• Gujarati News
  • કમિશનરને એક ફોન કરતાં જ ગુમ કિશોર મળી ગયો

કમિશનરને એક ફોન કરતાં જ ગુમ કિશોર મળી ગયો

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પિતાએ બળજબરીથી પરત વતન લઈ જવાની વાત કરતા ૧૪ વર્ષનો કિશોર ઘર છોડી ગયો હતો. જે મામલે પાંડેસરા પોલીસે ગુમ થયાની નોંધ કરી તપાસ શરૂ કરી હતી. ૨૦ દિવસ સુધી કોઈ નિવેડો નહીં આવતાં પાડોશીએ પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાને ફોન કરી માહિતી આપી તો ગણતરીના કલાકમાં જ ગુમ થયેલા કિશોરને પીસીબીએ શોધી કાઢ્યો હતો.
૧૪ વર્ષીય વજિય ઉર્ફે ગોલુસિંહ ચૌહાણે બે વર્ષ પહેલા જ અભ્યાસ છોડી દીધો હતો. તેના પિતા ઇચ્છતા હતા કે આપણે પરત વતન બહિાર જતા રહીએ. પરંતુ ગોલુને સુરતમાં જ રહેવું હતું. તા. ૦૯-૦૬-૧૨ના રોજ જ્યારે પિતાએ વતન જવાની તૈયારી કરી ત્યારે જ ગોલું ઘર છોડી ગયો હતો. તેના પિતા તો વતન જતા રહ્યા પણ પડોશમાં રહેતા રમાશંકર ભારતીએ ગોલુની શોધખોળ શરૂ કરી હતી. આ બાબતે પાંડેસરા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી પરંતુ પાંડેસરા પોલીસે માત્ર નોંધ કરી નામ માત્રની તપાસ કરી હતી. દરમિયાન રમાશંકર ભારતીએ પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાનો નંબર મેળવ્યો હતો. તેણે કમિશનરને ફોન કરીને ગોલુની ગુમ થયાની જાણ કરતાં તેને કમિશનર કચેરીએ બોલાવવામાં આવ્યો હતો. જયાં કમિશનરની સૂચનાથી પીસીબી પી.આઈ. એમ. એસ. શેખે મોબાઇલના આધારે તપાસ શરૂ કરી હતી. જેમાં ખબર પડી કે ગોલુ મોબાઇલ ઘરે મૂકી ગયો હતો પરંતુ તે સીમકાર્ડ લઈ ગયો હતો.
ગોલુએ આ સીમકાર્ડ મિત્રના મોબાઇલમાં નાખ્યો હતો અને તે સ્ટેશન વિસ્તારમાં જાણવા મળતાં પોલીસ સ્ટેશન નજીક પહોંચી હતી. જયાં બસ સ્ટેન્ડ પાસે ગોલુ મળી આવ્યો હતો. પોલીસે ગોલુની પૂછપરછ કરતાં તેણે કહ્યું હતું કે, મારે વતન જવું ન હતું. એટલે હું ઘર છોડી ભાગી ગયો હતો. ૨૦ દિવસ દરમિયાન આ કિશોરે સ્ટેશન નજીકની એક હોટલમાં વાસણ સાફ કરી પેટ ભર્યું હતું.