• Gujarati News
  • ઉ. ગુજરાતના લઘુ ઉદ્યોગકારોની આજે મહેસાણામાં મહારેલી

ઉ. ગુજરાતના લઘુ ઉદ્યોગકારોની આજે મહેસાણામાં મહારેલી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
જીઆઇડીસી દ્વારા લઘુ ઉદ્યોગકારોને અન્યાય કરવાની અખત્યાર કરવામાં આવતી નીતિની સામે ઉત્તર ગુજરાતના ઉદ્યોગકારો લડાયક બન્યા છે. સીઆઇપી યોજના અંતર્ગત બે વર્ષ અગાઉ કરાયેલા કામોની બાકી લ્હેણાની રકમ ઉપરાંત અસહ્ય પેલન્ટી અને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના વિરોધમાં ઉદ્યોગકારો સોમવારે પોતાના એકમો બંધ રાખી વિરોધ પ્રદિર્શત કરશે. સાથે મહારેલી યોજી કલેકટરને આવેદન પણ આપશે.
ઉત્તર ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એસો.ના સેક્રેટરી મંગળભાઇ પટેલે જણાવ્યું હતું કે, મોટી કંપનીઓને ધંધો કરવા માટે લાડવો અને લઘુ ઉદ્યોગોને તાળાં મારવાની નીતિ નાના ઉદ્યોગકારો માટે ખતરારૂપ છે. સીઆઇપી સ્કીમમાં બે વર્ષ અગાઉ નગિમે રસ્તા, સ્ટ્રીટલાઇટ તથા વરસાદી પાણીના નિકાલ માટે વિકાસ કામો કરાયા હતા. કોન્ટ્રાકટરે કરેલા એ કામોના અમારી શરત મુજબ હિસાબ આપ્યા નથી.
એના બિલ ઉદ્યોગકારોને અપાયા નથી ત્યારે આજે એકાએક પેનલ્ટી, વ્યાજ સાથે પઠાણી ઉઘરાણી કરવામાં આવતાં ઉદ્યોગકારોની હાલત કફોડી બની છે. જેનો વિરોધ કરવા માટે સોમવારે રેલી કાઢી કલેકટર સહિતને આવેદન પત્ર આપવામાં આવશે. આ મહારેલીમાં મહેસાણા સહિત ઉત્તર ગુજરાતની વિવિધ ૨૨ જીઆઇડીસીના ઉદ્યોગકારો જોડાશે. જો આ બાદ પણ યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર કાર્યક્રમો આપવામાં આવશે.