• Gujarati News
  • અપૂરતી એસટી સેવાથી કંટાળેલા છાત્રોએ ભાટસણ પાસે બસો રોકી

અપૂરતી એસટી સેવાથી કંટાળેલા છાત્રોએ ભાટસણ પાસે બસો રોકી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ડીસા
ડીસા-પાટણ હાઇવે પર એસ.ટી. બસોની અપૂરતી અને અનિયમિત સેવાના કારણે મુશ્કેલી અનુભવતા વિદ્યાર્થીઓએ ભાટસણ પાસેે એસ.ટી.બસો અટકાવી ચક્કાજામ કરી વિરોધ દર્શાવતા એસ.ટી.અધિકારીઓએ દોડી જઇ બે બસો વધુ મુકવાની ખાત્રી આપતાં બસ વ્યવહાર પુન: શરૂ થયો હતો.
ડીસા-પાટણ રૂટમાં આસેડા, નવા, ભાટસણ, કોઇટા, જંગરાલ, વદાણી, વાગદોડ સહિતના ૩૦થી વધુ ગામોના સવારે અપડાઉન કરવાવાળા લગભગ ૫૦૦ વિદ્યાર્થીઓ છે તેની સામે બસોની સગવડ ખુબ ઓછી છે. તેથી આ બાબતે ડીસા-પાટણ અને મહેસાણા ડેપો મેનેજરોને અરજીઓ કરવા છતાં બસની સગવડ મળી ન હતી.
આથી તમામ વિદ્યાર્થીઓ શનિવારે એસ.ટી.બસો ભાટસણ પાસે અટકાવી ચક્કાજામ કર્યો હતો. વિદ્યાર્થીઓએ બસો અટકાવી દેતા મુસાફરો રઝળી પડ્યા હતા. વિદ્યાર્થીઓએ બસ અટકાવી દેતા ડીસા ડેપો મેનેજર એ.એલ.પ્રજાપતિ સહિત અધિકારીઓ દોડી આવ્યા હતા અને તા. ૧ ઓકટોબરથી વધુ બે બસો મુકવાની ખાત્રી આપી હતી.
રજુઆતો છતાં પરિણામ શૂન્ય: વિદ્યાર્થી
એક વર્ષ પહેલા પાટણ ડેપો મેનેજરને બે થી ત્રણવાર કમ્પલેન અરજી આપી હતી. પણ તેનું કોઇ નિરાકરણ થયું નથી. ભાટસણ આજુબાજુના ગામોના દિવસના ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ રોજ પાટણ ભણવા માટે જાય છે. તેમને બસો ન મળતી હોવાથી તે પાસ હોવા છતાં તે ભાડા ખર્ચીને પ્રાઇવેટ ગાડીમાં જીવના જોખમે મુસાફરી કરે છે એમ વિદ્યાર્થી કુરકાનભાઇ મુમનએ જણાવ્યું હતું.
સરકારી ઉત્સવોમાં બસો નિયમિત ફાળવાય છે: અગ્રણી
સરકારી ઉત્સવોમાં બસો નિયમિત ફાળવાય છે. જ્યારે વિદ્યાર્થીઓને બસો માટે હાલાકી વેઠવી પડે છે. જેથી વધુ બસો ફાળવવી જોઇએ એમ ભાટસણના અગ્રણી વસંતજી ઠાકોરે જણાવ્યું હતું.