• Gujarati News
  • મોડાસાના કમરતોડ માર્ગોથી પ્રજામાં રોષ

મોડાસાના કમરતોડ માર્ગોથી પ્રજામાં રોષ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.મોડાસા
મોડાસા શહેરમાં પ્રવેશતા માલપુર અને મેઘરજ રોડ સહિતના માર્ગો ચિંથરેહાલ થઈ જતા લોકો તોબાહ પોકારી ઉઠ્યા છે. ચોમાસા દરમિયાન માર્ગો પર ઠેર ઠેર ખાડા પડી જતાં માર્ગોનું નવીનીકરણ હાથ ધરાય તેવી લોકોમાં ઉગ્ર માંગ ઉઠી છે.તેમજ શહેરમાં કેટલાક સીસી રોડ તુટી જવાથી લોકોમાં રોષ ભભૂકયો છે.
મોડાસા શહેરમાં નગરપાલિકા દ્વારા ૨૧ કિમી લાંબા સીસી રોડ બનાવવામાં આવ્યા છે. જ્યારે ચાર કિમીથી વધુ ડામર રોડ બનાવાયો છે. ચોમાસા દરમિયાન આ માર્ગો પર પાણી ભરાતા ઠેર ઠેર ખાડા પડી ગયા છે. ચાર રસ્તાથી સુકા બજાર, ડપિ વિસ્તાર, કસ્બા વિસ્તાર, રામપાર્ક સોસાયટી તરફ જતો રસ્તો, વિધ્યાકુંજ સોસાયટીનો માર્ગ સહિતના અનેક રોડ મગરની પીઠ સમાન બન્યા છે.
બીજી બાજુ માર્ગ અને મકાન વિભાગમાં આવતા શહેરના ચાર રસ્તાથી બાયપાસ સુધીનો મેઘરજ અને માલપુર રોડ ઠેર ઠેર તુટી જતાં હાલત કફોડી બની ગઈ છે. મેઘરજ રોડ પર મસમોટા ખાડાના કારણે નાના વાહનો પસાર થઈ શકે તેવી પરિસ્થિતિ રહી નથી. લાખો રૂપિયા ખર્ચી બનાવેલા આ માર્ગો ચોમાસા દરમિયાન ચિંથરેહાલ બની જતાં ભ્રષ્ટાચારની બૂ આવી રહી છે. કેટલીક જગ્યાએ ગાબડાં પુરી જવાબદાર તંત્ર પ્રજાને રોષ સામે સંતોષ માની રહીછે. મેઘરજ રોડ આ માર્ગો પર ધુળની ડમરીઓ ઉડતાં લોકો તોબાહ પોકારી ઉઠ્યા છે.

સીધી વાત શૈલેષભાઇ ભોઈ
(પ્રમુખ નગરપાલિકા મોડાસા )

@શહેરમાં ઠેર ઠેર માર્ગો તુટી ગયા છે તેનું કારણ શું ?
- ચોમાસા દરમિયાન માર્ગો તુટી જાય છે. અંદાજે સવા કરોડના ખર્ચે આવા માર્ગો બનાવાશે..
@તુટી ગયેલા માર્ગોનું કયારે સમારકામ થશે ?
- હાલ જે વિસ્તારમાં માર્ગો તુટી ગયા છે તે તમામ મંજુર કરી દેવાયા છે. ચોમાસુ પૂર્ણ થતાં જ તેની કામગીરી શરૂ કરી દેવામાં આવશે.

ખાડા પુરવામાં વેઠ ઉતારાય છે
^ ચોમાસામાં તુટી જતા માર્ગોના ખાડા પુરવામાં આવે છે પરંતુ તેમાં વેઠ ઉતારાય છે. માર્ગ બનાવવામાં ગેરરીતિ કરાતી હોવાથી રસ્તાઓ વધુ ટકતા નથી. ^
દિનેશભાઇ મણીભાઇ પટેલ , વેપારી

શહેરનો મેઘરજ રોડ સંપૂર્ણ બદતર હાલતમાં
^ સતત લોકોની અવર જવરથી ધમધમતો શહેરનો મેઘરજ રોડ સંપૂર્ણ તુટી ગયો છેે. ચોમાસા પહેલાં પણ આ માર્ગ પર ઠેર ઠેર ખાડા હતા.હાલમાં માર્ગ ઉપર ડામરના ઠેકાણા નથી રહ્યા. ^
વિમલભાઈ જશુભાઇ પટેલ, રહીશ

ધુળ ઉડવાથી શ્ર્વાસ લેવામાં તકલીફ પડે છે
^ મેઘરજ રોડ ઉપર આવેલી દુકાનોમાં ધુળ ઉડીને આવતી હોય વેપારીઓ પરેશાન થઈ ગયા છે.ધુળ ઉડવાથી શ્ર્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. જેથી મોં બાંધીને બેસી રહેવું પડે . ^
નારણભાઇ ખીમજીભાઇ પટેલ, વેપારી

ભંગાર રસ્તાથી હાડકાના દુ:ખાવા થઈ ગયા
^ માર્ગ પર ઠેર ઠેર ગાબડા પડી જતાં વાહનચાલકોના હાડકાના દર્દ શરૂ થઈ ગયા છે. આવા ભંગાર રસ્તાઓને કારણે વાહનોને પણ નુકશાન થાય છે. ^
રાકેશભાઇ મહેતા, રહીશ

શહેરના માર્ગો બનાવવામાં વેઠ ઉતારી છે
^ મોડાસા શહેરમાં સોસાયટી વિસ્તારોમાં બનાવાતા માર્ગોમાં ગેરરિતી આચરવામાં આવે છે. કેટલાક માર્ગો બનતા સાથે તુટી ગયા છે. ચોમાસામાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોય માર્ગો તુટી જતાં કરોડો રૂપિયા પાણીમાં જાય છે. ^
ઈમ્તીયાઝભાઇ બુલા , વિરોધપક્ષના નેતા, મોડાસા નગરપાલિકા