ્યામની સોપારી ફોડવાની દાઉદ ઈબ્રાહીમે સ્પષ્ટ ના પાડી દીધી હતી. બીજી બાજુ અમદાવાદના મટકાકિંગ ઘનશ્યામ ઢોલિયાને મારવા આવેલા મુંબઈના શાર્પ શૂટર સહિત ચાર આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચે ૨૬ સપ્ટેમ્બર સુધી રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે.
ક્રાઈમ બ્રાન્ચ અને એટીએસના સૂત્રોએ જણાવ્યું હતું કે કલ્યાણના મોટા પુત્ર સુરેશની હત્યા બાદ સુરેશના સાળા કિરણ અને સુરેશની પત્ની જયાએ મટકાના ધંધા પર કબજો કરી લીધો હતો. જેના કારણે નાનો પુત્ર વિનુ ભગત બેકાર થઈ ગયો હતો. આ તબક્કે નાસીપાસ થયેલા વિનુએ કલ્યાણ છોડી ગુજરાતમાં રતનનો મટકો ખોલવાનું નક્કી કર્યું હતું. તે માટે તે રતનના સૂર્યકાંતને મળ્યો હતો. જો કે તે સમયે ઘનશ્યામ ગુજરાતમાં રતનનો સટ્ટો ખોલાતો હતો અને તેને હટાવ્યા વગર ઘનશ્યામ ઢોલિયાને ગુજરાતમાં રતનનું કામ સોંપાય તેમ હતું નહીં. તેથી સૂર્યકાંત અને વિનુ પહેલા દુબઈ ગયા હતા. ત્યાંથી તેઓ કરાંચી આવ્યા હતા અને દાઉદના ભાઈ અનિસ ઈબ્રાહીમ ઉફેઁ લંબૂને મળ્યા હતા. લંબૂ તેમને કરાંચીના
સિવિલ લાઈન્સ વિસ્તારમાં આવેલા દાઉદ ઈબ્રાહીમના બંગલે લઈ ગયો હતો. જયાં દાઉદે છોટા શકીલ સાથે મુલાકાત કરાવી હતી. ત્યાં ત્રણેય વચ્ચે થયેલી અડધા કલાકની મિટિંગમાં સૂર્યકાંત અને વિનુએ મુંબઈના કુખ્યાત ક્રિકેટ બુકી પપ્પુ અને ઘનશ્યામ ઢોલિયાને પતાવવા કહ્યું હતું. પરંતુ દાઉદે તેમને કહ્યુંહતું કે ગુજરાતમાં જઈ તેમના માણસો ઘનશ્યામ ઢોલિયાને ઠાર મારી શકે એમ નથી કારણ
કે જો પકડાઈ જાય તો ઘણા ભેદ ખૂલી જાય અને તેઓ સરળતાથી છૂટી પણ ન શકે.

જબલપુરના ડોને ૩ કરોડની માગણી કરી હતી
દાઉદ ઈબ્રાહીમે ઘનશ્યામની હત્યાની સોપારી લેવાની ના પાડતા વિનુ ભગત અને સૂર્યકાંત મધ્ય પ્રદેશના જબલપુરના રાજકીય છત્રછાયા ધરાવતા એક ડોનને મળ્યા હતા. આ ડોને ઘનશ્યામને ઠાર મારવા માટે રૂ. ત્રણ કરોડની માંગણી કરી હતી. જેમાં એક કરોડ એડવાન્સ અને બે કરોડ કામ પત્યા પછી આપવાના હતા. પરંતુ તે ડીલ ન થઈ શકી ન હતી. આ દરમિયાન ઘનશ્યામને તેની હત્યાનું કાવતરું રચાઈ રહ્યું છે તેવી જાણ થતાં તે ગભરાયો હતો અને સૂર્યકાંત સાથે સમાધાન કરી લીધું હતું. જેના કારણે વિનુએ, મૂળ ભરૂચના વતની અને ઈંગ્લેન્ડના નાગરિક બશીર ઉફેઁ મામાને દસ લાખમાં સોપારી આપી હતી.
મુંબઈના ૨ અને ગુજરાતના ૧ રાજકારણીનું પીઠબળ
દેશભરમાં ચાલી રહેલા મટકાના ધંધામાં ગુજરાત પોલીસની તપાસમાં મુંબઈના બે રાજકારણી અને ગુજરાતના એક રાજકારણીનું નામ પ્રકાશમાં આવ્યું છે. આ ત્રણે રાજકારણીઓ એટલા મજબૂત છે કે તેમના ઈશારા વગર બંને રાજ્યોની પોલીસ એક ડગ પણ માંડતી નથી.
સ્કોર્પિઓની તલાશ
ઘનશ્યામ ઢોલિયાની હત્યાના કાવતરામાં વપરાયેલી સ્કોર્પિઓ કારની પોલીસને તલાશ છે. તદુપરાંત બશીર ઉફેઁ મામા, સુખવિન્દરસિંઘ અને રામવીર પંડિત ઉપરાંત એક અન્ય શૂટરની પણ પોલીસને તલાશ છે.

ક્રિકેટના સટ્ટામાં ઝંપલાવવા પપ્પુ બુકીને પતાવવાનું કાવતરું
કરાચીમાં દાઉદ ઈબ્રાહીમ સાથેની મિટિંગમાં સૂર્યકાંત અને વિનુએ ઘનશ્યામની સાથે મુંબઈના કુખ્યાત બુકી પપ્પુની હત્યા માટે પણ સોપારી આપવાની તૈયારી બતાવી હતી. તેઓ ક્રિકેટના સટ્ટામાં ઝંપલાવવા માંગતા હતા. પરંતુ પપ્પુ બુકી મુંબઈની જેલોમાં બંધ દાઉદના માણસોની ખાતીરદારી કરતો હોવાથી તેની પણ સોપારી લેવાની ના પાડી દેવાઈ હતી.