• Gujarati News
  • મ્યુનિ.માં એક બિલ ઉપર ૬ વાર ભાવતફાવત ચૂકવાયો

મ્યુનિ.માં એક બિલ ઉપર ૬ વાર ભાવતફાવત ચૂકવાયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
હળવા-ભારે વરસાદમાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં રોડ રસ્તા ધોવાઇ ગયેલા જોવા મળે છે તેની પાછળ રોડ રિસરફેસના નામે ઇજનેર ખાતા દ્વારા આચરવામાં આવતાં કૌભાંડ જવાબદાર હોવાનુ પુરવાર કરે તેવો િકસ્સો નવા પશ્ચિમ ઝોનમાં બની ગયો હોવાનું જણાવામાં આવ્યું છે. જેમાં એક જ બિલ ઉપર છ વાર ડામરનો ભાવતફાવત ચૂકવી દેવાયાના વાંધાનો આજદિન સુધી સંતોષકારક જવાબ મળ્યો નથી અને જવાબદાર અધિકારીઓ સામે કોઇ જ પગલાં લેવાયાં નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, નવા પશ્ચિમ ઝોનમાં ઘાટલોડિયા વોર્ડમાં જુદા જુદા વિસ્તારોમાં ટીપી રસ્તા ઉપર હેવી પેચવર્ક પેવરથી કરવા માટે ઇજનેર ખાતા દ્વારા ટેન્ડરથી મોટા કોન્ટ્રાકટરને કામ આપવામાં આવ્યું હતું. જેમાં ઘાટલોડિયા વિસ્તારનાં છ વિસ્તારમાં રોડ રિસરફેસના ટેન્ડરમાં ભાવતફાવત ચૂકવવાની જોગવાઇનો ભરપૂર ઉપયોગ કરવા જતાં ઇજનેર ખાતાએ તથા કોન્ટ્રાકટરે મોટી ગેરરીતિ આચરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, એક વિસ્તારમાં રોડ રિસરફેસ માટે એસ્સાર કંપનીના ઇનવોઇસ નંબર ૧૬૮૨૩૨થી ૧૯.૫૦૦ મેિટ્રક ટન ડામર મંગાવવામાં આવ્યો હતો. પરંતુ પાંચ વિસ્તારમાં આ એક જ બિલ મૂકવામાં આવ્યું હતું અને ભાવતફાવત માટે ડામરનો જે જથ્થો દર્શાવાયો તે તો ૪૫ ટન જેટલો થવા જાય છે.
નવા પશ્ચિમ ઝોનના જ ઇજનેર ખાતાના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘાટલોડિયા વિસ્તારમાં રોડ રિસરફેસની કામગીરીમાં રીતસરની ગેરરીતિ આચરવામાં આવી હોવાનું ઓડિટ ખાતાએ પકડી પાડયું હતું અને પાંચ વિસ્તારમાં રિસરફેસના નામે ખોટી રીતે જથ્થો દર્શાવી પાંચ લાખ જેટલી જંગી રકમ કોન્ટ્રાકટરને ચૂકવી દેવાઇ હોવાનો વાંધો ઉપસ્થિત કરી તેની વ્યાજ સાથે રિકવરી કરવાની ભલામણ કરી હતી. પરંતુ ઇજનેર ખાતાના જવાબદાર અધિકારીએ ગોળગોળ જવાબ આપતાં ઓડિટ ખાતાએ જવાબ સંતોષકારક નથી તેવી ટપિ્પણ સાથે કમિશનર તરફ મોકલી આપ્યો હતો. પરંતુ આજદિન સુધી તેના ઉપર કોઇ કાર્યવાહી થઇ જ નથી.
તેવી જ રીતે અન્ય એક કિસ્સામાં ઘાટલોડિયા વિસ્તારમાં જ નાના રોડ રિસરફેસ કરવા કુલ ૪૪.૩૮૦ મે.ટન ડામર આવ્યો હોવા છતાં ઇજનેર ખાતાએ ૧૦૩ ટનના હિસાબે કોન્ટ્રાકટરને ૧૩.૧૯ લાખ ચૂકવી દીધા છે. તે જોતાં રૂ૭.૫૪ લાખ વ્યાજ સાથે રિકવર કરવાની ભલામણ કરવામાં આવી છે તેવી માહિતી આપતાં સૂત્રોએ ક«યું કે, મ્યુનિ.ના નવા પશ્ચિમ ઝોનમાં તો રસ્તા, પાણી, ગટર સહિતના અનેક કામોમાં કવોટેશન અને ટેન્ડર પ્રોસજિરમાં જાતજાતની ગેરરીતિ પકડાઇ છે છતાં આજદિન
સુધી એક પણ અધિકારીને સસ્પેન્ડ કે રિમૂવ કરવા જેવા કડક પગલા લેવાયા નથી.

મ્યુનિ. ભાજપના હોદ્દેદારો જ અધિકારીઓને છાવરે છે અને તેમની મનમાની ચાલવા દે છે
મ્યુનિ.માં ઇજનેર અને એસ્ટેટ-ટીડીઓ ખાતાના કેટલાક અધિકારીઓ પંકાયેલા છે અને તેમની ગેરરીતિ આંખે ઊડીને વળગે તેવી હોવા છતાં તેમની સામે કોઈ પણ પ્રકારના પગલાં લેવાતાં નથી તેનું કારણ આપતાં ભાજપના જ કોર્પોરેટરોએ જણાવ્યું હતું કે, અમારા હોદ્દેદારો જ અધિકારીઓને છાવરે છે અને જો કોઇ કોર્પોરેટર કે ચેરમેન જે તે ખાતાના અધિકારીને ભીંસમાં લેવાનો પ્રયાસ કરે તો તેને બોલાવી માપમાં રહેવાની ચીમકી આપી દેવાય છે. તેના કારણે પ્રમાણિક કોર્પોરેટર કે ચેરમેન હતાશ થઇ ચૂપ થઇ જાય છે અને અધિકારીઓની મનમાની ચાલવા દે છે.

ક્યાં કેવી રીતે ગેરરીતિ આચરવામાં આવી
બિલ નંબર ડામરનો જથ્થો ભાવ તફાવતનાં
નાણાં ચૂકવાયા
૧૬૮૨૩૨ ૭.૭૯૫ ટન ૯૫,૪૫૬
૧૬૮૨૩૨ ૮.૯૩૫ ટન ૧.૦૯ લાખ
૧૬૮૨૩૨ ૯.૧૮૫ ટન ૧.૧૨ લાખ
૧૬૮૨૩૨ ૯.૪૫૬ ટન ૧.૧૫ લાખ
૧૬૮૨૩૨ ૯.૩૦૪ ટન ૧.૧૩ લાખ
૧૬૮૨૩૨ ૩.૬૦૩ ટન ૪૪,૧૨૨
( આ જ બિલ નંબરથી આવેલો ડામર ઓગણજ વિસ્તારમાં વપરાયો હોવાનું દર્શાવી પેમેન્ટ કરી દેવાયું છે)

યોગ્ય કાર્યવાહી કરાશે
^ નવા પશ્ચિમ ઝોનના ઇજનેર ખાતામાં રોડ રિસરફેસના કામોમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના ઓડિટ રિપોર્ટ અંગે તપાસ કરાવી સબંધિત અધિકારી પાસે જવાબ માંગવામાં આવશે અને ત્યારબાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ^
ભૂપેન્દ્રભાઇ પટેલ, સ્ટે.કમિટી ચેરમેન.