• Gujarati News
  • સામાજિક વિજ્ઞાનના શિક્ષકોની ભરતી ન કરાતાં આક્રોશ

સામાજિક વિજ્ઞાનના શિક્ષકોની ભરતી ન કરાતાં આક્રોશ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષકોની ૧૮ હજાર જેટલી જગ્યા ખાલી હોવા છતાં ભરતી ન કરાતાં ટેટની પરીક્ષા પાસ ઉમેદવારોમાં ભારે રોષ ફેલાયો છે. સરકારે ભરતી માટે મંજૂરી આપી દીધી હોવા છતાં હજુ સુધી ભરતી માટેની જાહેરાત ન કરાતાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આગામી દિવસોમાં ચૂંટણીનું જાહેરનામું બહાર પડ્યા બાદ છ માસ સુધી ભરતીની પ્રક્રિયા નહીં થાય તેમ હોઈ વહેલી તકે ભરતી કરાય તેવી માગણી ઊઠી છે.
શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની ભરતી માટે ટેટની પરીક્ષા લેવામાં આવે છે. ૨૦૧૦-૧૧માં ગણિત, વિજ્ઞાન અને ભાષામાં ટેટની પરીક્ષાના આધારે ૨૩ હજાર શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી. જોકે તે વખતે સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષકોની ભરતી થઈ ન હતી. કોર્ટના આદેશ બાદ સામાજિક વિજ્ઞાનના શિક્ષકો માટે ૨૮-૮-૨૦૧૧ના રોજ ટેટની પરીક્ષા લેવામાં આવી હતી. જોકે આ પરીક્ષા બાદ પણ સરકારે ભરતી કરી ન હોઈ ઉમેદવારોમાં રોષ ફેલાયો હતો.
જોકે ત્યાર બાદ ફરીથી સામાજિક વિજ્ઞાનના શિક્ષકો માટે ૭-૭-૨૦૧૨ના રોજ પરીક્ષા લેવામાં આવી હતી. પરંતુ ત્યાર પછી પણ સ્થિતિ ઠેરની ઠેર રહેવા પામી હતી. આમ અગાઉની ૧૧,૫૦૦ જગ્યા અને હાલમાં ૬,૫૦૦
જગ્યા મળી કુલ ૧૮,૦૦૦ જગ્યાઓ સમાજિક વિજ્ઞાનની ખાલી હોવા છતાં ભરતી કરવામાં આવી ન હોઈ વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
રાજ્યમાં ચૂંટણીની મોસમ નજીક આવી રહી છે, ત્યારે જો સરકાર દ્વારા વહેલી તકે સામાજિક વિજ્ઞાનના
શિક્ષકોની ભરતી નહીં કરે તો જાહેરનામા બાદ છ માસ સુધી ભરતી શકય નહીં બને. આ સંજોગોમાં ખાલી જગ્યાના પગલે વિદ્યાર્થીઓના શિક્ષણ પર ગંભીર અસર પડશે. ઉપરાંત સામાજિક વિજ્ઞાનની પરીક્ષા પાસ કરીને બેઠેલા ઉમેદવારોને પણ બેસી રહેવાનો વારો આવશે.