• Gujarati News
  • અનામત સીટ ન જોઇએ તેવી માનસિકતાને પારખો

અનામત સીટ ન જોઇએ તેવી માનસિકતાને પારખો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. પાટણ
પાટણ ખાતે શનિવારે કોંગ્રેસ અનુસૂચિત જાતિ આયોજિત દલિત હિત રક્ષક સંમેલનમાં પ્રદેશ કોંગ્રેસ કેમ્પેઇન સમિતિના ચેરમેન શંકરસિંહ વાઘેલાએ દલિત સમાજને સામાજિક પરિવર્તન માટે નવી પેઢીને શિક્ષણમાં જોડીને ભણાવો એજ મૂડી કામ આવવાની છે તેવી સલાહ આપતાં કહ્યું હતું કે, જે પક્ષોના આગેવાનોને તમારા પ્રત્યે લાગણી ન હોય તેવા પક્ષોને ઓળખી લો. તેમણે રાજકીય ઇશારો કર્યો હતો કે અનામત સીટ પણ ન જોઇએ તેવી તેવી માનસિકતાવાળાઓને ઓળખી લેવા જણાવ્યું હતું.
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યુ હતું કે, પક્ષોના આગેવાનોને તમારા પ્રત્યે લાગણી ન હોય તો અનામત હોય તો શું અને ન હોય તો શું. તમારા ધ્યાનમાં એ રાખવાનું છેકે કયા પક્ષને અમારા પ્રત્યે લાગણી છે. તેમણે રાજકીય ઇશારો કરતા કહ્યું હતું કે, ભાજપ કે સરકારમાં ગયા હોય તેમને પાછા બોલાવો અને સમાજનો લાભ શેમાં છે તે જુઓ. અનામત સીટ પણ ન જોઇએ તેવી તેમની માનસિકતા છે. જેને આપણે નથી ગમતા તેને આપણે પણ ગમાડી શકાય નહીં. જ્યારે રાજ્યસભાના સાંસદ પ્રવીણ રાષ્ટ્રપાલે સંમેલનમાં પાટણ શહેરના દલિત સમાજના મહોલ્લાઓ માટે રૂ. ૨૦ લાખ અને પાટણ તાલુકાના ગામડાઓ માટે રૂ. ૧૦ લાખની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી.
પાટણના સાંસદ જગદીશ ઠાકોરે ભાજપ સામે આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે, બંધારણને દરીયામાં ફેંકવા વાળા એક લીટી ઓછી કરશે તો ખેર નથી. તેમણે બંધ બેસતી પાઘડી ન લેવાની જાણ કરતાં કહ્યું હતું કે, ગાંધીનગરમાં બેઠેલો દામોદરભાઇ મોદીનો છોકરો કારીગર છે. ર૦૧૨માં ગુરુ તરીકે ચેલાનો ખેલ પાડવા બાપુને સૂચન કર્યું હતું. સંમેલનમાં અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટના ચેરમેન ઇશ્ર્વરભાઇ મકવાણા, ધારાસભ્ય જોધાજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત, માલજીભાઇ દેસાઇ, દિનેશ ઠાકોર, બાબુભાઇ દેસાઇ, કાનજીભાઇ દેસાઇ, કાન્તીભાઇ પટેલ, લાલેશ ઠક્કર, દપિક અમીન, લવિંગજી ઠાકોર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.