- પરાજયના દ્વારે પહોંચ્યા બાદ જોકોવિચ વિજયી બન્યો
- શારાપોવાનો સંઘર્ષપૂર્ણ વિજય, પેસ-હિંગીસ ક્વાર્ટર ફાઇનલમાં
લંડન: વિશ્વના પ્રથમ ક્રમાંકિત તથા વર્તમાન ચેમ્પિયન સર્બિયાના નોવાક જોકોવિચે વિમ્બલડન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટની મેન્સ સિંગલ્સની મેરાથોન મેચમાં સાઉથ આફ્રિકાના કેવિન એન્ડરસનને 6-7 (6-8), 6-7 (6-8), 6-1, 6-1, 7-5થી હરાવીને સતત 25મી વખત ગ્રાન્ડસ્લેમની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. એક સમયે જોકોવિચને પરાજયના દ્વારે પહોંચાડનાર આ મુકાબલો બે દિવસના ગાળામાં ત્રણ કલાક 48 મિનિટ સુધી રમાયો હતો. સોમવારે ઝાંખા પ્રકાશના કારણે મુકાબલો સ્થગિત કરવામાં આવ્યો તે સમયે જોકોવિચે પ્રથમ બે સેટ ગુમાવી દીધા હતા. ત્યારબાદ તેણે ચેમ્પિયનને છાજે તેવી રમત દાખવીને ત્રીજો અને ચોથો સેટ આસાનીથી જીતી લીધા હતા.
મંગળવારે છેલ્લો અને નિર્ણાયક સેટ રમાયો હતો પરંતુ વરસાદના કારણે આ મેચ લગભગ દોઢ કલાક મોડી શરૂ થઇ હતી. મેચનો છેલ્લો પોઇન્ટ રમાયો ત્યારે કુલ 16 કલાક અને 33 મિનિટ થયા હતા. જોકોવિચનો આગામી મુકાબલો મારિન સિલિચ સામે થશે જે બંને વચ્ચેના તમામ 12 મુકાબલા હાર્યો છે. નિર્ણાયક સેટ પર દિલધડક રહ્યો હતો અને એન્ડરસને બેકહેન્ડ વોલી તથા ઝંઝાવાતી સવિર્સ દ્વારા જોકોવિચને બોલને પરત કરવાની સહેજ પણ તક આપી નહોતી. ચોથી ગેમમાં 2-2ના સ્કોરે જોકોવિચે બે બ્રેક પોઇન્ટ હાંસલ કર્યા હતા.
શારાપોવા સેમિફાઇનલમાં : રશિયાની મારિયા શારાપોવાએ બે કલાક 46 મિનિટ સુધી ઝઝૂમ્યા બાદ અમેરિકાની કોકો વેન્ડેવેઘેને 6-3, 6-7 (3-7), 6-2થી તથા સ્પેનની ગાર્બિન મુગુરુઝા બ્લાન્કોએ સ્વિસ ખેલાડી તિમિયા બેકસિનસ્કાયને 7-5, 6-3થી હરાવીને વિમેન્સ સિંગલ્સની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.પેસ-હિંગીસની આગેકૂચ : ભારતના લિએન્ડર પેસ તથા સ્વિટ્ઝર્લેન્ડની માર્ટિના હિંગીસે 48 મિનિટમાં આર્ટેમ સિતાક તથા એનેસ્તેશિયા રોડિઓનોવાની કિવિ-ઓસ્ટ્રેલિયન જોડીને 6-2, 6-2થી હરાવીને ટૂર્નામેન્ટની મિક્સ ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.